National

AAPએ સ્વીકાર્યું સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી, કેજરીવાલના PS વિરૂદ્ધ લેવાશે કડક પગલાં

નવી દિલ્હીઃ (New Delhi) અરવિંદ કેજરીવાલના (Arwind Kejriwal) નિવાસસ્થાને સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહારની ઘટનાની આમ આદમી પાર્ટીએ નોંધ લીધી છે અને કહ્યું છે કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહારની ઘટનાનો ઉલ્લેખ કરતા તેની નિંદા કરી અને કહ્યું કે અરવિંદ કેજરીવાલ આ બાબતથી વાકેફ છે અને તેઓ તેના પર કડક કાર્યવાહી કરશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂકના મામલે AAPએ પોતાનું મૌન તોડ્યું છે. AAP નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે ગઈ કાલે ખૂબ જ નિંદનીય ઘટના બની. ગઈકાલે સવારે AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સીએમ અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા હતા. સ્વાતિ માલીવાલ ડ્રોઈંગ રૂમમાં અરવિંદ કેજરીવાલની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન નિવાસસ્થાનના સ્ટાફમાંથી કેજરીવાલના પીએસ વિભવ કુમાર ત્યાં પહોંચ્યા અને સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂક કરી હતી.

સ્વાતિ માલીવાલ સાથે થયે ગેરવર્તણૂંક બાબતે સંજય સિંહે કહ્યું કે સ્વાતિ માલીવાલે આ સમગ્ર મામલાની માહિતી પોલીસને આપી છે. અરવિંદ કેજરીવાલે સમગ્ર ઘટનાની નોંધ લીધી છે અને કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. તે પાર્ટીના જૂના અને વરિષ્ઠ નેતાઓમાંથી એક છે અમે બધા તેમની સાથે છીએ.

કેજરીવાલ પણ દોષિત છે- કપિલ મિશ્રા
બીજી તરફ બીજેપી નેતા કપિલ મિશ્રાએ કહ્યું કે કેજરીવાલ કાર્યવાહી કરશે તેવું આમ આદમી પાર્ટીનું નિવેદન છેતરપિંડી છે. તેમણે કહ્યું કે સંજય સિંહે સ્વીકાર્યું કે રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે સીએમ હાઉસમાં મારપીટ થઈ. કેજરીવાલે 31 કલાક સુધી મામલો દબાવી રાખ્યો. AAPનું નિવેદન કે કેજરીવાલ પગલાં લેશે તે પોતે જ છેતરપિંડી છે. કેજરીવાલ કોણ છે પગલાં લેવા માટે? પોલીસ કાર્યવાહી કરશે. કપિલ મિશ્રાએ કહ્યું કે કેજરીવાલ સ્વાતિને માર ખવડાવવા અને ગુનાને દબાવવા માટે દોષિત છે. 31 કલાક સુધી પોલીસને જાણ ન કરવા બદલ દોષી છે.

Most Popular

To Top