SURAT

સુરત: ATMમાં લોડ કરવા 1.72 કરોડ લઈ નીકળેલા કર્મચારીએ રસ્તામાં 5 લાખ કાઢી લીધા

સુરત(Surat): વાડ જ ચીભડાં ગળે તો કોને કહેવું..? કંઈક આવું જ સુરત શહેરમાં બન્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં એટીએમમાં રૂપિયા લોડ કરવાની જવાબદારી હતી તે જ સ્ટાફે બારોબાર રૂપિયા ચોરી કરી લીધાનો બનાવ સપાટી પર આવ્યો છે.

શહેરના ખટોદરા (Khatodara) વિસ્તારમાં ભટાર (Bhatar) ચાર રસ્તાથી ગાડીમાં પૈસા લઇ સિક્યુરિટી ગાર્ડ સહિત કુલ ચાર કર્મચારીઓ 1.72 કરોડ રૂપિયા લઈ પલસાણા (Palsana) વિસ્તારના અલગ અલગ એટીએમમાં (ATM) ભરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓએ કુલ 1.72 કરોડની રકમમાંથી 5 લાખ રૂપિયા ચાઉં કરી લીધા હતા. જેથી ભોગ બનનારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખટોદરા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જહાંગીરપુરા આસારામ આશ્રમની બાજુમાં રંગરાગ રેસીડેન્સી ખાતે રહેતા રાહુલકુમાર બિપિનચંદ્ર મહેતા (ઉં.વ.38)એ ગતરોજ યોગેશ મુકેશ સરોજ (રહે, મારૂતી રેસીડેન્સી તીરુપતિ સોસાયટી કડોદરા), વિશ્વાસ વિનય રાય (રહે, ગાર્ડનવેલીસ જાલવા કડોદરા), રૂપેશકુમાર શિવપુજન મહેતો (રહે, વેન ડ્રાઈવર, આશાપુરી) અને રોહિતસિંગ શિવપ્રતાપ બહાદુરસિંગ સિંગ (રહે, સિક્યુરીટી ગાર્ડ રહે, દેવી દેર્શન સોસાયટી પાંડેસરા) સામે ફરિયાદ નોંધાવી હતી.

જેમાં તેઓએ જણાવ્યું હતું. આરોપીઓને ગઈ તા. 7 ફેબ્રુઆરીના રોજ તેની ભટાર ચાર રસ્તા ઈશ્વર પાર્ક સોસાયટી ખાતે આવેલ ઓફિસથી કડોદરા તાતીથૈયા જાલવા પલસાણા વિસ્તારમાં આવેલ અલગ અલગ એટીએરૂમ સેન્ટરમાં રૂપિયા 1.72 કરોડ લોડ કરવા માટે આપ્યા હતા. જેમાંથી આરોપીઓએ રૂપિયા 5 લાખ લોડ નહીં કરી સગેવગે કર્યાં હતા. જેથી પોલીસે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top