Gujarat

રાજ્યમાં વરસાદનું જોર હળવું થતાં ત્વરિત નુકસાનીનો સરવે કરાશે

ગાંધીનગર: નવસારી (Navsari) અને વલસાડ, ડાંગ સહિતના રાજ્યના છ જિલ્લા કલેક્ટરો સાથે મુખ્યપ્રધાન (CM) ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોન્ફરન્સથી વાત કરી પૂરની (Flood) સ્થિતિની સમીક્ષા કરી હતી. એટલું જ નહીં સમગ્ર સ્થિતિનો કયાસ કાઢવા માહિતી મેળવી હતી. વિડીયો કોન્ફરન્સ દરમિયાન સીએમ પટેલે છ જિલ્લાના કલેક્ટરોને કહ્યું હતું કે, વરસાદનું (Rain) જોર હળવું થતાં જ આપણી અગ્રતાક્રમે નુકસાનીનો સરવે કરી સહાય આપવાની તથા ખાસ કરીને માર્ગો-રસ્તાઓની મરામત કરી તેને પુન: ઝડપભેર પૂર્વવત બનાવવાની પ્રાયોરિટી હોવી જોઇએ.

આ સમીક્ષા દરમિયાન તેમણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદરના જિલ્લા કલેક્ટરોને જે વિસ્તારોમાં પાણી ભરાયા હોય તે દૂર કરવા, રોગચાળો ફેલાતો ડામવા દવા છંટકાવની બાબતોને પણ અગ્રતા આપવા જિલ્લા કલેક્ટરોને સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, માર્ગોની મરામત કરીને પૂર્વવત કરવા માટે જો રાજ્ય સરકારની વધારાની મદદની જરૂરિયાત હોય તો કલેક્ટરો તે અંગેનું કાર્ય આયોજન મોકલી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને નવસારી જિલ્લામાં વરસાદને કારણે પાછલા ૪૮ કલાકમાં જે સ્થિતિ સર્જાઇ તેમાં જિલ્લા તંત્રએ ખડેપગે દિવસ-રાત બચાવ-રાહત કામગીરી કરી છે તેની પ્રશંસા કરી હતી.

રાજ્યના વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ૧૩૦૦ જેટલા લોકો રેસ્કયુ કરવામાં આવ્યા છે, તેમાંથી માત્ર નવસારી જિલ્લામાંથી જ એક જ દિવસમાં ૮૧૧ લોકોનું રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયુ છે. આ ઓપરેશનમાં કોસ્ટગાર્ડ, NDRF અને સ્થાનિક તરવૈયાઓએ રાતભર જહેમત કરીને સૌને સલામત બહાર કાઢ્યા છે તેની વિગતો પણ પટેલે મેળવી હતી.
નવસારીમાં એન.ડી.આર.એફ.ની ૪ અને એસ.ડી.આર.એફ.ની ૬ ટીમ તૈનાત છે અને જરૂર જણાયે વધુ ટીમ મોકલવા પણ કેન્દ્ર સાથે સંકલન સાધવામાં આવ્યું છે તેમ આ વિડીયો કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું.

નવસારી જિલ્લામાં ‘ઓપરેશન નિરામયા’ અંતર્ગત વરસાદી સ્થિતિ બાદ સાફસફાઇ, કાદવ-કીચડ દૂર કરવા, દવા છંટકાવ માટે સુરત મહાનગરપાલિકાની ર૦૦ કામદારની ટીમ ૬ જેટલા જે.સી.બી., પાંચ ડી-વોટરિંગ પમ્પ, ટીપર ટ્રક, ગલ્ફર મશીન જેવા ૪૭થી વધુ અદ્યતન સાધનો સાથે મદદમાં પહોંચી ગઇ છે, એટલું જ નહીં ૪૦ આરોગ્ય ટીમ પણ નવસારી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગ અટકાયત અને નિયંત્રણ માટે કાર્યરત કરવામાં આવેલી છે તેવી માહિતી મુખ્યપ્રધાનને આપવામાં આવી હતી.

14900 લોકોના સ્થળાંતરની સમીક્ષા
વરસાદગ્રસ્ત વિસ્તારોમાંથી ૧૪,૯૦૦ જેટલા લોકોનું સલામત સ્થળે આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવેલું છે. મુખ્યમંત્રીએ આ સ્થળાંતરિત લોકોને આશ્રય સ્થાનોમાં ખાવા-પીવાની અને રહેવાની યોગ્ય સુવિધા મળી રહી છે તે અંગેની જાણકારી પણ સંબંધિત કલેક્ટરો પાસેથી મેળવી હતી. સ્થાનિક સેવા સંગઠનો અને સેવાભાવી સંસ્થાઓનો આ હેતુસર સહયોગ મળ્યો છે તેમ પણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

સાપુતારા તરફ જતો માર્ગ શરૂ કરી દેવાયો
ભૂપેન્દ્ર પટેલને ડાંગ જિલ્લાની સ્થિતિની સમીક્ષા દરમિયાન કલેક્ટરે જણાવ્યું હતું કે, વરસાદનું જોર હવે ઘટી રહ્યું છે તેમજ નદીઓમાં પાણી ઓસરવા લાગ્યા છે. સાપુતારા તરફ જતો માર્ગ જે માટી અને ભેખડ ધસી જવાને કારણે બંધ હતો તે નાનાં વાહનો માટે ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ બંદરો અને માછીમારોની સાવચેતીનાં પગલાંની વિગતો મેળવી
મુખ્યમંત્રીએ જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લામાં વરસાદની સ્થિતિ અને બંદરો પર લગાવવામાં આવેલાં ચેતવણી સૂચક સિગ્નલ તથા માછીમારો દરિયામાં ન જાય તેની સાવચેતીના આગોતરાં પગલાંની પણ વિસ્તૃત વિગતો મેળવી હતી.

Most Popular

To Top