Gujarat

રૂપાલાની પ્રચાર ટીમમાં રૂપાણીની એન્ટ્રી, ડેમેજ કંટ્રોલ કરવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક

લોકસભાની રાજકોટ (Rajkot) બેઠક પરના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રુપાલાનો (Purshottam Rupala) ક્ષત્રિય સમાજ દ્વારા ભારે વિરોધ કરવામા આવી રહ્યો છે. રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિયો મેદાનમાં ઉતર્યા છે. રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સંગઠન મેદાનમાં આવ્યા છે અને પુરષોત્તમ રૂપાલાની ટિકીટ પાછી ખેંચવાની માંગ કરી રહ્યાં છે. એવામાં ડેમેજ કંટ્રોલ કરવા માટે ગુજરાત ભાજપે પણ કમર કસી છે.  રૂપાલાની ટીમમાં હવે રૂપાણી જૂથને એન્ટ્રી મળી છે. એટલું જ નહીં ભાજપે હવે પક્ષના જૂના ક્ષત્રિય નેતાઓ અને પૂર્વ કેબિનેટ મંત્રીઓ સાથે બેઠકનું આયોજન કર્યું છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં આજે પ્રદીપસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે.

પુરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ ખાળવા ભાજપ દ્વારા ગાંધીનગરમાં વધુ એક બેઠક બોલાવી છે. આ બેઠક ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળી છે. બેઠકમાં ભાજપનાં પૂર્વ કેબિનેટ મંત્રીઓ અને ક્ષત્રિય આગેવાનો જોડાયા છે. 9 જેટલા સામાજિક- રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ છે. એટલું જ નહીં ક્ષત્રિય સમાજના રૂપાલા વિરોધનો મુદ્દો એટલો મોટો બની ગયો છે કે ભાજપે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત રૂપાણી સરકારના કેબિનેટમાં સામેલ પૂર્વ ક્ષત્રિય નેતાઓને તાત્કાલિક બેઠક માટે બોલાવ્યા છે.

 દિલ્હીથી પાછા ફર્યા બાદ ભાજપ મોવડી મંડળ દ્વારા પુરષોત્તમ રૂપાલાની ટીમમાં મહત્વનાં ફેરફાર કરાયા છે. ખાસ કરીને પુરષોત્તમ રૂપાલાની પ્રચાર ટીમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રૂપાલાની ટીમમાં હવે રૂપાણી જૂથ શામેલ થયો છે.  રૂપાલા સાથે પ્રચારમાં સોમવારથી નવા ચહેરાઓ જોવા મળી શકશે.

ક્ષત્રિયોના આ વિરોધનો વંટોળ કચ્છમાં પહોચ્યો છે. પુરષોત્તમ રૂપાલાની સાથોસાથ લોકસભાની કચ્છ બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સામે પણ કચ્છના ગાંધીધામમાં વિરોધ કરાયો હતો. આ અગાઉ કચ્છના વિવિધ વિસ્તારોમાં ક્ષત્રિય સમાજે પુરષોત્તમ રુપાલાનો વિરોધ કર્યો હતો. ક્ષત્રિય સમાજના આંદોલનને થાળે પાડવા માટે ભાજપે કવાયત હાથ ધરી છે. અગાઉ ગત સપ્તાહની માફક આજે ફરીથી ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય સમાજના અગ્રણી નેતાઓની બેઠકનું આયોજન કરાયું છે.

Most Popular

To Top