SURAT

VIDEO: ખરા તડકામાં સુરત પોલીસના અધિકારીઓએ સિગ્નલ પર જઈ લોકોને ટ્રાફિકના નિયમ સમજાવ્યા

સુરત: શહેરના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નેતૃત્વની અસર સુરત પોલીસની કામગીરી પર દેખાઈ રહી છે. કમિશનર ગેહલોતના માર્ગદર્શન હેઠળ પોલીસ નરમાશથી મક્કમ કદમ માંડી રહી છે. પ્રજા અને ગુનેગાર બંને માટે પોલીસ હાલમાં અવેરનેસ કેમ્પેઈન ચલાવી રહી છે. જેથી ભૂલ કરનારાઓને સુધરવાની તક મળે.

એક તરફ ઉધના પોલીસ ગુનેગારોને ઘાતક હથિયારો જમા કરાવી દેવા જાહેરમાં માઈક પર અપીલ કરી રહી છે તો બીજી તરફ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ખરા તડકામાં એસી ઓફિસ છોડીને સિગ્નલ પર વાહનચાલકોને ટ્રાફિકના નિયમોની સમજ આપી રહ્યાં છે.

ટ્રાફિક સેન્સ માટે સુરતને હંમેશાથી વખોડવામાં આવ્યું છે. સુરત ટ્રાફિક પોલીસ ઉપરાંત ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવી હોવા છતાં સુરત શહેરમાં ટ્રાફિક, અકસ્માતની સમસ્યા જૈસે થે રહેવા પામી છે. લોકો સિગ્નલ્સ બ્રેક કરે છે, રોંગસાઈડ પર બેરોકટોક વાહનો હંકારે છે. ઘણી વખત તો ટ્રાફિક પોલીસ અને બ્રિગેડની નજર સામે જ લોકો રોંગ સાઈડ વાહનો હંકારી દે છે.

પોલીસે સુરતના લોકોને ટ્રાફિકના નિયમોની સમજ આપવા અવેરનેસ કેમ્પેઈન શરૂ કર્યું છે. એવું નથી કે લોકોને ટ્રાફિકના નિયમોની જાણ નથી પરંતુ લોકો નિયમોનું પાલન કરતા નથી. એવી આદત જ પડી નથી. લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની આદત પડે તે માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે.

 આજે સુરતના રસ્તા પર અધિકારીઓ એનાઉન્સમેન્ટ કરતાં જોવા મળ્યા હતાં. ટ્રાફિક નિયમોનું લોકો પાલન કરે તેવા અભિગમ સાથે અધિકારીઓ રસ્તા પર ઉતર્યા હતાં. અગાઉ રસ્તા પર ન દેખાતા અધિકારીઓ ટ્રાફિક પોઇન્ટ પોઇન્ટ પર નિયમો અંગે જાણકારીનું એનાઉન્સમેન્ટ કરી સમજ આપતા જોવા મળ્યાં હતાં. પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા માઇકમાં એનાઉન્સમેન્ટ કરીને લોકોને ટ્રાફિકના નિયમો સમજાવવામાં આવ્યા હતાં. આ એનાઉન્સમેન્ટથી ટ્રાફિકમાં ઘણો સુધારો આવશે તેમ વાહનચાલકોનું માનવું છે.

Most Popular

To Top