National

રાજસ્થાનની કોપર ખાણમાં ફસાયેલા 15 અધિકારીઓને 14 કલાક બાદ રેસ્ક્યુ કરાયા

નવી દિલ્હી: રાજસ્થાનના (Rajasthan) ઝુંઝુનુ જિલ્લાની કોલિહાન ખાણમાં (Colihan Mine) લિફ્ટનો વાયર તૂટી પડતાં ગઇકાલે મંગળવારે મોડીરાત્રે 15 અધિકારીઓ ફસાયા હતા. આ 15 અધિકારીઓ આજે બુધવારે વહેલી સવારે 14 કલાક બાદ રેસ્ક્યુ કરાયા હતા.

સૌપ્રથમ ખાણમાં ફસાયેલા 15 અધિકારીઓમાંથી સવારે 7 વાગ્યે 3 અધિકારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ 5 અધિકારીઓને રેસ્ક્યુ બાદ જયપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ લગભગ સવારે 9 વાગ્યાની આસપાસ 5 અધિકારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ થોડા સમય બાદ બીજા 5 અધિકારીઓ ખાણમાંથી બહાર કાઢવાની કામગીરી પાર પાડવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં હિન્દુસ્તાન કોપર લિમિટેડની કોલિહાન ખાણમાં લિફ્ટનો વાયર તૂટવાને કારણે હિંદુસ્તાન કોપર લિમિટેડના 15 અધિકારીઓ 1800 ફૂટથી વધુ ઉંડાણમાં ફસાયા હતા. ત્યાર બાદ અંદર ફસાયેલા અધિકારીઓ માટે રાત્રે દવાઓ અને ફૂડ પેકેટ મોકલવામાં આવ્યા હતા. તેમજ બુધવારે ફસાયેલા તમામ 15 અધિકારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ખાણની અંદર ફસાયેલા મોટાભાગના લોકો HCLના કર્મચારીઓ હતા.

મંગળવારે મોડી રાત્રે SDRFની ટીમને ઘટનાની જાણકારી મળતા જ ટીમ ખેતરી કોલિહાન ખાણ પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બચાવ કામગીરી દરમિયાન ખાણના એક્ઝિટ ગેટ પર અડધો ડઝન એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. ત્યાર બાદ ખાણમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા તમામ અધિકારીઓને સાવચેતીના પગલા તરીકે જયપુરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબીબી તપાસ કરવામાં આવશે.

આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી. બચાવ કાર્ય દરમિયાન એમ્બ્યુલન્સ અને ડોકટરોની ટીમને સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. તેમજ 15 અધિકારીઓને ખાણમાંથી બચાવી લીધા બાદ તરત જ ડોક્ટરોની દેખરેખ હેઠળ એમ્બ્યુલન્સમાં બેસાડી જયપુર લઈ જવામાં આવ્યા હતા. ઝુંઝુનુ સરકારી હોસ્પિટલના ડૉ. પ્રવીણ શર્માના જણાવ્યા મુજબ, ‘ખાણમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. તેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાથી તેમને જયપુર રીફર કરવામાં આવ્યા છે.

ખાણમાં ફસાયેલા લોકોમાં એચસીએલના વરિષ્ઠ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
ખાણની અંદર ફસાયેલા અધિકારીઓમાં KCC યુનિટ (ખેત્રી કોપર કોમ્પ્લેક્સ યુનિટ)ના ચીફ જીડી ગુપ્તા, દિલ્હીથી આવેલા ચીફ વિજિલન્સ ઓફિસર ઉપેન્દ્ર પાંડે, કોલિહાન ખાણના ડેપ્યુટી જનરલ મેનેજર એકે શર્મા, પત્રકાર વિકાસ પારીક, વિનોદ સિંહ શેખાવત, એકે બૈરા, અર્ણવ ભંડારી, યશોરાજ મીના, વનેન્દ્ર ભંડારી, નિરંજન સાહુ, કરણ સિંહ ગેહલોત, પ્રીતમ સિંહ, હરસીરામ અને ભગીરથનો સમાવેશ થાય છે. ઘટના સમયે પત્રકાર વિકાસ પારીક ફોટોગ્રાફી ટીમ સાથે ખાણમાં પ્રવેશ્યા હતા.

આ ઘટના ત્યારે બની જ્યારે સરકારી માલિકીની કંપનીના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિજિલન્સ ટીમ ખાણની અંદર નિરીક્ષણ માટે ગઈ હતી. મળતી માહિતી મુજબ, ખાણની અંદર અધિકારીઓને લઈ જવા માટે વપરાતી વર્ટિકલ લિફ્ટનો વાયર તૂટતાં 1800 ફૂટ નીચે ફસાઈ ગઈ હતી. SDRF રેસ્ક્યૂ ટીમે પહેલા અધિકારીઓને 1800 ફૂટની ઉંડાઈથી લિફ્ટમાંથી બહાર કાઢ્યા અને પછી એક પછી એક તેમને ખાણમાંથી બહાર કાઢ્યા હતા.

Most Popular

To Top