National

‘400 પારના દાવા પણ મોદી 200 પાર પણ નહીં જઇ શકે‘- મલ્લિકાર્જુન ખડગેનો દાવો

નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે લખનૌમાં સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને (Press conference) સંબોધી હતી. જેમાં ખડગેએ કેન્દ્રની ભાજપ સરકાર ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમજ વડાપ્રધાન મોદી (Prime Minister Modi) ઉપર પણ ટીપ્પણી કરી હતી. આ સાથે જ અખિલેશે આ કોન્ફરન્સ દરમિયાન આઝાદી જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો.

ભાજપ પર નિશાન સાધતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી બાદ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદાય નિશ્ચિત છે. તેમણે કહ્યું કે આ બંધારણ અને લોકશાહીને બચાવવાની ચૂંટણી છે. આ સાથે જ ખડગેએ દાવો કર્યો કે મોદીજી 400 બેઠકોથી વધુ બેઠકો જીતવાના દાવાઓ કરી રહ્યા છે. પરંતુ હું દાવો કરું છું કે તેઓ 200 બેઠકોથી આગળ પણ જઇ શકશે નહીં.

‘ભારતની જનતાએ પીએમ મોદીની વિદાય નક્કી કરી છે’
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણીના 4 તબક્કા પૂર્ણ થયા બાદ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. મજબૂત સ્થિતિમાં છે, અને 4 જૂન પછી બહુમતીની સરકાર બનાવશે. ખડગેએ કહ્યું, ‘દેશમાં ચૂંટણીના ચાર તબક્કા પૂર્ણ થયા છે. વિપક્ષી ગઠબંધન મજબૂત સ્થિતિમાં છે. હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે ભારતના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિદાય આપવાનો નિર્ણય કર્યો છે.’

ખડગેએ કહ્યું 4 જૂને I.N.D.I.A. ગઠબંધન નવી સરકાર બનાવવા જઈ રહ્યું છે. વડાપ્રધાન તાકાતની વાત કરે છે, પરંતુ જેઓ વારંવાર બંધારણ બદલવાની વાત કરે છે તેમની સામે પગલાં કેમ લેતા નથી? આ દેશના ભવિષ્ય માટેની ચૂંટણી છે, દરેકના અધિકારોનું રક્ષણ કરવાની ચૂંટણી છે. દેશના ભવિષ્યને બચાવવા માટે સૌએ સાથે મળીને કામ કરવું પડશે.

‘આ લોકશાહી અને બંધારણને બચાવવાની ચૂંટણી છે’
ભાજપ પર નિશાન સાધતા ખડગેએ કહ્યું કે, જો લોકશાહીને બચાવવી હોય તો બધાએ એક થવું પડશે. આ લોકશાહી અને બંધારણને બચાવવાની ચૂંટણી છે. આજે દેશમાં બે વિચારધારાઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે. એક તરફ ગરીબોના પક્ષમાં પક્ષો લડી રહ્યા છે. બીજી તરફ એવા પણ છે જેઓ અમીરોની પડખે ઉભા છે. અમારી લડાઈ ગરીબો માટે છે, જેમને ભોજન નથી મળતું અને નોકરી નથી મળતી.

ખડગે વધુમાં કહ્યું, અમારું ગઠબંધન દેશમાં પ્રવર્તતી બેરોજગારી અને મોંઘવારી સામે આ લડાઈ લડી રહ્યું છે. પીએમ મોદી પર નિશાન સાધતા ખડગેએ કહ્યું કે તેઓ તેમના ભાષણમાં મટન, ચિકન અને મંગળસૂત્ર જેવા મુદ્દાઓ લાવી રહ્યા છે. તેમણે કહ્યું, ‘પીએમ આટલું ખોટું બોલશે તો શું કરીશું? પીએમ મોદીએ કોંગ્રેસને જેટલી ગાળો આપી હશે તેટલું તો રામનું નામ પણ નઇ લીધું હોય.

Most Popular

To Top