SURAT

સરથાણાની સોસાયટીનો ગેટ તોડવા પહોંચેલા પાલિકાના સ્ટાફને રહીશોના વિરોધનો સામનો કરવો પડ્યો

સુરત: ચૂંટણી પુરી થતાં જ સુરત મહાનગર પાલિકાએ કાર્યોની ગતિ તેજ કરી દીધી છે. ખાસ કરીને ઝીરો દબાણ પોલિસીની કામગીરી ઝડપી બનાવી છે. આજે પાલિકાના કર્મચારી, અધિકારીઓ સરથાણાની એક સોસાયટીનો ગેટ તોડવા પહોંચ્યા હતા, જેનો સોસાયટીના રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેના પગલે પાલિકાના કર્મચારીઓ અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઉભી થઈ હતી. મહિલાઓએ જેસીબી મશીનને ઘેરી લીધું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર સરથાણા વિસ્તારમાં સુરત મહાનગર પાલિકા રસ્તો પહોળો કરી રહી છે. અહીંનો 25 ફૂટનો રોડ પાલિકા 30 ફૂટનો કરી રહી છે. રોડ પહોળો થવાના લીધે અહીંની આશીર્વાદ સોસાયટીનો વર્ષો જૂનો ગેટ તોડવો પડે તેવી સ્થિતિ ઉદ્દભવી હતી. જેના લીધે વિવાદ સર્જાયો છે.

સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે અચાનક પાલિકાએ રોડ પહોળો કરવાનો નિર્ણય લીધો છે. અમારી સોસાયટી વર્ષો જૂની છે. ગેટ વર્ષો પહેલાં બનાવાયો હતો, તે તોડવા નહીં દઈએ. લોકોએ જેસીબી લઈને આવેલા પાલિકાના કર્મચારીઓનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

સ્થાનિક પ્રવિણભાઈએ કહ્યું કે, આશીર્વાદ સોસાયટી વર્ષો જૂની છે. ગેટ પણ વર્ષોથી છે. ત્યારે આજે પાલિકાને અચાનક યાદ આવી ગયું છે. અમારી સોસાયટી આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ થયા છે. થઈ રહ્યાં છે. તેમ છતાં પાલિકાને એ બધું દેખાતું નથી. અમારી સોસાયટીનો ગેટ દેખાયો છે. જે અમે પાડવા નહી દઈએ.

Most Popular

To Top