National

પ્રથમ ક્વાર્ટરમાં લો બેઝની અસરથી જીડીપી વિકાસદર વધીને ૨૦.૧ ટકા થયો

ભારતનો આર્થિક વિકાસદર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વધીને ૨૦.૧ ટકા થયો છે જે એક વર્ષ અગાઉના આ જ સમયગાળાના લો-બેઝને કારણે વધારે જણાયો છે, આ ઉપરાંત મેન્યુફેકચરિંગ અને સર્વિસ સેકટરોમાં શાર્પ રિબાઉન્ડની અસરથી પણ આ વધારો થયો છે.

ભારત હવે આ વર્ષે આ વિશ્વનો સૌથી ઝડપી વિકાસદર પ્રાપ્ત કરવાના માર્ગે છે. દેશના વિકાસદરમાં જ્યારે વર્ષો વર્ષના ધોરણે તીવ્ર વધારો નોંધાયો છે ત્યારે આ કેલેન્ડર વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરની સરખામણીમાં અર્થતંત્ર ૧૬.૯ ટકા ધીમુ પડ્યું છે અને કોવિડના રોગચાળાના સમય પહેલાના એપ્રિલ-જુન ૨૦૧૯ ક્વાર્ટર કરતા આ નાણાકીય વર્ષના ક્વાર્ટરમાં વિકાસ દર ૯.૧ ટકા ઓછો છે એ મુજબ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(એનએસઓ) તરફથી આજે બહાર પાડવામાં આવેલા આંકડાઓ પરથી જાણવા મળ્યું હતું.

વર્ષો વર્ષના ધોરણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જે મોટો વધારો જોવા મળ્યો છે તેના પર ગયા વર્ષના લો-બેઝની મોટી અસર દેખાય છે. કોરોનાવાયરસના ચેપનો ફેલાવો રોકવા માટે વિશ્વના સૌથી કડક લૉકડાઉનોમાંનુ એક લૉકડાઉન ભારતમાં લાગુ પાડવામાં આવ્યું તેના પગલે એપ્રિલ-જુન ૨૦૨૦ ક્વાર્ટરમાં ભારતનું અર્થતંત્ર ૨૪.૪ ટકાના જંગી દરે સંકોચાયું હતું.

ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ કવાર્ટરમાં જીડીપીમાં સિક્વન્સિયલ સંકોચન સતત ત્રણ કવાર્ટરમાં વિસ્તરણ પછી આવ્યું છે. પ્રથમ નાણાકીય વર્ષમાં જીવીએમાં વર્ષો વર્ષના ધોરણે ૧૮.૮ ટકાનો વધારો જોવા મળ્યો છે પરંતુ દેશમાં કોવિડ-૧૯ના બીજા મોજાા પગલે વિવિધ વિસ્તારોમાં લાદવામાં આવેલા કડક નિયંત્રણોને કારણે એપ્રિલ-મેમાં અર્થતંત્ર ખોરવાવાને કારણે સિકવન્શિલી તે ડબલ ડિજિટના ૧૩.૩ ટકાનું સંકોચન દર્શાવે છે.

Most Popular

To Top