Top News

More Posts

   The Latest

Most Popular

આજ નવી જાહેરાતો છાપામાં,રેડિયો અને ટીવી પર આવતી હોય જેમાં કહેવામાં આવ્યું હોય કે, ‘‘શું આપને આપના ખોરાકમાંથી __ પૂરતા પ્રમાણમાં મળી રહે છે?’’ પછી આ ખાલી જગ્યામાં કોઈ પણ X, Y, Z પોષક તત્ત્વ મૂકી દેવામાં આવે … “ચાલીસની ઉંમર થાય એટલે મલ્ટી વિટામિનની ગોળીઓ લઈ જ લેવાની’’, “જીમ જતાં હો તો સપ્લિમેન્ટ તો લેવા જ પડે’’, “વજન ઉતારવા માટે સ્લીમિંગ શેક લો અને સાથે વિટામિન્સ તો લેવાના જ તો જ એની આડઅસર ન થાય!” આવી માન્યતાઓ સાથે જીવતો આપણો સમાજ. કોણ જાણે કેટલીય સપ્લિમેન્ટ બનાવતી કંપનીઓના માલિકોને સમૃદ્ધ બનવામાં મદદરૂપ થાય છે પણ સાથે સાથે પોતાના સ્વાસ્થ્યને અજાણપણે કેટલું નુકસાન કરી રહ્યા હોય છે તેનો તેમને ખ્યાલ હોતો નથી.

મુખ્યત્વે વિટામિન B 12, વિટામિન D, કેલ્શિયમ અને આયર્ન આ ચાર એવાં પોષક તત્ત્વો છે જેનું સેવન લોકો અજ્ઞાનપણે ચણા – મમરાની જેમ કરતાં હોય છે. આ પોષક તત્ત્વોનું જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં સેવન ચોક્કસ સ્વાસ્થ્યસંબંધી અડચણો ઊભી કરે જ. સંસ્કૃતમાં ઉકિત છે ને કે “અતિ સર્વત્ર વર્જયેત”…
તો આવો આ અંકે સમજીએ કે ખરેખર સપ્લિમેન્ટ કોણ અને કેટલા પ્રમાણમાં લઇ શકે અને જો સપ્લિમેન્ટ દ્વારા જો જરૂરિયાત કરતાં વધારે વિટામિન્સ અને ખનીજ તત્ત્વો લેવામાં આવે તો આપણે શરીરને કેટલું નુકસાન કરી બેસતા હોઈએ છીએ!

વિટામિન B12 :
વિટામિન B 12નું મુખ્ય કાર્ય શરીરમાં રક્તકણો ઉત્પન્ન કરવાનું છે. એથી જ જો વિટામિન B 12 પૂરતા પ્રમાણમાં શરીરમાં ન હોય તો લોહીમાં રક્તકણોની માત્રા ઘટી જાય અને એમ થતાં શરીર પુષ્કળ થાક અનુભવે. વિટામિન B 12 ગર્ભવતી માતા દ્વારા બાળકના શરીરમાં સ્ટોર થાય છે. આ સ્ટોર બાળક મોટો થાય ત્યાં સુધી વપરાતો હોય. તે દરમ્યાન આપણા ખોરાક -મોટે ભાગે નોન વેજ આહાર અને દૂધ તથા ચીઝ અને પનીર જેવી દૂધની બનાવટોમાંથી મેળવતાં હોઈએ છીએ. અલબત્ત, શાકાહારીઓ અને વિગન લોકો માંસાહારીઓની સરખામણીમાં ખૂબ ઓછા પ્રમાણમાં વિટામિન B 12 મેળવી શકતા હોય છે અને પછી લોહીમાં B 12નું પ્રમાણ બરાબર હોવા છતાં આંખો મીંચી B 12ની ગોળીઓ ગળ્યા કરે છે. આવા સંજોગોમાં જો શરીરમાં જરૂરિયાત કરતાં વધુ B 12 લેવાય તો નીચે મુજબની તકલીફો થઈ શકે.

  • પાતળા ઝાડા થવા
  • ચામડી પર ખંજવાળ આવવી
  • ચાંદા પડવા
  • ચક્કર આવવા
  • માથું દુખવું
  • વેઇન થ્રોમ્બોસિસ (નસોમાં
    ગાંઠ થવી)
  • પેટ ફૂલવું
  • ફેફસાં પર સોજો આવવો.
  • વિટામિન D:
  • વિટામિન Dનું મુખ્ય કાર્ય હાડકાંમાં કેલ્શિયમ અને ફોસ્ફરસના અધિશોષણમાં મદદરૂપ થવાનું છે. આ વિટામિન D આપણને સૂર્યના પ્રકાશના ચામડી પર પડવાથી ચામડી દ્વારા શરીરને મળે છે. ઘણી વાર શરીરમાં કેલ્શિયમની ખામી અને હાડકાંના રોગોનું મુખ્ય કારણ વિટામિન Dની ઊણપ હોઈ શકે પરંતુ સૂર્યપ્રકાશ ગ્રહણ કરવાને બદલે આખો દિવસ ACમાં બેસી રહેતી પ્રજા છેવટે વિટામિન D ના સપ્લિમેન્ટનો ઉપયોગ કરે છે અને કેટલાક વધુ પડતાં સમજુ લોકો જરૂરિયાત વગર પણ વિટામિન સપ્લિમેન્ટ્સ ખા બે ખા કરે છે. શરીરની જરૂરિયાતથી વધુ પ્રમાણમાં વિટામિન D લેવાથી નીચે મુજબની તકલીફો સર્જાઈ શકે છે.

