National

મોદીનું આશ્વાસન- પેપર લીકના દોષિતોને નહીં છોડાય, રાહુલનો હુમલો- PM વિદ્યાર્થીઓ પાસે માફી માંગે

નવી દિલ્હીમાં નીટ (NEET) પરીક્ષા પેપર લીક મુદ્દે ચાલી રહેલું વિદ્યાર્થીઓનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતૃત્વ હેઠળ જંતર-મંતર પર મંગળવારે સતત 32મા દિવસે પણ વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું. સંસદ માર્ચ દરમિયાન થયેલી અથડામણ બાદ પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહી સામે વિદ્યાર્થીઓ અને વિપક્ષી નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએ સંસદીય દળની બેઠકમાં સ્પષ્ટ કહ્યું કે પેપર લીક જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ ન થવું જોઈએ અને દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવશે.

મંગળવારે બપોર સુધી હજારો પ્રદર્શનકારીઓ જંતર-મંતર પર એકઠા થયા હતા. કોંગ્રેસ સેવા દળના કાર્યકર્તાઓએ વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓને નાસ્તાનું વિતરણ કર્યું હતું. સવારે સુરક્ષા માટે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત થતાં જ CJP સમર્થકોએ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો. સંસદ માર્ચ બાદ દિલ્હી પોલીસે સોમવારે મોડી સાંજે જંતર-મંતર ખાલી કરાવ્યું હતું, પરંતુ થોડા સમય બાદ પ્રદર્શનકારીઓ ફરી એકઠા થઈને ધરણા પર બેસી ગયા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએ સાંસદીય દળની બેઠકમાં પેપર લીક મામલે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે અને તમામ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે તેમણે આ મુદ્દે રાજકીય લાભ લેવા માટેની કોશિશો ટાળવાની અપીલ પણ કરી.

વડાપ્રધાનના નિવેદન બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે માત્ર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જ નહીં, પરંતુ વડાપ્રધાન અને ગૃહમંત્રી પણ આ સમગ્ર ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારે અને વિદ્યાર્થીઓ પાસે જાહેરમાં માફી માંગે. રાહુલે કહ્યું કે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે અને આ મામલે જવાબદારી નક્કી થવી જ જોઈએ.

CJPના સ્થાપક અભિજીત દીપકેએ જાહેરાત કરી કે મંગળવારે સંસદ માર્ચ નહીં કાઢવામાં આવે, કારણ કે સોમવારે થયેલી પોલીસ કાર્યવાહીમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકારને વિદ્યાર્થીઓના હિત કરતાં બળપ્રયોગમાં વધુ રસ છે. દીપકેએ કહ્યું કે જ્યાં સુધી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

લદ્દાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે પણ પોતાનું અનશન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે સોમવારે થયેલી પોલીસ કાર્યવાહીએ તેમને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે. શરૂઆતમાં તેઓ અનશન સમાપ્ત કરવા તૈયાર થયા હતા, પરંતુ વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહી બાદ તેમણે ફરીથી ઉપવાસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઘાયલ વિદ્યાર્થીઓને મળવા માટે રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલ પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી. કેજરીવાલે આરોપ લગાવ્યો કે ઘણા વિદ્યાર્થીઓ સામે ખોટા કેસ નોંધવામાં આવ્યા છે અને કેટલાક વિદ્યાર્થીઓને કોઈ કારણ વગર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરકારને સવાલ કર્યો કે શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર ટિયર ગેસ અને લાઠીચાર્જ કરવાની જરૂર શા માટે પડી. તેમણે સંસદમાં સરકાર અને CJP પ્રતિનિધિઓ વચ્ચે થયેલી બેઠકની સંપૂર્ણ માહિતી રજૂ કરવાની માંગ કરી. રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે પણ સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું કે જ્યારે વિદ્યાર્થીઓની માંગ સરકારને પહેલેથી જ ખબર હતી, ત્યારે વાતચીત પહેલા બળપ્રયોગ શા માટે કરવામાં આવ્યો.

સોમવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ CJP પ્રતિનિધિમંડળ સાથે લગભગ પાંચ કલાક સુધી ચર્ચા કરી હતી. બેઠક બાદ તેમણે કહ્યું હતું કે ચર્ચા સકારાત્મક રહી છે અને પ્રદર્શનકારીઓએ હવે ધરણા સમાપ્ત કરીને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં સહયોગ આપવો જોઈએ. જોકે CJPના પ્રવક્તા આશુતોષ રાંકાએ દાવો કર્યો કે બેઠકમાં સરકાર તરફથી કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે હવે જો સરકાર વાતચીત કરવા માંગે તો તેને જંતર-મંતર પર આવીને વિદ્યાર્થીઓ સાથે સીધી ચર્ચા કરવી પડશે.

આશુતોષ રાંકાએ પોલીસ પર ગંભીર આરોપો પણ લગાવ્યા. તેમના જણાવ્યા અનુસાર, લાઠીચાર્જ દરમિયાન અનેક વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. કેટલાકના માથામાં ઈજા થઈ છે, જ્યારે સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ સાથે પણ ગેરવર્તન થયું હોવાનું તેમણે જણાવ્યું. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસને વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાના સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા હતા.

બીજી તરફ દિલ્હી પોલીસે અલગ દાવો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સંસદ માર્ચ દરમિયાન પ્રદર્શન હિંસક બન્યું હતું અને પ્રદર્શનકારીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં દિલ્હી પોલીસ અને કેન્દ્રીય દળોના કુલ 118થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા મુજબ 15થી 20 સરકારી વાહનો અને જાહેર સંપત્તિને નુકસાન થયું છે.

દિલ્હી પોલીસે લગભગ 70 પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે અને ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ તોફાન, જાહેર સંપત્તિને નુકસાન અને પોલીસ પર હુમલા સહિતના ગુનાઓમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. ઘટનાના બીજા દિવસે સંસદ માર્ગ સહિત સમગ્ર નવી દિલ્હી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી દેવામાં આવી છે. અનેક સ્થળોએ વધારાના પોલીસ દળોની તૈનાતી કરવામાં આવી છે અને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. CJPના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે આંદોલન હવે વધુ મોટું બનશે અને દેશભરમાંથી વધુ વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચશે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારશે નહીં અને પેપર લીક મામલે જવાબદારી નક્કી નહીં કરે, ત્યાં સુધી જંતર-મંતર પરનું ધરણું અને વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.

Most Popular

To Top