SURAT

સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ફોન કરી રૂપિયા માંગે તો આપશો નહીં, આ છે કારણ

સુરત(Surat): શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના (Veer Narmad South Gujarat University) કુલપતિ (Chancellor) કે.એન.ચાવડાને હવે ચીટર (Cheater) ગેંગ (Gang) નિશાન બનાવી રહી છે. કુલપતિ ડો.ચાવડાના નામે જાણીતી વ્યક્તિઓ પાસે નાણાકીય માંગણીઓ કરવામાં આવી રહી હોવાની ફરિયાદ ઊઠી છે. લેભાગુ વ્યક્તિઓ દ્વારા વોટ્સએપ ચેટિંગથી નાણાકીય માંગણી કરવામાં આવતી હોવાથી કુલપતિએ બોગસ નંબર (Bogus Number) જાહેર કરવાની સાથે કોઇપણ પ્રકારની નાણાકીય વ્યવહારથી દૂર રહેવાની અપીલ કરી છે.

વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણના પાઠ ભણાવતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી કુલપતિની ઇ-મેઇલ આઇ.ડી. હેક થવી, કુલપતિના નામે નાણાકીય માંગણીઓ થવી જેવી બાબતો વારંવાર બની રહી છે. જેમાં તાજેતરમાં જ કુલપતિ મીટિંગમાં હોય અને નાણાકીય જરૂરિયાત હોવાની તેમજ ઓનલાઇન ખરીદીનું બિલ ચૂકવવાની ફરજ પાડવાના મેસેજો જાણીતી વ્યક્તિઓને મળતા થઇ ગયા હતા. જેની જાણ શિક્ષણવિદોએ કુલપતિને કરી હતી. જેને પગલે કુલપતિ કે.એન.ચાવડાએ સાઇબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ કરી તેમના નામે નાણાકીય માંગણી કરનારાઓ સુધી પહોંચી યોગ્ય તપાસની માંગણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કુલપતિના નામે અગાઉ પણ આજ રીતે નાણાકીય માંગણીઓ કરવામાં આવતી હતી. જે મામલે પણ સાઇબર ક્રાઇમમાં (Cyber Crime) અરજી કરવામાં આવી હતી. જો કે, હવે ફરી એકવખત આ જ પ્રકારની નાણાકીય ગેરરીતિ આચરનારા સામે પોલીસ કાર્યવાહી થાય એ જરૂરી બન્યું છે.

યુનિવર્સિટીના બેંક એકાઉન્ટમાંથી પોણા બે કરોડ રૂપિયા ઉપડી ગયા હતા
યુનિવર્સિટીને ટાર્ગેટ કરી રહેલા લેભાગુઓએ ત્રણ વર્ષ પહેલાં જ યુનિવર્સિટીની તિજોરીમાંથી પોણા બે કરોડ રૂપિયા બોગસ ચેકથી ઉસેટી લીધા હતા. યુનિયન બેંક દ્વારા યુનિવર્સિટીને આપવામાં આવેલા ચેકના બોગસ ચેક તૈયાર કરી 10 લાખથી ઓછી એમાઉન્ટના ચેક વિવિધ રાજ્યમાંથી બેંકમાં જમા કરાવવામાં આવ્યા હતા, જેમાં યુનિવર્સિટીના બેંક એકાઉન્ટમાંથી ધનાધન રૂપિયા ઓછા થતાં મામલો સામે આવ્યો હતો. જેમાં બેંક તરફથી પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, અને યુનિવર્સિટીની કોઇ ભૂલ ન હોવાથી બેંક તરફથી નાણાં પરત કરવામાં આવ્યા હતા.

સુરતના જાણીતા વકીલને ઠગ ફિલ્મના નામે લૂંટી ગયો
સુરત : સુરતના મજૂરાગેટ પાસે મહાદેવ સોસાયટીમાં રહેતા અને સુરતના જાણીતા ધારાશાસ્ત્રી સંજય નાયકની પાસેથી ફિલ્મમાં રોકાણ કરવાના નામે સગરામપુરાના ભંડારીવાડમાં રહેતા વિપુલ ઉર્ફે બંટી નાથુ ટેણીએ લાખો રૂપિયા ઉધારીમાં લીધા હતા. પરંતુ ફિલ્મ શરૂ નહીં કરી ઠગાઇ કરવામાં આવી હતી. વિપુલ ઉર્ફે બંટી ભંડારીની સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવતાં બંટીએ વકીલ સંજય નાયકને ચેકો લખી આપીને સમાધાન કરી લીધું હતું. પરંતુ આ ચેકો પણ બેંકમાં રિટર્ન થયા હતા. જેને લઇને વકીલ સંજય નાયકે બંટી ભંડારીની સામે સુરતની કોર્ટમાં ચેક રિટર્ન અંગે ફરિયાદ કરી હતી. આ ફરિયાદની સામે કોર્ટે બંટીની સામે સમન્સ ઇસ્યુ કરી કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું.

Most Popular

To Top