Vadodara

તારે શેઠ સાથે આડા સંબંધો છે કહી પતિ દ્વારા પત્નીની મારઝૂડ

વડોદરા: વાઘોડિયા તાલુકાની પરીણિતાનો પતિ તારા શેઠ સાથે તારા આડા સંબંધો છે તેમ જણાવી ચારિત્ર્ય  પર શંકા કરી મારઝૂડ કરતા હતા અને પગારના પૈસા માંગી ત્રાસ ગુજારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પરીણિતાને સસરા અને કાકા સસરાએ પણ મારમાર્યો હતો. પરીણિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ, સસરા અને કાકા સસરા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ સામે પક્ષે સસરાએ પરિણીતાના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં રહેતી 32 વર્ષીય પરણિતા મંજુસર જીઆઈડીસીમાં એક ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. વર્ષ 2010માં વડોદરાના રામદેવનગરમાં રહેતા પુષ્પેન્દ્ર નાઈ સાથે લગ્ન થયા હતા. લગ્નના સમયગાળા દરમિયાન પરીણિતાને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. દરમિયાન પરીણિતાની  મંજુસર જીઆઈડીસીમાં એક ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી લાગી હતી.

પરિણીતાની નોકરી લાગ્યા બાદ મળતા પગારમાંથી પરણિતાએ રૂપિયા 5000ની દીકરીના નામની ફિક્સ ડિપોઝીટ કરી હતી. ત્યારે પતિ પુષ્પેન્દ્રએ તારો આખો પગાર મને આપવાનો તેમ જણાવી મારઝૂડ કરી ઘરમાં અનેક પ્રકારે પરીણિતા સાથે ઝઘડા કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે તે વાતનું ઉપરનું લઇ સસરા રાજુભાઈ નાઈ પણ કકલાચાલી ઝગડો કરી તકરાર કરતા હતા. દરમિયાન પતિ અનેક વાર ઝગડામાં પરીણિતાને તારા શેઠ સાથે તારા આડા સંબંધો છે તેમ જણાવી પરિણીતાના ચારિત્ર્ય અંગે શંકા કરી મારઝૂડ કરતા હતા.

ગત તા. 17 ઓક્ટોબરે પરીણિતા બહેનપણી અને શેઠ સાથે સસરાના ઘરે રહેતા પુત્રને મળવા ગઈ હતી. ત્યારે સસરા રાજુ નાઈ અને કાકા સસરા હરિઓમ હુકમસિંહ નાઈએ પરણિતાને બીભત્સ ગાળો ભાંડી માર માર્યો હતો. ત્યારે બહેનપણી અને શેઠે મારમાંથી પરીણિતાને છોડાવી હતી. બનાવ અંગે પરીણિતાએ બાપોદ પોલીસ મથકમાં પતિ પુષ્પેન્દ્ર નાઈ, સસરા રાજુ નાઈ અને કાકા સસરા હરિઓમ હુકમસિંહ નાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ સસરા રાજુભાઈ નાઈએ પરીણિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, હું અને મારો પૌત્ર ઘરે બેઠા હતા. ત્યારે મારી વહુ તેના પ્રેમી શેઠ નિમેષ પટેલ સાથે પૌત્રને મળવા આવી હતી અને પૌત્રનો હાથ ઉંચકતા તેઓની વહુ સાથે બોલાચાલી થઇ હતી. નિમેષ પટેલે તેઓને તેમજ પુત્ર પુષ્પેન્દ્રને બીભત્સ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી તેના વિરુદ્ધ બાપોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top