Gujarat Main

ક્ષત્રિયો મોટું મન રાખી રૂપાલાને હવે માફ કરી દો.., સી.આર. પાટીલે હાથ જોડી વિનંતી કરી

ગાંધીનગર: પુરુષોત્તમ રુપાલાની (Purshottam Rupala) ટિકિટ રદ કરવાની માંગ સાથે ગુજરાતનો (Gujarat) ક્ષત્રિય (Kshatriya) સમાજ આકરા પાણીએ થતાં ભાજપના (BJP) નેતાઓ દોડતા થયા છે. રુપાલા માફી માંગી ચુક્યા હોવા છતાં વિવાદ શાંત નહીં થતો હોય ભાજપને હવે જુના જોગી યાદ આવ્યા છે. આજે તા. 2 એપ્રિલની સવારે ગાંધીનગરમાં (GandhiNagar) ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના (CRPatil) બંગલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ સાથે એક બેઠક મળી હતી.

બેઠક બાદ સી.આર. પાટીલે કહ્યું કે, એક ટિપ્પણીને કારણે રૂપાલાથી ગુજરાતનો ક્ષત્રિય સમાજ નારાજ છે. ત્રણ વખત રુપાલાએ માફી માંગી હોવા છતાં સમાજનો ગુસ્સો ઓછો થઈ રહ્યો નથી. ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરે. ક્ષત્રિય સમાજ માફ કરી દે. આજે ભાજપના આગેવાનો ભૂપેન્દ્રસિંહ, કેસરીસિંહ, મહેન્દ્રસિંહ, આઈ.કે. જાડેજા, બલવંતસિંહની આગેવાનીમાં મુખ્યમંત્રી અને સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં એક બેઠક મળી હતી.

પાટીલે વધુમાં કહ્યું કે, ક્ષત્રિય સમાજની 92 લોકોની સંકલન સમિતિ સાથે બપોરે બેઠક કરવા નક્કી કરાયું છે. તેમને સાંભળી સમજાવવામાં આવશે. અમારી બેઠકમાં એ નક્કી કરાયું છે કે કોને મળવું તથા કેવી રીતે મળવું. નેતાઓની જવાબદારી નક્કી થઈ છે. આ સમસ્યાનો જલ્દી ઉકેલ આવે તે માટે ભાજપ દ્વારા પ્રયાસો શરૂ કરાયા છે.

પાટીલે કહ્યું, ક્ષત્રિય સમાજને હું પણ હાથ જોડીને રૂપાલાને માફ કરી દેવા વિનંતી કરું છું. ક્ષત્રિય સમાજ હવે ગુસ્સો શાંત કરી રૂપાલાને માફ કરી દે. ક્ષત્રિયો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ પક્ષ સાથે જોડાયેલા રહે તેવી વિનંતી કરું છું. ઉમેદવાર બદલવા અંગે કોઈ વિચારણા ન થઈ હોવાનું પાટીલે અંતે ઉમેર્યું હતું.

શું છે વિવાદ?
ગઈ તા. 23મી માર્ચના રોજ વાલ્મિકી સમાજના એક જાહેર કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગે નિવેદન કર્યું હતું. રુપાલાએ કહ્યું હતું કે, ભારતમાં જ્યારે અંગ્રેજો હતા ત્યારે તેમણે દમન ગુજારતા હતા. ત્યારે મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો અંગ્રેજો સાથે કર્યા હતા. પરંતુ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો કે ન તો વ્યવહાર કર્યા. 1000 વર્ષ પછી રામ પણ તેના કારણે આવ્યા છે. તેઓ તલવારો આગળ પણ નહોતા ઝૂક્યા. ન તો એ ભયથી તૂટ્યા કે ન તો ભૂખથી તૂટ્યા. અડીખમ રહ્યા એ સનાતન ધર્મના આ વારસદારો છે, જેનું મને ગૌરવ છે. આ નિવેદનને પગલે ક્ષત્રિય સમાજ નારાજ થયો છે. ક્ષત્રિય સમાજની મહિલાઓનું અપમાન કરાયું હોવાનો મુદ્દો બન્યો છે.

Most Popular

To Top