Gujarat

જવેલરી પાર્કમાં પ્લોટ હોલ્ડરો એક મહિનામાં બાંધકામ શરૂ નહીં કરે તો પ્લોટ અન્યને ફાળવી દેવા સરકારનો આદેશ

સુરત: (Surat) વર્ષ 2004માં સુરતના ઇચ્છાપોરમાં વિશ્વનું સૌથી મોટું જેમ એન્ડ જવેલરી સ્પેશ્યલ ઇકોનોમી ઝોન બનાવવા તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઇચ્છાપોર જીઆઇડીસીમાં (GIDC) મોટી જગ્યાની ફાળવણી ગુજરાત હીરા બુર્સને (Diamond Bourse) કરી હતી. જીઆઇડીસીએ ખેડૂતોની જમીન સંપાદન કરી ઔદ્યોગીક હેતુ માટે ફાળવણી કરી હતી. પરંતુ 17 વર્ષના લાંબા સમય પછી માત્ર દસ ટકા એકમો કાર્યરત થતા સેઝની જમીન ડિનોટિફાઈ થયા પછી તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Rupani) પ્રોજેકટને (Project) લગતી વિગતો જાણી હતી. તે પછી તેમણે જે ડાયમંડ જવેલરી કંપનીને 2004થી 2007 દરમિયાન પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી તેવી કંપનીઓએ તે સમયે સુડામાં પ્લાન મંજુર કરાવી બાંધકામ (Construction) કરવાની તસ્દી લીધી ન હતી.

  • ઇચ્છાપોરના જવેલરી પાર્કમાં પ્લોટ હોલ્ડરો બાંધકામ શરૂ નહીં કરે તો અન્યને ફાળવી દેવાશે
  • 2004માં 300 પ્લોટની ફાળવણી થઇ હતી પરંતુ દસ ટકા એકમો જ કાર્યરત થયા હતા
  • સરકારે એક મહિનામાં બાંધકામ શરૂ નહીં થાય તેવા પ્લોટ અન્યને ફાળવી દેવા માટે આદેશો કર્યા

તે પછી રાજય સરકારે નીતિગત ફેરફાર કરી જીઆઇડીસીમાં બાંધકામના પ્લાન મંજુર કરવાની સત્તા છેલ્લા અઢી વર્ષથી જીઆઇડીસીને સોંપી હતી. તેમ છતાં પણ ઉદ્યોગકારોએ કોઇ પ્રયાસ ન કરતા મુખ્યમંત્રીએ પાર્કના સંચાલકોને આદેશ આપ્યો હતો કે જેમને પ્લોટની ફાળવણી થઇ છે તેવા ઉદ્યોગકારો જો એક મહિનામાં પ્લાન મંજુર કરાવી બાંધકામ શરૂ ન કરે તો નોટીસ પીરિયડ પૂરો થયા પછી આ પ્લોટ નવા જવેલરી મેન્યુફેકચર્સ અને સિન્થેટીક ડાયમંડની જવેલરી બનાવનાર ઉદ્યોગ સાહસિકોને ફાળવી દેવા જણાવ્યું હતું.

તેને પગલે 90 પ્લોટ હોલ્ડરોએ એકમો શરૂ કરવા ગુજરાત હીરા બુર્સને બાંહેધરી પત્ર આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. તે ઉપરાંત બુર્સના સંચાલકો દ્વારા કેટલાક એકમોને પ્લાન મંજુર કરાવવા અને બાંધકામ શરૂ કરવા નોટીસ પાઠવી છે. મુખ્યમંત્રીએ સંચાલકોને ઇચ્છાપોર જવેલરી પાર્કમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું જવેલરી ટ્રેડ સેન્ટર બનાવવા પણ મંજુરી આપી દીધી છે. બુર્સ કમીટીના સૂત્રોના જણાવ્યા મુજબ દીવાળી સુધીમાં 90 એકમો કાર્યરત કરવા પ્રયાસ કરાશે અને આગામી વર્ષ સુધીમાં કુલ 125 એકમો ધમધમતા થશે તેવી સરકારને ખાતરી આપવામાં આવી છે. મોટી ડાયમંડ કંપનીઓએ 2007થી જ એકમો શરૂ કરી દીધા હતા.

Most Popular

To Top