Dakshin Gujarat

દમણના દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું, સહેલગાહે આવતા લોકોને અપાયા સૂચન

દમણ : સંઘપ્રદેશ દમણના (Daman) દરિયા કિનારે (Seashore) 3 નંબરનું સિગ્નલ (Signal) લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની ચેતવણી અનુસાર આગામી સમયમાં અરબી સમુદ્રમાં લો-પ્રેશરને (Low-Pressure) કારણે ભારે વરસાદ તથા 40 થી 50 કિ.મી. ની ઝડપે પવન (Wind) ફૂંકાશે. જેને લઈ દરિયો તોફાની બનશે અને દરિયામાં ઊંચે સુધી મોજાઓ ઉછળવાની શક્યતા વર્તાશે. જે જોતા દરિયા કિનારાના વિસ્તારનાં લોકોને સચેત રહેવા તથા દરિયાની અંદર માછીમારોને નહીં જવાની ચેતવણી આપવામાં આવી છે.

આ ઉપરાંત પ્રદેશની સહેલગાહે આવતા લોકોને પણ દરિયા કિનારાથી દૂર રહેવા જણાવાયું છે. દમણ પ્રશાસને લાઈટ હાઉસ પાસે 3 નંબરનું સિગ્નલ લગાવી તમામ તકેદારીના પગલાં ભર્યા છે. વરસાદની વાત કરીએ તો દમણમાં 24 કલાક દરમ્યાન 4.75 ઈંચ, જ્યારે સેલવાસમાં 24 કલાક દરમ્યાન 9 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મધુબન ડેમમાંથી શુક્રવારે સવારે 8 થી સાંજે 5 દરમ્યાન 1,16,603 ક્યુસેક પાણીની આવક થઈ હતી. જ્યારે ડેમમાંથી 1,23,187 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેને લઈ ડેમની હાલની સપાટી 72.15 મીટર પર જાળવવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં મેઘાની ધણધણાટી જારી : કપરાડા 8 ધરમપુરમાં 6 ઇંચ વરસ્યો
વાપી : સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ મેઘરાજાની અવિરત બેટિંગ ચાલુ રહી હતી. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના તમામ 6 તાલુકામાં મેઘો મનમૂકીને વરસ્યો હતો. સતત વરસી રહેલા વરસાદથી જનજીવન મહદ્ અંશે ખોરવાઈ ગયું છે. વલસાડ ડિઝાસ્ટર દ્વારા મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાક ગુરૂવારે સાંજે 6 થી શુક્રવારે સાંજે 6 કલાક સુધીમાં તમામ છ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. જેને લઈ જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહી રહી છે.

જિલ્લાના અંતરિયાળ કપરાડામાં 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ 196 મીમી લગભગ 8 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ધરમપુરમાં 6, વાપી 5 અને પારડી, વલસાડ તેમજ ઉમરગામમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મળતી માહિતી મુજબ કપરાડા તાલુકાના નળી મધની ખાતે ડુંગર ઉપર રહેતા નિખિલભાઈ જાનાભાઈ ઓઝાર્યનું કાચું ઘર ભારે વરસાદને લઈ ધરાશાઈ થયું હતું. જોકે 5 સભ્યોનો પરિવાર ભારે વરસાદ હોઈ અગમચેતી વાપરી ડુંગર નીચે આવેલા અન્ય ઘરમાં રહેવા જતા તમામનો બચાવ થયો હતો.

Most Popular

To Top