SURAT

સુરતમાંથી આટલા હજાર બોગસ યુઝર આઈડી મારફત 100 કરોડ રૂપિયાનું અનાજ ચાઉં થઈ ગયું

સુરત: (Surat) કોરોનાકાળ-લોકડાઉનમાં સરકારી અનાજ (Grain) સગેવગે કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ (Scam) ઉજાગર થયું હતું. આ કૌભાંડમાં પ્રાથમિક તપાસમાં બોગસ યુઝર આઈડી મારફત કરોડો રૂપિયાનું અનાજ કાળાબજારમાં સગેવગે કરાયુ હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ આજદિન સુધી આ દિશામાં ગંભીરતાથી તપાસના તથ્યો સામે આવ્યા નથી. આ રાજ્ય વ્યાપી કૌભાંડની તટસ્થ અને પારદર્શક તપાસ કરી અસરકારક પગલા ભરાય કોંગ્રેસે માંગણી કરી હતી.

પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે સરકારી અનાજ સગેવગે કરવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં ફક્ત સુરત શહેરમાંથી ૬૨,૦૦૦ જેટલી ફેક યુઝર આઈડી મારફત વ્યાજબી ભાવના ૧૦૦ કરોડ રૂપિયાનું અનાજ લોકડાઉન-કોરોના કાળમાં ચાઉં થઈ ગયું હતું. આજદિન સુધી આ દિશામાં ગંભીરતાથી તપાસ થઈ નથી.

ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતુ કે જે રાશનકાર્ડ ગ્રાહકો નેશનલ ફ્રુડ સિક્યુરીટી એક્ટ હેઠળ અનાજ લેવા જતા ન હતા. તેમના નામનો ફેક યુઝર આઈ.ડી. બનાવી કાળાબજાર કરનારી ટોળકીઓ બારોબાર આ અનાજને સગેવગે કરતા હતા. સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, જામનગર સહિત અનેક જિલ્લા-શહેરમાંથી ગરીબોના હક્કનું અનાજ બારોબાર કાળાબજારીયાઓ ચાઉં કરી ગયા હોવાનું બહાર આવ્યું છે. ભાજપ સરકારના આર્શિવાદ થી કાળાબજારીયા-સંગ્રહખોરો દ્વારા સુનિયોજિત કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું છે.

આંગણવાડી – બાલકેન્દ્રોના લાખો બાળકો કોરોના કાળમાં પોષણયુક્ત આહારથી વંચિત રહ્યાં. ગરીબોના હક્કના અનાજને છીનવીને અનાજ માફિયા-કાળાબજારીયા-સંગ્રહખોરો પર ભાજપ સરકાર પી.બી.એમ. હેઠળ કેમ પગલા ભરતી નથી ? સસ્તા અનાજ માટેની વિતરણ વ્યવસ્થામાં અનાજ, ખાદ્યતેલ, ખાંડ, કેરોસીન અને દાળ બારોબાર સગેવગે થાય અથવા તો તે વ્યવસ્થામાં મોટી ગેરરીતિ હોય તે અંગે સરકાર કેમ મૌન ? જે સ્પષ્ટ દર્શાવે છે કે કાળાબજારીયા-સંગ્રહખોરો-અનાજ માફિયાઓ ભાજપ શાસનમાં ભાગીદારની જેમ વટથી વેપાર-કામકાજ કરી રહ્યાં છે. આ કૌભાંડની તટસ્થ અને પારદર્શક તપાસ થાય તે જરૂરી છે.

Most Popular

To Top