Top News

More Posts

   The Latest

Most Popular

લીડ્સ ટેસ્ટમાં પરાજીત થયા પછી ભારતીય ટીમ વાપસી કરવાની કવાયતમા જોતરાઇ છે અને ગુરૂવારથી અહીં ઓવલમાં શરૂ થઇ રહેલી ચોથી ટેસ્ટમાં જ્યારે ટીમ ઇન્ડિયા મેદાને પડશે ત્યારે બધાની નજર કંગાળ ફોર્મમાંથી પસાર થઇ રહેલા અજિંકેય રહાણે અને સીનિયર ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિન બાબતે ટીમ મેનેજમેન્ટ શું નિર્ણય કરે તેના પર મંડાયેલી હશે.

લોર્ડસમાં પ્રેરક વિજય મેળવ્યા પછી ભારતીય બેટિંગ લાઇનઅપે હેડિંગ્લેમાં બંને દાવમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. હાલમાં પાંચ ટેસ્ટની સીરિઝ 1-1ની બરોબરીએ ચાલી રહી છે ત્યારે ઓવલમાં રમાનારી આ ટેસ્ટ ઘણી મહત્વની બની રહેશે, કારણકે બંને ટીમ તેમાં જીત મેળવીને સીરિઝમાં અજેય સરસાઇ મેળવવાનો પ્રયાસ કરશે. ભારતીય ટીમ માટે સૌથી મોટી સમસ્યા મિડલ ઓર્ડર બેટિંગ લાઇનઅપની છે કે જેમાં કોહલી, રહાણે અને ચેતેશ્વર પુજારાનો સમાવેશ થાય છે.

પુજારાએ ત્રીજી ટેસ્ટમાં 91 રનની ઇનિંગ રમીને ફોર્મમાં વાપસીનો સંકેત આપી દીધો છે, જો કે લોર્ડસના બીજા દાવમાં 61 રન બનાવનાર રહાણે ફરીવાર નિષ્ફળ ગયો હતો. એવી સંભાવના છે કે રહાણેને ટીમમાં જાળવી રાખીને તેને વધુ એક તક આપવામાં આવશે. જો કે છેલ્લા બે વર્ષમાં તેના પ્રદર્શનમાં સાતત્યતાનો અભાવ વર્તાઇ રહ્યો છે.

ઇંગ્લેન્ડ ભલે અશ્વિનથી ડર્યુ હોય પણ તેના સમાવેશનો નિર્ણય ટોસ પહેલા લેવાશે : ભરત અરૂણ


ભારતીય ટીમના બોલિંગ કોચ ભરત અરૂણે બુધવારે અહીં એવું કહ્યું હતું કે રવિચંદ્રન અશ્વિનની કાબેલિયતથી ભલે ઇંગ્લેન્ડના બેટ્સમેનો ડરતાં હોય પણ આ સીનિયર સ્પીનર ચોથી ટેસ્ટમાં રમશે કે નહીં તેનો નિર્ણય આવતીકાલે મેચના દિવસે જ ટોસ પહેલા લેવામાં આવશે. રવિન્દ્ર જાડેજા બેટિંગ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ હોવાથી વિશ્વના શ્રેષ્ઠ ઓફ સ્પીનર અશ્વિને પ્રથમ ત્રણેય ટેસ્ટમાં બેન્ચ પર બેસવું પડ્યું છે. ઓવલ ટેસ્ટમાં બંને સ્પીનર પ્લેઇંગ ઇલેવનમાં ફિટ થશે કે કેમ એવો સવાલ કરવામાં આવતા ભરત અરૂણે કહ્યું હતું કે નિશંકપણે અશ્વિન દુનિયાના શ્રેષ્ઠ બોલરોમાંથી એક છે અને એ કમનસીબીની વાત છે કે તે હજુ સુધી એક પણ મેચ રમી શક્યો નથી. જો તક મળશે અને ટીમની વ્યુહરચના અનુકુળ રહેશે તો બંને સાથે ટીમમાં સામેલ થઇ શકે છે. આ બાબતે નિર્ણય જો કે આવતીકાલે પીચ જોયા પછી લેવાશે.

ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણ ચોથી ટેસ્ટ પૂર્વે ભારતીય ટીમ સાથે જોડાયો


છેલ્લા ત્રણ મહિનાથી ભારતીય ટીમમાં સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે સામેલ કર્ણાટકનો ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણને ઇંગ્લેન્ડ સામે ગુરૂવારથી અહીં શરૂ થઇ રહેલી ચોથી ટેસ્ટ પહેલા ભારતની મુખ્ય ટેસ્ટ ટીમમાં સ્થાન અપાયું હતું. ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયથી એવો સંકેત મળે છે કે પ્રસિદ્ધ કૃષ્ણને ઓવલ અથવા તો માન્ચેસ્ટર ટેસ્ટમાં અંતિમ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. ભારતીય ટીમના બોલિંગ કોચ ભરત અરૂણ અને કેપ્ટન વિરાટ કોહલીએ એવું નિવેદન કર્યું હતું કે ટીમ મેનેજમેન્ટ જસપ્રીત બુમરાહ, મહંમદ સિરાજ અને મહંમદ શમીના વર્કલોડ મેનેજમેન્ટ પર ધ્યાન આપી રહી છે. બીસીસીઆઇના સચિવ જય શાહે એક યાદીમાં કહ્યું હતું કે ટીમ મેનેજમેન્ટની વિનંતીને પગલે ભારતીય સીનીયર પસંદગી સમિતિએ પ્રસિદ્ધ કૃષ્ણને ચોથી ટેસ્ટ માટેની ભારતીય ટીમાં સામેલ કર્યો છે.

To Top