Top News

More Posts

   The Latest

Most Popular

એકતરફ સ્કૂલ, ટ્યૂશનમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની વાતો થઈ રહી છે ત્યાં બીજી તરફ બાળકોમાં કોરોના સંક્રમણના કેસ દિનપ્રતિદિન વધી રહ્યાં છે. સુરતમાં આજે વધુ એક ટ્યૂશન ક્લાસીસમાં 7 વિદ્યાર્થીઓનો ટેસ્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે, જેના પગલે પાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. તાત્કાલિક આ ટ્યૂશનને 14 દિવસ માટે સીલ કરી દેવામાં આવ્યું છે.

આગામી તા. 18મી ઓક્ટોબરથી શાળાઓમાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, જેના લીધે સ્કૂલ અને ટ્યૂશનો ધમધમી રહ્યાં છે. વિદ્યાર્થીઓ ઓફલાઈન અભ્યાસ કરી રહ્યાં છે, જેના લીધે ટ્યૂશન ક્લાસીસના એક રૂમમાં મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ ભેગા થતાં હોય કોરોનાના સંક્રમણનો ભય વધી રહ્યો છે.

સુરતમાં નવરાત્રિ પહેલાં કેટલાંક એપાર્ટમેન્ટ, સ્કૂલોમાં કોરોનાના કેસ મળી આવ્યા હતા, જેના પગલે શહેરમાં ત્રીજી લહેર શરૂ થવાના ભણકારા વાગ્યા હતા. તેમ છતાં જનજીવન સામાન્ય ચાલી રહ્યું હતું, ત્યારે આજે શહેરના એક ટ્યૂશન ક્લાસીસમાં એક સાથે 7 વિદ્યાર્થીના ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે, જેના લીધે વાલીઓ ચિંતામાં મુકાયા છે.

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશનર આશિષ નાયકના જણાવ્યા અનુસાર છેલ્લાં એક મહિનાથી બાળકોમાં કોરોના સંક્રમણના કેસ વધ્યા છે. તેના પગલે મનપાની આરોગ્ય ટીમ દ્વારા સ્કૂલ, ટ્યૂશન ક્લાસીસમાં અવારનવાર કોવિડ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યાં છે. તેના ભાગરૂપે શહેરના ન્યૂ સિટીલાઈટ રોડ પર આવેલા જ્ઞાનવૃદ્ધિ ટ્યૂશન ક્લાસમાં પણ ટેસ્ટીંગ કરાયા હતા.

આ ક્લાસીસમાં છેલ્લાં 5 દિવસમાં 7 વિદ્યાર્થીના કોવિડ ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે. આથી અન્ય બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ટ્યૂશન ક્લાસીસને 14 દિવસ માટે બંધ કરાવી દેવામાં આવ્યું છે. આ સાથે જ 125 વિદ્યાર્થીઓના ટેસ્ટ ફરજિયાતપણે કરાવવાની તાકીદ કરાઈ છે. આ અગાઉ શુક્રવારે શહેરમાં કોરોનાના વધુ 3 કેસ નોંધાયા હતા, જેમાં અઠવા ઝોનમાં 2 તેમજ 1 કતારગામ ઝોનમાં નોંધાયો હતો. અને તે સાથે જ કુલ આંક 1,11,669 પર પહોંચ્યો છે. તેમજ વધુ 5 દર્દી સાજા થવાની સાથે અત્યાર સુધીમાં કુલ 1,09,975 દર્દી ડિસ્ચાર્જ થયા છે અને રિકવરી રેટ 98.48 ટકા પર પહોંચ્યો છે.

નોંધનીય છે કે બાળકો માટે ટૂંક સમયમાં રસીને મંજૂરી મળે તેવી શક્યતા ઉજળી બની છે. સરકાર દ્વારા કોવેક્સીનને મંજૂરી આપવામાં આવે તેવા સંકેત મળ્યા છે. 2થી 18 વર્ષના બાળકોને નજીકના દિવસોમાં જ રસી આપવાનું શરૂ કરાશે. જ્યાં સુધી બાળકોને રસી મુકી નહીં દેવામાં આવે ત્યાં સુધી તેઓના માથા પર ખતરો મંડરાઈ રહ્યો છે.

To Top