Columns

‘નિષ્ફળતાનો ડર’ ધરાવનાર વ્યકિતની લાક્ષણિકતાઓ

ગયા અંકમાં જોયું કે ખૂબ જ નાની વયથી બાળકમાં નિષ્ફળતાનાં બીજ રોપાઇ જતાં હોય છે. વિવિધ વર્તનોની અસરના લીધે નાના બાળકને એની નજીકનું વિશ્વ આશામય, વિશ્વાસપાત્ર નથી લાગતું અને ધીરે ધીરે એનામાં કાર્યમાં સફળતા ન મળવાની અથવા તો કાર્યનાં પરિણામમાં સફળ ન થવાથી શું થશે? ના વિચારો હાવી થાય છે અને એ એવું જ વર્તન કરવાની પર્સનાલીટી પેટર્ન તરફ ઢળી પડે છે અને નિષ્ફળતાનો ડર કદાચ જિંદગીનો અંત લાવવા સુધી લઇ જાય છે. જે બાળકો આજે ત્રણ વર્ષની વય વટાવી ચૂકયા છે, કોઇ તરુણ છે, કોઇ યુવાન છે, કોઇ મધ્ય અવસ્થાએ પહોંચી ચૂકયું છે તો શું એમની ‘નિષ્ફળતાનો ડર’ નાં વિચાર – વર્તનમાં કોઇ ફેરફાર ન લાવી શકાય?

એવો વિચાર સ્વાભાવિક આવે. એરીકશન કહે છે કે જેતે તબકકામાં, જેતે પર્સનાલીટી ટ્રેઇટનો કદાચ નકારાત્મક વિકાસ થયો હોય તો પણ જીવનના અન્ય તબકકામાં એને હકારાત્મકતા તરફ વળાંક આપી શકાય છે અને બાળકના, વ્યકિતના વિચાર – વર્તનમાં ફેરફાર લાવી શકાય છે. તો આજે ચિંતન – મંથન કરીએ કે સંતાનોમાં કે આપણી આજુબાજુ ‘નિષ્ફળતાનો ડર’ ધરાવતી વ્યકિતને ઓળખી એને મનો-સામાજીક સપોર્ટ આપવાનો પ્રયત્ન કરીશું. જેથી કોઇ જિંદગીનો અંત લાવવાનું ન વિચારે.

‘નિષ્ફળતાનો ડર’ ધરાવનારનાં લક્ષણ:
નાની – મોટી નિષ્ફળતાનો સૌ કોઇએ અનુભવ કર્યો હશે અને જીવનના દરેક સ્ટેજે કરતાં જ હોઇએ છીએ. એમાંથી બહાર નીકળવાનાં સઘન પ્રયત્નો પણ કરતાં જ હોઈએ છીએ પરંતુ જ્યારે ‘ડર’ની માત્રા વધુ થઈ જાય, ચિંતાનો પારો નોર્મલથી વધુ પહોંચે ત્યારે વાણી, વર્તનમાં નોંધપાત્ર ફેરફાર દેખાવા લાગે છે.

સતત ચિંતાઓથી ઘેરાયેલ રહેતી હોય છે વ્યકિત. મુખ્ય એક જ વિચાર- ‘અન્ય લોકો તમારા વિશે શું વિચારે છે?’ જે કદાચ વાસ્તવમાં અલગ પણ હોય શકે છે. દા.ત. વ્યકિત આર્થિક સંકટમાં ખૂબ જ માનસિક ભીંસ અનુભવે કે મારી રહેણી-કરણીમાં ફેરફાર આવી જશે. હું જો નાના ઘરમાં રહેવા માંડું તો લોકો ‘મારા વિશે શું વિચારશે?’ના વિચારોની ચિંતાની દુનિયામાં રહેવા લાગે છે.

વ્યકિત એમની ઇચ્છા મુજબના ભવિષ્યને અનુસરવાની પોતાની ક્ષમતા વિશે પણ સતત ચિંતા કરતી હોય. આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે લેવાનારા પગલાંઓ વિષે સકારાત્મક રીતે વિચારવાને બદલે ‘Self doubt’ તરફ વળી જાય છે. ‘શું ભવિષ્યમાં મારાથી કંઇક સારું થશે?’ પોતાની શકિતઓ વિષે વિચાર ન કરતાં પોતાની નબળાઇઓ વિષે વધુ વિચારતો થઇ જાય છે.