કિડની અને હૃદયને નુકસાન
કબજિયાત અને ઝાડા વારાફરતી થવા
હૃદયના ધબકારામાં ફેરફાર
જો વધુ પડતા પ્રમાણમાં ગર્ભવતી મહિલા દ્વારા લેવામાં આવે તો બાળકનો માનસિક વિકાસ ધીમો થવાની શક્યતા છે.

આયર્નની ગોળીઓ :
આયર્ન લોહીનો અવિભાજ્ય ભાગ છે. આયર્નની મદદથી લોહી દ્વારા આખા શરીરમાં ઓક્સિજન પહોંચે છે. આયર્ન આપણને લીલી ભાજી, ખજૂર, અંજીર જેવા સૂકામેવા, ઘઉં, ચોખા જેવા અનાજ, બાજરી, જુવાર, રાગી જેવા ધાન્ય, ઈંડાં અને પ્રાણીના લિવર જેવા માંસાહારી પદાર્થો તથા દાડમ, સફરજન, બોર, દ્રાક્ષ જેવાં ફળોમાંથી પૂરતી માત્રામાં મળી રહે છે.
જો શરીરમાં પૂરતા પ્રમાણમાં આયર્ન ન હોય તો શરીર થાક અનુભવે. પરંતુ જો જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં આયર્ન લેવામાં આવે તો નીચે મુજબની તકલીફો થઈ શકે.

છ વર્ષથી નીચેનાં બાળકોમાં આયર્નનું વધુ પડતું સેવન હૃદય પર ભારણ મૂકી મૃત્યુ પણ નોંતરી શકે છે
વધુ પડતું આયર્ન આંતરડાંની અંદરની સપાટીને નુકસાન પહોંચાડી શકે છે.
ડાયેરિયા અને ડીહાઇડ્રેશન થઈ શકે છે.
લોહીનું નીચું દબાણ અને ઊંચા હૃદયના ધબકારા (પલ્સ રેટ)
શ્વાસોચ્છવાસમાં તકલીફ
ત્વચાનો ભૂરાશ પડતો રંગ
વધુ પડતું આયર્ન લિવરમાં જમા થતું હોઈ લિવર અને બરોળને બરડ બનાવે છે.

કેલ્શિયમ :
કેલ્શિયમ હાડકાં અને સ્નાયુઓને મજબૂત કરવા ઉપરાંત ચેતાતંત્રની કાર્યવાહી માટે પણ આવશ્યક ખનીજ છે. રોજિંદા આહારમાં દૂધ, લીલી ભાજી, લગભગ દરેક શાક અને ફળો તથા રાગી, બાજરી જેવાં ધાન્ય, માછલી જેવા માંસાહારી પદાર્થો તથા તલ, અળસી , સૂરજમુખીનાં બીજ જેવા તેલીબિયાંમાંથી સારી માત્રામાં મળી રહે છે. આ ખાદ્યપદાર્થોનું રોજ સેવન કરવાથી શરીરને જોઈતા પ્રમાણમાં કેલ્શિયમ મળી શકે. જો પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ન મળે તો હાડકાં નબળાં બને પરંતુ યોગ્ય તબીબી માર્ગદર્શન વિના આડેધડ લેવાતી કેલ્શિયમની ગોળીઓ જીવ માટે જોખમરૂપ સાબિત થઈ શકે…. કેલ્શિયમનું શોષણ હાડકાં અને દાંતમાં થાય છે પરંતુ વધુ પડતા કેલ્શિયમ દ્વારા શું તકલીફ આવી શકે તે જોઈએ.

વધુ પડતું કેલ્શિયમ આયર્ન અને
ઝીંકનું શોષણ અટકાવે.
વધુ પડતાં કેલ્શિયમને લીધે
કિડનીમાં પથરી થવાની સંભાવના
વધે.

પ્રોસ્ટેટના રોગોનું એક કારણ
વધુ પડતું કેલ્શિયમનું સેવન
હોઈ શકે. પોષક તત્ત્વોની માત્રા કેટલી હોવી જોઈએ?
આવો, આ સપ્લિમેન્ટ્સનું લોહીમાં જરૂરી પ્રમાણ જાણીએ.
એક સ્વસ્થ વ્યક્તિના લોહીમાં નીચે પ્રમાણે પોષક તત્ત્વોની માત્રા હોવી જોઈએ. જો આ માત્રા જરૂરિયાત કરતાં ઓછી હોય તો તબીબ અને ડાયટિશ્યનની સલાહ બાદ જ સપ્લિમેન્ટ્સનું સેવન કરવું જોઈએ.

પોષક તત્ત્વ લોહીમાં જરૂરી પ્રમાણ
વિટામિન B 12 ૨૦૦-૯૦૦ ng/ml
વિટામિન D ૩ ૨૯-૫૦ ng/ml
આયર્ન( હિમોગ્લોબીન) ૧૧.૬-૧૫.૦ g/dL (સ્ત્રીઓ માટે)
૧૩.૫-૧૬.૦ g/dL( પુરુષો માટે)
કેલ્શિયમ ૮.૬-૧૦.૩ g/dL
( સ્ત્રોત :- national institute of nutrition (NIN), Hyderabad)
*નોંધ :- ઉપરના કોષ્ટકમાં દર્શાવાયેલ આંકડા એક સ્વસ્થ પુખ્ત વયની વ્યક્તિને અનુલક્ષીને છે. બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે આ પ્રમાણમાં ફેરફાર હોઈ શકે.

To Top