SURAT

સુરતમાં ડિસેમ્બર અંત સુધીમાં આટલી ઇલેક્ટ્રિક બસો દોડતી થઈ જશે

સુરત: (Surat) શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનની (Mass Transportation) સુવિધા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરમાં સિટીબસ (City Bus), બીઆરટીએસ (BRTS) બસો શરૂ કરાઈ છે. તેમજ પર્યાવરણને ધ્યાનમાં રાખી શહેરમાં ઇલેક્ટ્રિક બસો પણ દોડાવવામાં આવી રહી છે. મનપા દ્વારા શહેરમા હાલમાં પ્રાથમિક તબક્કે કુલ 150 ઇલેક્ટ્રિક બસો દોડાવવાનું આયોજન છે. જે માટેનો ઓર્ડર પણ મનપા દ્વારા આપી દેવાયો છે. જે પૈકી હાલમાં શહેરમાં 50 ઇલેક્ટ્રિક બસ ચલાવવામાં આવી રહી છે. પરંતુ હવે તેમાં વધારો કરી ડિસેમ્બર અંત સુધીમાં કુલ 100 ઈ-બસો દોડશે. મનપા (Corporation) દ્વારા હાલના આયોજન મુજબ સુરતમાં બીઆરટીએસની જે બસો ચલાવાય છે. તેની મુદત પુરી થતી જાય તેમ તેમ ઇલેકટ્રીક બસનો ઉમેરો કરવાનું આયોજન હોય, 2024 સુધીમાં 500 જેટલી ઇલેક્ટ્રીક બસો દોડતી થાય તેવી શકયતા છે તેવુ મનપા કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું.

ઇલેક્ટ્રિક બસોના ચાર્જિંગ માટે હાલમાં 2 ટેમ્પરરી સ્ટેશન બનાવાયા છે. પરંતુ મનપા દ્વારા કુલ 3 બસ ડેપો પાસે 13 ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. જેમાં એક સાથે 40 જેટલી બસો ચાર્જ થઈ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં શહેરમાં કુલ 754 બસો દોડી રહી છે. જેમાં 157 બીઆરટીએસ, 575 સિટી બસ અને 50 ઇલેક્ટ્રિક બસ છે. ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધારવાનું આયોજન હોવાથી ચાર્જિંગ સ્ટેશનો પણ વધારવામાં આવશે.

સહારા દરવાજા મલ્ટિલેયર બ્રિજની કામગીરી પુરજોશમાં

સુરત: સુરત મનપા દ્વારા સહારા દરવાજા મલ્ટિલેયર બ્રિજની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. મનપા દ્વારા નવા વર્ષમાં આ બ્રિજ શહેરીજનોને ઉપયોગમાં લઈ શકે તે માટે કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે. માર્ચ 2022 સુધીમાં આ બ્રિજનું કામ પૂર્ણ કરવાનું આયોજન મનપા દ્વારા કરાયું છે. હાલમાં મનપાના બ્રિજ વિભાગ દ્વારા રેલવે લાઈન ઉપરના ગર્ડર ચઢાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે અને કુલ 27 ગર્ડરો પૈકી 9 ગર્ડર ચઢાવી દેવાઇ છે.

સહારા દરવાજા મલ્ટિલેયર બ્રિજની પ્રોજેક્ટ કોસ્ટ રૂા. 133 કરોડ છે. હાલમાં આ બ્રિજની 72 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ બ્રિજ શરૂ થતા જ 15 લાખ લોકોને આ તેનો ફાયદો મળવાનો છે ત્યારે ઝડપથી આ બ્રિજ પૂર્ણ કરવા માટે રાઉન્ડ ધ ક્લોક સાઈટ પર કામગીરી ચાલી રહી છે. સહારા દરવાજા મલ્ટિ લેયર બ્રિજ છે જેમાં રેલવે લાઈન પાસેથી પણ આ બ્રિજ પસાર થવાનો છે. રેલવેના ભાગમાં કુલ 27 ગર્ડર ચઢાવવાની છે જે પૈકીના સ્મીમેર કોલેજ તરફના 9 ગર્ડર ચઢાવી દેવાઇ છે. 30 મીટરના સ્પાનમાં હાલમાં કુલ 9 ગર્ડરો ચઢાવાઇ છે. પ્રત્યેક ગર્ડરનું વજન 22 ટન છે એવી કુલ 225 ટન વજનની ગર્ડર ક્રેઈનની મદદથી ચઢાવી દેવાઇ છે. આ બ્રિજની લંબાઇ કુલ 2 કિલોમીટરની છે.

Most Popular

To Top