Gujarat

રાજ્યમાં 17મી જૂન સુધીમાં ચોમાસુ બેસી જશે: 18 જિલ્લાઓમાં વરસાદ થયો, 12-13 જૂને યલો એલર્ટ

HTML Button Generator

ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં આમ તો ચોમાસાનું (Monsoon) આગમન થઈ ચૂકયું છે. ખાસ કરીને છેલ્લા 24 કલાકમાં રાજયમાં 26 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. જયારે આજે દિવસ દરમિયાન બફારા સાથે ગરમીનો પારો કંડલા એરપોર્ટ પર 43 ડિગ્રી નોંધાવવા પામ્યો હતો. બીજી તરફ હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, રાજયમાં આગામી 17મી જૂન સુધીમાં ચોમાસુ બેસી જશે એટલું જ નહીં, ગાજવીજ સાથે તોફાની વરસાદ થવાની સંભાવના છે.

  • સંતરામપુરમાં 1.6 ઈંચ વરસાદ થયો
  • 12 અને 13 જૂને રાજયમાં વરસાદનું યલો એલર્ટ

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, રાજયમાં આગામી તા.17મી જૂન સુધીમાં પ્રતિ કલાકના 30થી 40 કિની ઝડપે પવન ફૂંકાવવા સાથે એટલે કે મીની વાવાઝોડા સાથે અને ગાજવીજ સાથે વરસાદનું આગમન થશે. આગામી તા.17મી જૂન સુધીમાં રાજયમાં ચોમાસુ બેસી જશે તેવી આગાહી કરાઈ છે. મેઘરાજાએ છેલ્લા 24 કલાકમાં જોરદાર બેટિંગ કરી છે, સંતરામપુરમાં તો સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. દોઢ ઈંચ વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા તો મહીસાગરના કડાણામાં પણ પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેની વાત કરીએ તો સંતરામપુરમાં 40 મિલિમીટર, મોરવાહડફમાં 27 મીલિમીટર, કલોલમાં 22, સંજેલીમાં 15, કડીમાં 12, ગાંધીનગરમાં 11, કપરાડામાં 10, જેતપુરમાં 8 મિલિમીટર વરસાદ વરસ્યો હતો. તો રાજુલા, ખેરગામ, ભચાઉ, અમદાવાદ, છોટાઉદેપુર અને ધાનપુરમાં 5-5 મિલિમીટર વરસાદ પડ્યો હતો. તો હજુ પણ હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની ચેતવણી મુજબ , આગામી તા.17 મી જૂન સુધીમાં રાજયમાં પ્રતિ કલાકના 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે , જેના પગલે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ , સુરત , ડાંગ , તાપી, નવસારી,વલસાડ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, ગાંધીનગર , અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અનો મહીસાગર, અમરેલી, ભાવનગર , ગીર સોમનાથ અને દીવમાં હળવાથી ભારે વરસાદ થવાની સંભાવમના છે. ગાજવીજ અને આંધી તોફાન સાથે વરસાદ થવાનો છે. જોકે 12 અને 13મી જૂન દરમ્યાન રાજયમાં વરસાદનું યલ્લો એલર્ટ જારી કરાયું છે.

અમદાવાદના એરપોર્ટ ખાતે આવેલી હવામાન વિભાગની કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યા મુજબ , રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 41 ડિ.સે.,ડીસામાં 42 ડિ.સે.,ગાંધીનગરમાં 41 ડિ.સે.,વલ્લભ વિદ્યાનગરમાં 41 ડિ.સે., વડોદરામાં 39 ડિ.સે.,સુરતમાં 35 ડિ.સે.,વલસાડમાં 35 ડિ.સે., ભૂજમાં 41 ડિ.સે., નલિયામાં 36 ડિ.સે., કંડલા પોર્ટમાં 37 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 43 ડિ.સે., અમરેલીમાં 40 ડિ.સે., ભાવનગરમાં 38 ડિ.સે.,રાજકોટમાં 42 ડિ.સે.,અને સુરેન્દ્રનગરમાં 42 ડિ.સે., મહુવામાં 38 ડિ.સે., કેશોદમાં 37 ડિ.સે.,મહત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ છે.

Most Popular

To Top