Comments

સાહેબ હોવું અને સાહેબપણામાં બહુ મોટું અંતર છે

થોડા દિવસ પહેલાં ટેલિવિઝન ચેનલો ઉપર એક ઓડિયો વાયરલ થયો. ઘટના કંઈક એવી છે કે ગુજરાતના એક ડેપ્યુટી કલેકટરને એક વ્યકિત સાહેબને બદલે ભાઈ કહી સંબોધન કરે છે અને સાહેબને તેનો ગુસ્સો આવે છે. સાહેબનો મત છે કે ઘણી મહેનત પછી તેમને ડેપ્યુટી કલેકટરનું પદ મળ્યું ત્યારે તેમને કોઈ ભાઈ તરીકે સંબોધન કરે તે મંજૂર નથી. સાહેબ તો ત્યાં સુધી ગુસ્સો થઈ જાય છે કે જો હવે સાહેબને બદલે ભાઈ શબ્દનો પ્રયોગ કર્યો તો ગુનો નોંધવા સુધી ચીમકી આપી દીધી. બીજી તરફ જે વ્યકિત સાહેબને ભાઈ તરીકે સંબોધન કરે છે તેમનો દાવો છે કે સાહેબ અને તે પોતે સ્કૂલમાં સાથે ભણતા હતા એટલે તેમણે ભાઈ તરીકે સંબોધન કર્યું હતું. આ ઓડિયો વાયરલ થયા પછી સોશ્યલ મીડિયા ઉપર આ વિષયને લઈ ઘણી ચર્ચાઓ થઈ. ચર્ચામાં બન્ને તરફનો મત ધરાવતા લોકો હતા, સાહેબ અને સાહેબની તરફેણ કરનારનો મત હતો કે જે મિત્ર હોવાનો દાવો કરે તેવો કોઈ મિત્ર સાહેબની સાથે સ્કૂલમાં અભ્યાસ કરતો જ ન્હોતો.

સાહેબને શંકા છે કે મિત્ર હોવાનો દાવો કરનાર વ્યકિત તેમના નામ અને પદનો દુરુપયોગ કરી રહ્યો છે. ચર્ચામાં ભાગ લેનારે સાહેબનો પક્ષમાં જણાવ્યું કે સાહેબ અત્યંત ગરીબ સ્થિતિમાંથી આ પદ ઉપર પહોંચ્યા છે અને સાહેબની જ્ઞાતિનો સમાવેશ પછાત જ્ઞાતિમાં થાય છે એટલે જેઓ પછાત જ્ઞાતિમાં નથી, તેમને પછાત જ્ઞાતિની વ્યકિત ઉચ્ચ પદ ઉપર હોય તો સાહેબ કહેવામાં વાંધો હોય છે. આમ આ અંગે વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી, સાહેબ શબ્દનો વિરોધ કરનારનો મત હતો કે કાયદામાં કયાંય પણ સાહેબ શબ્દનો પ્રયોગ કરવો તેવું લખવામાં આવ્યું નથી, એટલે સાહેબ નાગરિક પાસે તેવો આગ્રહ રાખી શકે નહીં કે તમે મને સાહેબ કહી સંબોધન કેમ કરતા નથી. અહિંયા આપણે સાહેબ અને સાહેબના કહેવાતા મિત્રના પક્ષમાં કે વિરોધમાં ચર્ચા કરવી નથી, કોણ સાચું અને કોણ ખોટું તે પ્રશ્ન અલગ છે, પરંતુ આપણે કોઈ પણ સરકારી કચેરીમાં જઈએ ત્યારે સાહેબ શબ્દનો બહુ સહજતાથી પ્રયોગ કરીએ છીએ, પણ સાહેબ શબ્દના અર્થનો આપણે કયારેય વિચાર કર્યો નથી.

સાહેબ શબ્દ સર શબ્દમાં  આવ્યો છે. આપણી માન્યતા છે કે સર શબ્દ અંગ્રેજી છે, પણ તે સાચું નથી. સર શબ્દ મૂળ ફારસી શબ્દ છે, ફારસીમાં સરનો અર્થ થાય છે મિત્ર અથવા દોસ્ત. કેટલો સરળ અર્થ અને તે શબ્દમાં કોઈ ભાર નથી, પણ આ જ ફારસી સર શબ્દનો ઉપયોગ અને પ્રયોગ અંગ્રેજી ભાષામાં થયો ત્યારે તેનો અર્થ બદલાઈ ગયો  અને ભાર વધી ગયો, વર્ષોથી સર શબ્દનો પ્રયોગ કરતા આપણે અને સરએ  માની લીધું કે સરનો અર્થ જેના હાથમાં નાની મોટી સત્તા છે તેવો અમલદાર એટલે સર. કાળક્રમે સર શબ્દનો ગુજરાતી અનુવાદ થયો સાહેબ અને આપણે સરકારી કચેરીમાં કામ કરતા નાના મોટા તમામને સાહેબ કહેવા લાગ્યા. આપણે અને સાહેબે અજાણતાં એવો અર્થ કરી લીધો કે આપણું સારું -નરસું કરવાની જેના હાથમાં સત્તા છે તે બધા જ સાહેબ છે, પછી તે કલેકટર ઓફિસમાં કામ કરતા કલાર્કથી લઈ કલેકટર હોય કે પછી રસ્તા ઉપર ઊભો રહેલો કોન્સ્ટેબલ હોય, બધા જ આપણા સાહેબ છે. સામાન્ય માણસ પાસે તો જેમની પાસે સત્તા હોય તેમને સાહેબ કહેવા સિવાય કોઈ પર્યાય નથી.