પોતાની નબળાઇઓ જયારે માનસિક રીતે હાવી થાય ત્યારે થાય કે ‘મારો સાથ કોણ આપશે?’ મારામાં લોકોને શું રસ?’ ‘મને ફરી આગળ વધારવામાં કોઇને રસ / ઉત્સાહ નથી’ એવું વાણી-વર્તનમાં દેખાવા માંડે છે. તમે તમારી આજુબાજુના નિરાશાજનક લોકોની સાથે તમારી જાતને જોડી લો છો અને એમના અભિપ્રાયોને મહત્ત્વ આપો છો. આમ મનો-સામાજીક વાતાવરણ બદલાઇ જાય છે. જે કાર્ય કરો કે કાર્ય પૂર્ણ થયા પછી પરિણામ વિષે કોઇ ખાસ અપેક્ષા ન રાખો

વ્યકિતની વાતચીતમાં અન્ય લોકો વધુ અપેક્ષા ન રાખે માટે નિષ્ફળ જવાની વાતો કરવાની શરૂઆત થઇ જતી હોય છે. આમ અજાગૃત મન સફળ થવા માટે શું કરી શકાય? ના બદલે નિષ્ફળ જવાના એની કલ્પનામાં વધુ રહે છે. જેની અસર મનો – શારીરિક રીતે પણ જોવા મળે છે. પરીક્ષાના દિવસોમાં છેલ્લી ઘડીનો માથાનો દુખાવો, પેટમાં દુખાવો, પરસેવો વળી જવો જેવાં અન્ય લક્ષણો દેખાય છે. હાલમાં જ એક સાત – આઠ વર્ષનું બાળક જેને શાળાના સમયે ખૂબ જ પેટમાં દુખે, ચીસા-ચીસ, રડવાનું જોવા મળે, બધાં જ ટેસ્ટ થઇ ચૂકયા છે, બધા જ રીપોર્ટ નોર્મલ આવે છે છતાં ફેમિલી ડોકટર MRI, Screening કરાવે છે. આવે વખતે ઘરના અન્ય સભ્યોએ શારીરિક લક્ષણો પર ધ્યાનની સાથે માનસિક કારણો પર વધુ ધ્યાન આપવાની જરૂર કેમ કે એ જ તો મુખ્ય કારણ હોય છે જેની અસર શારીરિક સમસ્યા પર જોવા મળે છે.

ધીરે ધીરે તમને તમારા રોજિંદા કાર્યો કરવામાંથી વિચલિત કરે અને જેતે કાર્ય માટેની તૈયારીઓ વિલંબિત કરવાનું તમારું વલણ થતું જાય છે. ‘Procrastination’ – આમ સમય પૂરો થતાં, કાર્ય ન કરવાનું વલણ પર્સનાલિટીની પેટર્ન બની જાય અને ‘ડર’ હાવી થઇ જાય. આમ શરૂઆત કદાચ નાના – નાના અનુભવોથી થતી હોય પણ એ નકારાત્મક અનુભવોનું ‘dumping’ નિષ્ફળતાના ડરનું કારણ બનતું જાય છે. હવે આપણી આજુબાજુ, ઘરમાં, શાળામાં જયારે આવા લક્ષણો વાણી-વર્તનમાં જોવા મળે ત્યારે બને તેટલો મનો-સામાજીક સધિયારો આપવાનો જાગૃત પ્રયત્ન કરીએ અથવા તો એ પ્રત્યે માતા-પિતાનું સાવધાનીથી ધ્યાન દોરીએ અને પ્રોફેશનલ કાઉન્સેલર કે થેરાપિસ્ટની મદદ લેવા માટે પ્રોત્સાહિત કરીએ. હવે જોઇએ કે આપણે શું કરી શકીએ?

હર્ષનું ધોરણ ૧૨ વિજ્ઞાનનું પરિણામ આવવાનું છે. છેલ્લા ત્રણ દિવસથી વધુ પડતો ડાહ્યો – ડમરો થઇ ગયો છે. ટીવી – મોબાઇલનું વળગણ ઓછું કરી દીધું છે. ઘરમાં બહુ વાત-ચીત નથી કરતો, મોટીવેશનલ બુક લઇને વાંચન કરે છે, ઘરમાં સતત ટોકનારી માતાને નવાઇ લાગે છે કે ભાઇમાં આટલો બધો બદલાવ. પરિણામના દિવસે માત્ર ૪૫% આવે છે. સાથે કેમેસ્ટ્રીમાં ગ્રેસીંગ માર્કસ પણ. હવે ત્રણ દિવસ પહેલાંના વર્તનને ખૂબ જ સરળતાથી સાંકળી લો, હર્ષને પોતાના નબળા પરિણામ વિષે અણસાર તો હતો જ, જો ટકાવારી ઓછી આવશે કે Fail થઇશ તો શું થશે?ના નકારાત્મક પાસા તરફ ઢળવાને બદલે એના વાંચન કરવાથી ઘરના વાતાવરણમાં ફરક પડયો અને વાલીએ માત્ર એટલું જ કહ્યું કે ‘ઓછી ટકાવારીએ પણ કારકિર્દી બનાવી શકાય છે.’ આ વાકયે હર્ષને સફળતાના પંથે આગળ વધાર્યો. નાના – નાના પ્રયત્નો સફળતા તરફ લઇ જાય છે.
(ક્રમશ:)

Most Popular

To Top