SURAT

SSCના રિઝલ્ટમાં સુરતીઓનો દબદબો, રાજ્યમાં સુરતના સૌથી વધુ 4870 વિદ્યાર્થી A-1 ગ્રેડ સાથે પાસ થયા

સુરત: ગુજરાત શિક્ષણ બોર્ડ ધો. 10નું રિઝલ્ટ આજે તા. 10 મેના રોજ જાહેર થયું છે. સમગ્ર ગુજરાતનું 82.56 ટકા પરિણામ આવ્યું છે, જે 30 વર્ષમાં સૌથી ઊંચું છે. સુરત જિલ્લાનું પરિણામ 86.75 ટકા આવ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ સુરતના 4870 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ સાથે પાસ થયા છે. સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ઝૂમી ઉઠ્યાં છે. સુરતમાં એ-2માં 12,930, બી-1માં 15,207 વિદ્યાર્થી પાસ થયા છે.

સુરતની 99 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું
દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યનું એજ્યુકેશન હબ સુરત જ સાબિત થયું છે. સુરતનું પરિણામ ઘણું ઊંચું આવ્યું છે. સુરતના 4870 વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે. ધોરણ 10ની પરીક્ષામાં સુરતના 77,466 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સુરત શહેરની કુલ 99 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું હતું.

સુરતમાં આવેલી ગોર ચોખાવાળા અંધજન માધ્યમિક શાળાનું ધો. 10 એસએસસી બોર્ડમાં 100 ટકા પરિણામ આવ્યું છે. આ ઉપરાંત 305 શાળાઓનું પરિણામ 91થી 99 ટકા રહ્યું હતું. જયારે 194 શાળાઓનું પરિણામ 81થી 90 ટકા આવ્યું હતું. સુરતની 22 શાળાઓનું પરિણામ 50 ટકા કરતા પણ નીચું આવ્યું હતું.

ગયા વર્ષ કરતા સુરતનું પરિણામ 10 ટકા ઊંચું આવ્યું
સુરત શહેરે આ વર્ષે સમગ્ર ગુજરાતમાં બાજી મારી છે. એ-1 ગ્રેડમાં પણ સુરત અવ્વલ રહ્યું છે. છેલ્લાં પાંચ વર્ષની સરખામણીમાં પણ આ વર્ષે સુરતે ટોપ કર્યું છે. ગત વર્ષના પરિણામ કરતા પણ આ વર્ષનું પરિણામ 10 ટકા ઊંચું આવ્યું છે. વર્ષ 2020માં સુરતનું પરિણામ 74.66 ટકા, વર્ષ 2022માં 75.64 ટકા અને વર્ષ 2023માં 76.45 ટકા આવ્યું હતું. જયારે આ વર્ષે સુરતનું પરિણામ 10 ટકા વધારા સાથે 86.75 ટકા આવ્યું છે.

પુણા ગામની સરકારી શાળાના 45 વિદ્યાર્થી એ-1 ગ્રેડ સાથે પાસ થયા
પુણાગામ ખાતે આવેલી સુરત મહાનગર પાલિકા સંચાલિત (સરકારી શાળા) સુમન હાઇસ્કુલ શાળા નં. 18નું 100% પરિણામ આવ્યું છે. શાળાના 45 વિદ્યાર્થી A 1 ગ્રેડ માં પાસ થયા છે, જેમાં 31 છોકરીઓ અને 14 છોકરાઓ છે. જ્યારે A 2 ગ્રેડ માં 41 છોકરાઓ અને 46 છોકરીઓ સાથે 100% પરિણામ આવ્યું છે.

ગજેરા ગ્રુપ ઓફ સ્કુલ્સના 180 વિદ્યાર્થી એ-1 ગ્રેડમાં પાસ થયા
એસએસસી બોર્ડના રિઝલ્ટમાં સુરતની ગજેરા ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલનું 97.88 ટકા રિઝલ્ટ આવ્યું છે. 180 વિદ્યાર્થીએ એ-1 અને 355 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળાના 50 ટકા વિદ્યાર્થીઓનું પરિણામ 80 ટકાથી વધુ આવ્યું છે.

દીકરીઓને પણ એન્જિનિયરિંગમાં બનાવવી છે કારકિર્દી
ભક્તિ ઈન્ટરનેશન સ્કૂલનું ધો. 10 બોર્ડમાં ઝળહળતું પરિણામ આવ્યું છે. શાળાના 27 સ્ટુડન્ટ્સ એ-1 અને 49 સ્ટુડન્ટ્સ એ-2 ગ્રેડમાં પાસ થયા છે. શાળાનું અંગ્રેજી માધ્યમનું 100 ટકા અને ગુજરાતી માધ્યમનું 99.48 ટકા પરિણામ આવ્યું છે.

ભક્તિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા ધો. 10માં 97.85 ટકા અને 99.25 પીઆર સાથે એ-1 ગ્રેડમાં પાસ થયેલી પૂર્વ વેકરિયાના પિતા રત્નકલાકાર છે. તેને એન્જિનિયરિંગ કરવાની ઈચ્છા છે. વિદ્યાર્થીની યાના નાકરાણીને 95.16 ટકા આવ્યા છે. તેને આઈટી ફિલ્ડમાં કારકિર્દી બનાવવી છે. પિતા પરેશભાઈ એમ્બ્રોઈડરી મશીન ચલાવે છે. વિકરોતર નિધિ 01.89 ટકા સાથે પાસ થઈ છે. તેણીને પણ એન્જિનિયર બનવું છે.

Most Popular

To Top