Columns

જન્માક્ષર… કુંડળી… શુકન… અપશુકનમાં રાચતાં લોકોથી તોબા… તોબા…!

ઘણાં લોકોને મોંએ એક કકળાટ સાંભળીએ છીએ ‘મારાં તો નસીબ જ ફૂટેલાં છે, ન તો કોઇ દિવસ કોઇ લોટરી લાગે કે ન કોઇ દિવસ ધારી સફળતા મળે. જયાં જાઉં ત્યાં નસીબ બે ડગલાં પાછળ- કહેશે, ‘‘તું જાય ટપાલમાં, તો હું જાઉં તારમાં.’’
જીવનમાં દરેક સફળતા પ્રાપ્ત કરવા માનવ ખૂબ સંઘર્ષ કરે અને પછી પણ સફળતા હાંસલ ન થાય ત્યારે મને તો ગ્રહો નડે છે, એ વાત મન જોડે બરાબર જોડી દે છે…! નીલાબેન હમણાં હમણાં ખૂબ ટેન્શનમાં રહે છે. પ્રેશર વધી જાય અને વાત વાતમાં આંખમાં આંસુ. ખૂબ સ્વસ્થ એવાં નીલાબેનનું મનોબળ આવું કેમ થઈ ગયું?

ખબર પડી- દીકરી મિતાલીનું કંઇ ઠેકાણું પડતું નથી. સારાં સારાં ઠેકાણાં ગુમાવવા પડયા છે જન્માક્ષરની લ્હાયમાં. મિતાલી અને એની માતા નીલાબેન જન્માક્ષરમાં બહુ માનતા નથી પણ એના પિતા જનકભાઇ જન્માક્ષર મેળવવાના પછી જ આગળ વાત, આ હઠ મૂકતાં જ નથી. મિતાલી જોવા આવતાં બધા છોકરાઓને પસંદ પડતી કારણ કે તે ભણેલી-ગણેલી, દેખાવડી-સંસ્કારી હતી. પછી શું વાંધો હોય? પણ સૌથી મોટો વાંધો એના પિતા જનકભાઇને જન્માક્ષર ન મળે તેનો! તેમની તો પહેલી શરત જ જન્માક્ષર મેળવવાની.

મિતાલીની ઉંમર 29 વર્ષની થઇ. હવે નીલાબેનની ધીરજ પણ ખૂટી ગઇ હતી. દીકરીની ઉંમર સાથે મેળ બેસે એવો દીકરો પણ મળવો જોઇએ ને? એક તો દીકરીની જાત, ભણેલી, ગણેલી. કંઇ ખોટું પગલું ભરી બેસે તો? લોકોને મોઢું બતાવવા જેવું ય ના રહે. નીલાબેનને આ બધા પ્રશ્નો સતાવવા લાગ્યા અને જનકભાઇ તો નિરાંતે ઊંઘે છે, કંઇ પડી જ નથી. પડી હોય તો જન્માક્ષર મેળવવાની જ! એક દિવસ નીલાબેનના ભાઇ એક છોકરાની વાત લાવ્યા, તરત જ જનકભાઇ બોલ્યા,‘‘જોવા તો જઇએ પણ જન્માક્ષર…!’’

નીલાબેન તાડૂકયાં, ‘‘જુઓ પાછા એનું એ જ રટણ. તમારી તો બુધ્ધિ જ બહેર મારી ગઇ છે. જન્માક્ષરનું પૂછડું પકડીને બેઠાં છો તે છોડતાં જ નથી. તમારી જન્માક્ષર મેળવવાની લ્હાયમાં ને લ્હાયમાં દીકરી આટલી મોટી થઇ ગઇ…! કાંઇ ન કરવાનું કરી બેસશે તો પછી તમે જન્માક્ષરને છાતીએ વળગાડીને રડજો. એ લોકો માંગે તો જ જન્માક્ષરની વાત કરવાની. આપણે કહેવાની શું જરૂર? હમણાં જ ફોન કરી વાત આગળ ચલાવો!’’ જનકભાઇ મનમાં ને મનમાં મુંઝાતા હતા. જન્માક્ષર મેળવ્યા વિના સગપણ કરવાની વાત એમના ગળે ઊતરતી ન હતી. એમને જયોતિષનું જ્ઞાન હતું, તેઓ માનતા હતા કે જયાં સુધી કુંડળીમાં લગ્નનો યોગ જ ન હોય તો ગમે તેટલી મથામણ કરવા છતાં કંઇ વળે નહિ.

