Gujarat

આ શહેરોમાં એરફોર્સનાં હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય પર રખાયાં, નવસારીનાં ગામોમાંથી 811 લોકોનું રેસ્ક્યુ

ગાંધીનગર: છેલ્લા ૨૪ કલાકમાં અતિભારે વરસાદને (Heavy Rain) પરિણામે એકલા નવસારી (Navsari) જિલ્લાનાં વિવિધ ગામોમાંથી ૮૧૧ લોકોને રેસ્ક્યુ (Rescue) કરી તમામના જીવ બચાવી લેવાયા છે. તા.૭ જુલાઈથી આજ સુધી રાજ્યમાં કુલ ૧,૨૫૪ લોકોને રેસ્ક્યુ કરાયા છે. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ ૪૦,૮૯૭ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. જે પૈકી કુલ ૨૫,૯૮૫ લોકો પોતાના ઘરે પાછા ફર્યા છે. હજુયે જ્યારે ૧૪,૯૧૨ લોકો વિવિધ રાહત છાવણીમાં આશરો લઈ રહ્યા છે, જેમને ભોજન સહિત પૂરતી વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. તેમજ પાંચ જગ્યાએ પૂરમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા માટે એરફોર્સનાં હેલિકોપ્ટર-ચોપર પણ સ્ટેન્ડ બાય રખાયાં છે.

  • એસડીઆરએફની કુલ ૨૬ પ્લાટુન અને ૧ ટીમ, જ્યારે એનડીઆરએફની કુલ ૧૯ ટીમ તૈનાત
  • દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં પૂરમાં ફસાયેલા કુલ ૪૦,૮૯૭નું લોકોનું સ્થળાંતર કરાયું
  • ડાંગ અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ : એનડીઆરએફની વધારાની પાંચ ટીમ બોલાવાઈ

રાજ્યમાં હવે ડાંગ અને વલસાડ એમ બે જિલ્લામાં રેડ એલર્ટ છે. રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૧૯ એનડીઆરએફની ટીમ તૈનાત કરાઇ છે. જ્યારે ૧ ટીમ રિઝર્વ રખાઇ છે. તેમજ ૨૭ એસડીઆરએફની પ્લાટુન ડિપ્લોય કરવામાં આવી છે. જ્યારે એસડીઆરએફની ૧ પ્લાટુન અને એક ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત અગમચેતીના ભાગરૂપે ઓડિશાથી એનડીઆરએફ અને એસડીઆરએફની વધુ પાંચ ટીમ મંગાવવામાં આવી છે. તેમજ અમદાવાદ, વડોદરા, દમણ, નાસિક અને મુંબઈ એમ પાંચ જગ્યાએ પૂરમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા માટે એરફોર્સનાં હેલિકોપ્ટર-ચોપર પણ સ્ટેન્ડ બાય રખાયાં છે.

રાજ્યમાં ભારે વરસાદના કારણે હાલમા ૨૪ સ્ટેટ હાઈવે બંધ : મહેસૂલ મંત્રી
રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, રાજ્યમાં તા.૭ જુલાઇથી અત્યાર સુધીમાં ૫૪ માનવ મૃત્યુ નોંધાયા છે. જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયાં છે. ૧૮ હજારથી વધુ ગામ પૈકી અસરગ્રસ્ત ૫,૫૭૪ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જેમાંથી ૯૯ ટકા ગામોમાં વીજ વ્યવસ્થા પૂર્વવત કરાયો છે. રાજ્યમાં થયેલા વરસાદના કારણે ૨૪ સ્ટેટ હાઈવે, ૫૨૨ પંચાયતના માર્ગો સુરક્ષાના દૃષ્ટિકોણથી વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. જ્યારે નવસારી, ડાંગ અને કચ્છમાંથી પસાર થતા નેશનલ હાઈવે બંધ કરાયા છે તે ખૂબ જ ઝડપથી પૂર્વવત થઈ જશે.

Most Popular

To Top