Dakshin Gujarat

ડાંગમાં ભરઉનાળે જાણે ચોમાસું બેઠું, સતત ચોથા દિવસે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો

સાપુતારા: છેલ્લાં ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હોઈ ડાંગ જિલ્લામાં જાણે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ ઉભો થયો છે. સતત ચોથા દિવસે આજે તા. 15 મે ને બુધવારે પણ ડાંગ જિલ્લામાં ઠેરઠેર ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.
ગુજરાતના લોકો હાલમાં બે મોસમનો અનુભવ કરી રહ્યાં છે. રાજ્યના અનેક જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે.

અમદાવાદ, સુરતના લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે બીજી તરફ રાજ્યના કેટલાંક જિલ્લામાં છેલ્લાં ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગે આગાહી કરી હતી તે જ રીતે છેલ્લાં ચાર દિવસથી ગુજરાતના વાતાવરણમાં વરસાદ અને હીટવેવ એમ બંને સિઝનનો લોકો અનુભવ કરી રહ્યાં છે. આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં ભરઉનાળાની ઋતુમાં ગાજવીજ સાથે કમોસમી માવઠું વરસી રહ્યું છે. અહીંના ડાંગ જિલ્લામાં તો જાણે ચોમાસું જામ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં આજે સતત ચોથા દિવસે પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડતા ડાંગી જનજીવનમાં ભાગદોડ મચી જવા પામી હતી. આજે બુધવારે ડાંગ જિલ્લાનાં આહવા,બોરખલ,ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, માલેગામ, માંળુગા, ચીખલી, સુબિર, સાકરપાતળ, વઘઇ, નડગખાદી, પીંપરી સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે કમોસમી માવઠું વર્તાતા જાહેર માર્ગો પર પાણી પાણી ફરી વળ્યું હતું.

ડાંગ જિલ્લાનાં પીંપરી વિસ્તારમાં બરફનાં કરા સાથે કમોસમી માવઠું પડ્યું હતું. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ પડતા સમગ્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યું હતું. ગિરિમથક સાપુતારા ખાતે દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ અને બપોર બાદ કમોસમી માવઠું વર્તાતા જોવાલાયક સ્થળો આહ્લાદક બની જવા પામ્યા હતા.

છેલ્લાં ચાર દિવસથી સાપુતારાનું વાતાવરણ ઠંડુગાર બની જતા ફરવા આવેલા પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો. ડાંગ જિલ્લામાં કમોસમી માવઠાનાં પગલે ચાલુ વર્ષે ઉનાળું પાકો તથા ફળફળાદી પાકોને જંગી નુકસાન થયું છે. જેમાં ડાંગ જિલ્લામાં આંબાની વાડી ધરાવતા ખેડૂતોનાં આંબાનાં ફળ કમોસમી માવઠું અને પવનનાં સુસવાટાનાં પગલે પડી જતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે.

Most Popular

To Top