નીલાબેનના ભાઇએ આગળ વાત ચલાવી તો છોકરાવાળાએ જન્માક્ષર માંગ્યા, મેળવ્યા, મળ્યાં નહીં. આ વાત મિતાલીએ સાંભળી તે બોલી- ‘મમ્મી, તું નકામી ચિંતા કરે છે, હું ભણેલીગણેલી નોકરી કરતી સ્ત્રી છું. નહિ પરણું તો શું બગડી જવાનું છે? તમારા માથે તો હું ભારરૂપ છું નહીં.’ મિતાલી મમ્મીના મનને હળવું કરવા માંગતી હતી.
‘‘મિતાલી, પરણ્યા વગર સ્ત્રી જાતને માટે એકલા રહેવાનું કેટલું અઘરું છે. સમાજ એકલી સ્ત્રીને સુખેથી કયાં રહેવા દે છે, જાત જાતની વાતો સાંભળવી પડે!’’

મિતાલી સાંભળ્યું ન સાંભળ્યું કરીને ઓફિસ જવા નીકળી ગઇ.
મિતાલી રોજ સાંજે આઠ વાગ્યા સુધીમાં આવી જતી પણ આજે આઠના દશ વાગ્યા, બાર વાગ્યા, મિતાલી ઘરે આવી નહિ. ઘરના સૌની ચિંતા વધી ગઇ. મોડી આવવાની હોય તો ફોન કરીને જણાવે નહિ? લાગતાવળગતા ઓફિસના સર્કલમાં ફોન કર્યા પણ કોઇને કંઇ ખબર નહીં હતી. સૌ રાહ જોઇને થાકયા. એવામાં ફોન આવ્યો. નીલાબેન ફોન લેવા દોડયાં. મિતાલીનો ફોન છે એ સાંભળી જનકભાઇએ ફોન પર વાત કરી.

મિતાલીએ કહ્યું, ‘‘પપ્પા-મમ્મી પ્રણામ. તમારી મિતાલી. જયોતિષશાસ્ત્રના આધારે મારા લગ્નનો યોગ આવી ગયો ને મેં લગ્ન કરી લીધા છે. પ્રેમલગ્ન તમને ગમે એવું ન હતું એટલે વાત કરવાની હિંમત થઇ નહીં. એ આપણા જેવી ઉચ્ચ જ્ઞાતિનો નથી પણ સુશિક્ષિત અને સંસ્કારી છે. મારી ચિંતા તમને બહુ થતી હતી, ને હવે જરૂર શાંતિ થઈ જશે. આવજો.’’
જનકભાઇ અને નીલાબેન ડૂસકે ડૂસકે રડયાં. જનકભાઇ બોલ્યા, ‘‘આ દીકરીએ શું કર્યું? જન્માક્ષર મેળવ્યા વિના લગ્ન?’’ પણ મિતાલીને આજે વર્ષોથી જનકભાઇ સુખી જુએ છે. ત્યારે તેમને શાંતિ થઇ અને જન્માક્ષરનું ભૂત એમના મનમાંથી નીકળ્યું.
સાચી વાત એ છે કે દામ્પત્યજીવનની સફળતા માટે જન્માક્ષરોનો નહીં, મનનો મેળ બહુ જરૂરી હોય છે.

