National

ભારતમાં આવી રહ્યાં છે ઈ-રોડ: સરકાર દેશની રાજધાની અને મુંબઈમાં બનાવશે ઈલેક્ટ્રિક હાઈવે

નવી દિલ્હી: માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાણકારી આપી છે કે સરકાર દેશની રાજધાની દિલ્હી (Delhi) અને મુંબઈ (Mumbai) વચ્ચે ઈલેક્ટ્રિક હાઈવે (Electric Highway) બનાવવાની તૈયારી કરી રહી છે. દેશની ટ્રાફિક (Traffic) વ્યવસ્થાના સમાઘાન માટે ઇલેક્ટ્રિક હાઇવે બનાવવાની કામગીરી કરવામાં આવશે. જો કે ભારત (India) માટે આ એક નવી સિસ્ટમ હશે, પરંતુ વિશ્વના કેટલાક દેશોમાં પહેલેથી જ ઇલેક્ટ્રિક હાઇવેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં જર્મની અને સ્વીડન જેવાં શહેરોનો સમાવેશ થાય છે. વઘારામાં જાણકારી મળી આવી છે કે ઇંધણ બચાવવા માટે વિશ્વભરમાં આવા હાઇવની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

ઇલેક્ટ્રિક હાઇવે એવા હાઇવે છે કે જેના પર ચાલતા વાહનો પેટ્રોલ કે ડીઝલને બદલે વીજળીનો ઉપયોગ કરે છે. હાઇવે પર વાયરો લટકાવવામાં આવ્યા હોય છે અને તેના દ્વારા વાહનો સુધી વીજળી પહોંચાડવામાં આવે છે. આ વીજળી વાહનો માટે બળતણ તરીકે કામ કરે છે. તેનાથી પેટ્રોલ અને ડીઝલની સીધી બચત થશે. નિષ્ણાતોનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અને પ્રદૂષણને જોતા એમ કહી શકાય કે આવનારો સમય ઇલેક્ટ્રિક વાહન અને ઇલેક્ટ્રિક હાઇવેનો છે. સમગ્ર વિશ્વમાં તેમનો પ્રચાર પણ થઈ રહ્યો છે.

ઈલેક્ટ્રિક હાઈવે સામાન્ય હાઈવે જેવો દેખાય છે, પરંતુ તેના ઉપરથી વાયરો નીકળે છે. ઈલેક્ટ્રિક હાઈવે બનાવવા માટે હાઈવેમાં કોઈ મોટા ફેરફાર કરવા પડતા નથી, માત્ર યોગ્ય અંતરે વાયરો નાખવાના હોય છે અને જરૂરી સેટઅપ કરવાનું હોય છે, જેથી વાહન સુધી વીજળી પહોંચી શકે. જોકે તેમાં ઘણો સમય અને મોટી રકમનો ખર્ચ થાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આવા હાઈવેને ઈ-રોડ પણ કહેવામાં આવે છે. ઈલેક્ટ્રિક હાઈવેની રચનાથી દેશને અનેક રીતે ફાયદો થશે. જ્યારે દેશને ટ્રાન્સપોર્ટની નવી સિસ્ટમ મળશે ત્યારે ટ્રાફિકનું દબાણ ઘટશે.

હાલમાં જર્મની અને સ્વીડન સહિત ઘણા દેશો ઇલેક્ટ્રિક હાઇવેનો ઉપયોગ કરે છે. જર્મનીનો હાઇવે લગભગ 10 કિલોમીટર લાંબો છે. ઓવરહેડ કેબલ દ્વારા આ હાઈવે પર લગભગ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રકો દોડી શકે છે. મળતી માહિતી અનુસાર જર્મનીના 10 કિલોમીટર લાંબા ઇલેક્ટ્રિક હાઇવેને તૈયાર કરવામાં લગભગ 120 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જો ભારતમાં ઈલેક્ટ્રિક હાઈવે બનશે તો ભવિષ્યમાં તે પ્રદૂષણ નિયંત્રણમાં પણ મદદરૂપ સાબિત થશે.

Most Popular

To Top