પરંતુ લોકો જેમને સાહેબ કહે છે તે સાહેબોને યાદ રહ્યું નહીં કે જયારે કોઈ આપણને સાહેબ કહે ત્યારે તે આપણા હાથમાં અધિકારની છડી જ નહીં, આપણા અધિકાર સાથે આપણને તેમના જીવનમાં સારું કરવાની જવાબદારી અને અપેક્ષા પણ સોંપી રહ્યો છે, સાહેબનું પદ કયારેક શિક્ષણને કારણે તો  કયારેક નસીબને કારણે મળે છે, પરંતુ સાહેબ સંબોધન મળતાં અનેક જવાબદારીઓ પણ વેંઢારવાની હોય છે. સાહેબ સંબોધન સાંભળવું કોઈને પણ ગમે છે, પરંતુ સાહેબ થવું અને સાહેબપણામાં મોટું અંતર છે. સાહેબ થવાનો સરળ અર્થ છે કે હું જયારે મારા પદની ખુરશીમાં બેઠો છું ત્યારે મારી સાથે કામ કરતા મારા સાથીઓ અને મારા દરવાજે આવતાં લોકોના જીવનમાં સારું કરવાની જવાબદારી મારી છે. સાહેબ થવાનો અર્થ એવો નથી કે માત્ર શાબ્દિક અને લેખિત હુકમો કરવાના, સાહેબના શાબ્દિક અને લેખિત હુકમમાં લોકોની ચિંતા અને તેમના પ્રત્યેનો પ્રેમ હોવો અનિવાર્ય છે કારણ આપણા શબ્દો, આપણો વ્યવહાર અને આપણી કલમમાં લોકોના જીવનમાં સારું કરવાની ક્ષમતા છે જયારે આ વાત સમજાઈ જાય ત્યારે ખરા અર્થમાં સાહેબપણું આવ્યું કહેવાય.

જયારે પદ ઉપર બેઠેલી વ્યકિતને કોઈ સાહેબ કહી સંબોધન કરે ત્યારે એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી કે તેઓ સામેની વ્યકિત કરતાં શકિતશાળી છે.  મને સાહેબ કહેનાર જ્ઞાન અને પદમાં નાનો છે, ખરા અર્થમાં સાહેબ થવું હોય તો પહેલો નિયમ છે કે વ્યવહારમાં નમ્રતા હોવી જોઈએ. શિક્ષણ અને નસીબના કારણે જે પદ મળ્યું છે અને પદને કારણે લોકો જયારે સાહેબ કહે છે ત્યારે તે પદ જન્મ્યા ત્યારે પણ ન્હોતું અને એક ચોક્કસ સમયગાળા સુધી સાહેબનું પદ રહેવાનું છે. સરકારી અમલદાર નિવૃત્તિ પછી સાહેબ રહેતા નથી ત્યારે લોકો તરફથી મળતા માનમાં ઘટાડો થાય છે, ત્યારે  તેમની અંદર રહેલો સાહેબ ધુંવાપુંવા થાય છે, મન વ્યગ્ર થઈ જાય છે.

પણ અનેક લોકો એવાં છે કે જેમની પાસે સરકારી પદ નથી, છતાં તેમના કામ, તેમના વ્યવહાર અને તેમના જ્ઞાનને કારણે લોકોના મનમાં તેઓ સર અને સાહેબ બની જિંદગીભર જીવે છે કારણ તેમને સરનો અર્થ સમજાયો અને તેમણે લોકોના દોસ્ત અને મિત્ર બની સર શબ્દને સાર્થક કર્યો છે. આપણી શાળામાં આપણને શિક્ષણ આપનાર શિક્ષક ત્યારે આપણને દુશ્મન લાગતો હતો, આપણે ભણી તે માટે આપણને તે મારતો ઠપકારતો હતો, પણ આજે તે શિક્ષક સામે મળે તો આપમેળે તેમનાં ચરણોમાં માથું ઝૂકી જાય છે કારણ તે આપણા માટે આજીવન સર રહ્યો છે.

       – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top