Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે એવી છાપને ખોટી ગણાવી હતી કે ફટાકડાઓ (Crackers) પર પ્રતિબંધ મૂકવાની બાબતમાં તે કોઇ જૂથ કે સમાજની વિરુદ્ધમાં આદેશ આપી રહી છે અને કહ્યું હતું કે ઉજવણીના ઓઠા હેઠળ નાગરિકોના અધિકારોનો ભંગ થાય તેને તે ચલાવી લઇ શકે નહીં.

  • જે ફટાકડા ઉત્પાદકો બનાવટી ગ્રીન કેકર્સ વેચે છે સુપ્રીમ કોર્ટ તેમની વિરુદ્ધ સીબીઆઇ તપાસનો પણ આદેશ આપી શકે છે
  • ફટાકડાઓના ઓનલાઇન વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
  • ફટાકડાઓનું વેચાણ ફક્ત લાયસન્સધારી વેપારીઓ મારફત જ થવું જોઇએ

જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ એ.એસ. બોપન્નાની એક બેન્ચે તે સ્પષ્ટ કર્યું હતું કે તે તેના આદેશનું સંપૂર્ણ અમલીકરણ ઇચ્છે છે જેથી એવો સંદેશ આપી શકાય કે તે અહીં લોકોના અધિકારોના રક્ષણ માટે છે અને જે ફટાકડા ઉત્પાદકો બનાવટી ગ્રીન કેકર્સ વેચે છે તેમની બાબતમાં તે સીબીઆઇ તપાસનો પણ આદેશ આપી શકે છે. આનંદ ઉજવણીના ઓઠા હેઠળ તમે(ઉત્પાદકો) નાગરિકોના જીવન સાથે રમી શકો નહીં. અમે કોઇ ચોક્કસ કોમની વિરુદ્ધમાં નથી. અમે એક મજબૂત સંદેશો મોકલવા માગીએ છીએ કે અમે અહીં લોકોના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે બેઠા છીએ એમ બેન્ચે કહ્યું હતું.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે ફટાકડા પર પ્રતિબંધનો અગાઉનો વિગતવાર વાજબી કારણો આપ્યા પછી પસાર કરવામાં આવ્યો છે. તમામ ફટાકડાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. તે(પ્રતિબંધ) વ્યાપક પ્રજા હિતમાં છે…એવી રજૂઆત થવી જોઇએ નહીં કે આ પ્રતિબંધ એક ચોક્કસ હેતુ માટે મૂકવામાં આવી રહ્યો છે એમ બેન્ચે કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો છે કે ફટાકડાઓનું વેચાણ ફક્ત લાયસન્સધારી વેપારીઓ મારફત જ થવું જોઇએ, ફક્ત ગ્રીન ફટાકડાઓનું વેચાણ થવું જોઇએ. ફટાકડાઓના ઓનલાઇન વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

To Top