રામે માત્ર ધનુષ્ય તોડયું હતું, સીતાના જન્માક્ષરો નહોતા ચકાસ્યા. સ્વયંવર પ્રથામાં એ તો શકય જ નહોતું. આપણે એવા કેટલાય પરિવારો સમાજમાં જોઇએ છીએ. જેમના લગ્ન જન્માક્ષરો મેળવીને કર્યા હોવા છતાં દરરોજના ઝઘડા છૂટાછેડા- આપઘાત. ઘણી વાર સુખી દામ્પત્યજીવન હોય તો કોઇ બીમારી કયાં અકસ્માતથી પતિ મૃત્યુ પામે કયાં પત્ની. ત્યારે થાય છે જન્માક્ષરોના મેળનો દુરાગ્રહ શા માટે? છાપામાં સમાચારો વાંચીએ છીએ. સ્ત્રીઓને સળગાવી દીધી. ઝેર આપીને મારી નાંખી. તેઓ સૌ જન્માક્ષર મેળવીને જ પરણ્યા હશે ને?

બે વ્યક્તિ કેટલા સુખેથી-આનંદથી, કટલા સમય સુધી સાથે જીવી શકે તેનો આધાર બંનેની વૈચારિક સંવાદિતા પર રહેતો હોય છે. જન્માક્ષરો સંપૂર્ણ મળ્યા હોય છતાં બે વ્યકિત વચ્ચે સામાજિક કે બૌધ્ધિક વિચારોની અસમાનતા હોય તો તેમની વચ્ચેના ખટરાગને તેમના સારા ગ્રહો પણ અટકાવી શકતા નથી. વર કે કન્યા ઉભય પક્ષને નડી શકે તે માણસ નામનો ગ્રહ જ હોય છે. કરોડો માઇલ દૂર નિર્જીવ ગ્રહોનું માણસોએ શું બગાડયું છે? આકાશી ગ્રહો કરતાં આપણને આપણા આ ગ્રહો જેવા કે સંગ્રહ-વિગ્રહ, દુરાગ્રહ, પરિગ્રહ, નિગ્રહ, હઠાગ્રહ, પૂર્વગ્રહ વગેરે વધારે પડતા કનડતા હોય છે. જયાં જાય ત્યાં સૌને નડયા જ કરે એવા માણસો સ્વયં જ ગ્રહ જેવા હોય છે. માણસ જ માણસ માટેના રાહુ-કેતુઓ છે. એથી મોરારીબાપુએ સ્પષ્ટ કહ્યું છે ‘માણસને ગ્રહો નહીં પૂર્વગ્રહો વધુ નડે છે.’

તો વાચકમિત્રો…! આપણને ગ્રહો નડતા નથી, પણ આપણાં કર્મો નડે છે. પાઘડીએ મંગળને અમંગળ કેમ ગણી શકાય? એક નાડી હોવાથી બાળકો ન થાય પરંતુ એક નાડીવાળાને ત્યાં આજે બાળકો કિલ્લોલ કરે છે. આજકાલ એક ફેશન થઇ છે બાળકનો અમુક ચોક્કસ સમયે જન્મ કરાવીએ તો અમુક કુંડળી-ગ્રહોમાં જન્મ કરાવવાથી બાળકનું ભવિષ્ય ઉત્તમ થાય. એ માટે ચોક્કસ સમયે હોસ્પિટલમાં સિઝેરિયન ઓપરેશન કરાવે છે. મિત્રો, આટલા બધા ફાંફાં શા માટે? કુદરત કુદરતનું કામ કરવાની જ છે. પ્રભુના પનોતા પુત્રને કદી કોઇ પનોતી નડતી જ નથી. પ્રભુ પ્રસન્ન થાય એવા સતકાર્યો કરીએ. આપણે જ આપણા ભાગ્યવિધાતા છીએ. સારી ભાવના, સારાં કામો કરીએ, પ્રભુને ગમે એવું જીવન જીવીએ તો પ્રભુ પણ આપણી ઇચ્છા મુજબ આપણી કુંડળી બનાવે.

તો મિત્રો, દૂર રહો… આ ગ્રહોની પળોજણથી.
સુવર્ણરજ
ખુદી કો કર બુલંદ ઇતના કિ
હર તકદીર સે પહેલે,
ખુદા બંદેસે ખુદ પૂછે,
બતા તેરી રજા કયા હૈ?

Most Popular

To Top