National

IPL 2022ની સિઝનમાં નવી ટીમોના બેઝ કેમ્પ માટે અમદાવાદ, લખનઉ અને પૂણેનો સમાવેશ

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2022ની સિઝનમાં બે નવી ફ્રેન્ચાઇઝી (frenchise)જોડાવાથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના ખાતામાં રૂ. 5000 કરોડ જેવી માતબર રકમનો ઉમેરો થવાથી તે પહેલાથી વધુ ધનિક બનવાની સંભાવના છે.

હાલામં 8 ટીમો વચ્ચે રમાતી આઇપીએલ આવતા વર્ષથી 10 ટીમો (10 team) વચ્ચે રમાડવાની બીસીસીઆઇની યોજના છે. આઇપીએલ ગવર્નીંગ કાઉન્સીલની હાલમાં જ મળેલી બેઠક દરમિયાન હરાજી (auction) પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ અપાયું હતું. બીસીસીઆઇના એક સૂત્રએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે કોઇ પણ કંપની રૂ. 10 કરોડ ચૂકવીને હરાજી દસ્તાવેજ (auction document) ખરીદી શકે છે. પહેલા બે ટીમો માટેની બેઝ વેલ્યુ રૂ. 1700 કરોડ રાખવાનો વિચાર કરાયો હતો, જો કે હવે તેને વધારીને બેઝ વેલ્યુ રૂ. 2000 કરોડની રાખવાનો નિર્ણય કરાયો છે. આઇપીએલની નાણાકીય બાબતો જોતા સૂત્રએ માહિતી આપી હતી કે જો હરાજી પ્રક્રિયા યોજના અનુસાર આગળ વધશે તો બીસીસીઆઇને ઓછામાં ઓછો 5000 કરોડનો ફાયદો થશે, કારણકે ઘણી કંપનીઓ હરાજી પ્રક્રિયામાં રસ દાખવી રહી છે. તેમણે કહ્યું હતું કે આગામી સિઝનમાં આઇપીએલમાં 74 મેચ રમાશે જે તમામ માટે ફાયદાકારક સ્થિતિ રહેશે.

પાંચ ઓક્ટોબર સુધીમાં આઇપીએલ ટીમ ખરીદવા માટે બીસીસીઆઇએ ટેન્ડર બહાર પાડ્યું
બીસીસીઆઇએ આઇપીએલની 2022ની સિઝનમાં બે નવી ટીમો સામેલ કરવાની યોજના બનાવી છે અને તેના માટેની હરાજી પ્રક્રિયાને અંતિમ રૂપ આપી દેવાયું છે. આઇપીએલ ગવર્નીંગ કાઉન્સીલે બેઠક કરીને હરાજી પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપ્યા પછી બીસીસીઆઇ દ્વારા મંગળવારે બે ટીમ ખરીદવા માટે ટેન્ડર બહાર પાડીને હરાજી મગાવી હતી. બીસીસીઆઇએ આ ટેન્ડર નિમંત્રણ માટે છેલ્લી તારીખ પાંચ ઓક્ટોબર રાખી છે.

વાર્ષિક રૂ. 3000 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓને જ હરાજી પ્રક્રિયામાં સામેલ થવા દેવાશે
આઇપીએલમાં બે નવી ટીમો સામેલ કરવા માટે યોજાનારી હરાજી પ્રક્રિયામાં સામેલ થવા માટે બીસીસીઆઇએ કેટલીક શરતો રાખી છે, જેમાંથી મુખ્ય શરત એ છે કે વાર્ષિક રૂ. 3000 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓને જ હરાજી પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. એટલું જ નહીં બીસીસીઆઇ કંપનીઓના જૂથને પણ ટીમ ખરીદવા માટેની મંજૂરી આપવાની યોજના બનાવી રહ્યું છે અને તેના કારણે હરાજી પ્રક્રિયા રસપ્રદ બની રહેવાની સંભાવના છે. ત્રણથી વધુ કંપનીઓને ગ્રુપ બનાવવાની મંજૂરી નહીં આપવામાં આવે.

નવી ટીમોના બેઝ કેમ્પ માટે અમદાવાદ, લખનઉ અને પૂણેનો સમાવેશ
આઇપીએલની 15મી સિઝનમાં બે ટીમોને વધારીને કુલ 10 ટીમ કરવાની બીસીસીઆઇની યોજના છે. હવે જે બે નવી ટીમો સામેલ થશે તેના બેઝ કેમ્પ માટે કુલ ત્રણ સ્થળ હાલ રેસમાં છે, જેમાં અમદાવાદ, લખનઉ અને પુણેનો સમાવેશ થાય છે. આ ત્રણમાંથી અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તેમજ લખનઉનું ઇકાના સ્ટેડિયમ ફ્રેન્ચાઇઝીઓ માટે પહેલી પસંદગી બને તેવી સંભાવના છે. આ બંને સ્ટેડિયમની ક્ષમતા અન્ય સ્ટેડિયમથી વધુ હોવાના કારણે તે ફ્રેન્ચાઇઝીને ફાયદો કરાવી શકે છે.

Most Popular

To Top