Dakshin Gujarat

દમણની સહેલગાહે આવેલા પર્યટકોને અચાનક આવેલા વરસાદને પગલે મોજ પડી ગઇ

વલસાડ, ધરમપુર: (Valsad) વલસાડ જિલ્લામાં શિયાળાની શરૂઆત સાથે ગુરુવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું હવામાન થયા બાદ જિલ્લાના ધરમપુર, કપરાડાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ (Rain) પડતા ડાંગરની લરણી કરતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા. તૈયાર ડાંગરના પાકને નુકશાન થવા સાથે શાકભાજીના પાકને પણ નુકશાનની શકયતા ખેડૂતોએ (Farmer) દર્શાવી હતી. વાપી અને વલસાડમાં પણ બપોરબાદ કમોસમી વરસાદથી વાતાવરણ પલટાયું હતું. સંઘ પ્રદેશ દમણમાં (Daman) પણ ગાજવીજ સાથે મુશળધાર કમોસમી વરસાદ વરસ્યો હતો.

સંઘ પ્રદેશ દમણમાં પણ ગાજવીજ સાથે મુશળધાર કમોસમી વરસાદ વરસ્યો
દમણ : સંઘ પ્રદેશ દમણમાં પણ ગુરૂવારનાં રોજ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતાં આકાશ કાળા વાદળોથી ઘેરાય ગયું હતું. અને જોત જોતામાં મુશળધાર ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જેને લઈ પ્રદેશનાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. એટલું જ નહીં અચાનક કમોસમી વરસાદ વરસતાં રસ્તાઓ પર વાહનોના પૈંડા થભી ગયા હતા. અને લોકો વરસાદથી ભીંજાય ન જાય એ માટે પેટ્રોલ પંપ અને અન્ય જગ્યાનો આશરો લેતા જોવા મળ્યા હતા. જ્યારે કાર ચાલકોએ ફરજિયાત વાયપર ચાલુ રાખી વાહન હંકારતા જોવા મળ્યા હતા. અચાનક આવેલા વરસાદને પગલે છેલ્લા ત્રણથી ચાર દિવસની બફારો અને ગરમી જોવા મળી હતી એ વરસાદ પડતાં ઠંડકમાં પરિવર્તિત થઈ જતાં પ્રદેશનાં લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. જ્યારે દમણની સહેલગાહે આવતા પર્યટકોને અચાનક આવેલા વરસાદને લઈ ખાવા પીવાની તેમને મોજ પડી હતી. આ તરફ દમણનાં ગ્રામ્ય વિસ્તારોમાં પાક લઈને બેઠેલા ખેડૂતોમાં કમોસમી વરસાદને લઈ ચિંતા પ્રસરી જવા પામી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બ્સના પગલે દક્ષિણ ગુજરાતમાં કમોસમી માવઠાના પગલે હળવો વરસાદ થવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી હતી. જે મુજબ ગુરુવારે વલસાડ જિલ્લાના કપરાડા, વાપી તેમજ વલસાડ તાલુકામાં કમોસમી વરસાદના છાંટા પડતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા. ધરમપુર તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડતા ખલીમાં રહેલું ડાંગર પણ પલાળી ગયું હતું. નોંધનીય છે કે વલસાડ જિલ્લામાં ડાંગરની કાપણી બાદ ખેડૂતો હાલે ડાંગરના પાકની લરણીમાં જોતરાયા છે આ સ્થિતિમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોમા ચિંતાનો માહોલ સર્જાયો છે. ગુરુવારે આખો દિવસ વાદળછાયું હવામાન રહેવા સાથે ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠડક વ્યાપી ગઈ હતી.

Most Popular

To Top