SURAT

લાજપોર જેલમાં ‘લક્ઝરી સિસ્ટમ’નો ભંડાફોડ?

વાયરલ વીડિયોએ ઉઠાવ્યા ગંભીર સવાલો G-Payથી લેવડદેવડથી લઈને ‘હોમ ડિલિવરી’ સુધીની ચર્ચાઓ વચ્ચે જેલ તંત્ર ઘેરાયું

સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ, જેને રાજ્યની સૌથી સુરક્ષિત અને આધુનિક જેલોમાં સ્થાન આપવામાં આવે છે, હવે ગંભીર વિવાદોના કેન્દ્રમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ જેલની અંદર ચાલતી કથિત ગેર રીતિઓ, સુવિધાઓ અને કેદીઓ માટેની ‘લક્ઝરી વ્યવસ્થા’ અંગે અનેક સવાલો ઉભા કર્યા છે. વીડિયો સામે આવ્યા બાદ જેલ તંત્ર, સુરક્ષા વ્યવસ્થા અને ઉચ્ચ અધિકારીઓની કામગીરીને લઈને ચર્ચાઓ તેજ બની ગઈ છે.

વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, જેલની અંદર કેટલાક પ્રભાવશાળી કેદીઓને વિશેષ સુવિધાઓ આપવામાં આવી રહી છે. સામાન્ય કેદીઓ માટે કડક નિયમો લાગુ હોવા છતાં પૈસાદાર અને પ્રભાવશાળી કેદીઓ માટે અલગ જ વ્યવસ્થા ચાલતી હોવાની ચર્ચા જોર પકડી રહી છે. વીડિયોમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, જેલની અંદર પ્રતિબંધિત નશીલા પદાર્થોથી લઈને મોબાઈલ ફોન અને અન્ય સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે.

ચોંકાવનારી બાબત એ છે કે, આ સમગ્ર લેવડદેવડ ડિજિટલ પેમેન્ટ મારફતે થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ખાસ કરીને G-Pay, ઓનલાઈન વોલેટ અને ડિજિટલ ટ્રાન્સફર દ્વારા પૈસાની હેરફેર થતી હોવાની ચર્ચાએ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, નશીલા પદાર્થોની ‘હોમ ડિલિવરી’ જેવી વ્યવસ્થા પણ જેલની અંદર સક્રિય હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કેટલીક વસ્તુઓ માટે 100 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીની વસૂલાત થતી હોવાનો દાવો પણ વીડિયોમાં કરવામાં આવ્યો છે.

માત્ર એટલું જ નહીં, પરંતુ કેટલાક કેદીઓને ખાસ પ્રકારની ‘વી.આઈ.પી. ટ્રીટમેન્ટ’ મળતી હોવાની પણ ચર્ચાઓ છે. કથિત રીતે આરામદાયક ગાદલા, વધારાના પંખા, ખાસ ખાવા-પીવાની વસ્તુઓ અને અલગ પ્રકારની સુવિધાઓ પૈસાના જોરે ઉપલબ્ધ કરાવવામાં આવતી હોવાનો આરોપ છે. સામાન્ય કેદીઓ જ્યાં ભીડભાડ અને કડક પરિસ્થિતિમાં જીવન પસાર કરે છે, ત્યાં બીજી તરફ કેટલાક કેદીઓ માટે આરામદાયક માહોલ તૈયાર થતો હોવાના આક્ષેપોએ જેલ તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલ ઊભા કર્યા છે.

આ સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે, શું જેલના ઉચ્ચ અધિકારીઓની જાણ બહાર આટલી મોટી ગેરરીતિ શક્ય છે? જેલ જેવી હાઈ-સિક્યોરિટી વ્યવસ્થામાં મોબાઈલ ફોન, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને પ્રતિબંધિત ચીજવસ્તુઓ કેવી રીતે પહોંચી રહી છે તે મુદ્દે લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. સુરક્ષા નિષ્ણાતોના મતે, જો આ દાવાઓમાં સત્યતા હશે તો તે માત્ર જેલ તંત્ર માટે નહીં પરંતુ સમગ્ર કાયદો અને વ્યવસ્થા માટે ગંભીર ચિંતાનો વિષય બની શકે છે.

વિડિયોમાં દર્શાવાયેલા દાવાઓને લઈને રાજ્ય સરકાર અને જેલ વિભાગ પર પણ દબાણ વધી રહ્યું છે. લોકો માંગ કરી રહ્યા છે કે, સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ થવી જોઈએ. જો સમયસર કડક કાર્યવાહી નહીં થાય તો લાજપોર જેલ ગુનાખોરી માટેનું ‘ટ્રેનિંગ સેન્ટર’ બની જવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલ જેલ વિભાગ તરફથી સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટ નિવેદન સામે આવ્યું નથી. જોકે, વીડિયો વાયરલ થયા બાદ ઘટનાએ રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાનો વિષય ઉભો કર્યો છે. હવે સૌની નજર એ પર ટકેલી છે કે, તપાસમાં શું બહાર આવે છે અને જવાબદાર લોકો સામે કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.

Most Popular

To Top