Dakshin Gujarat

32 મુસાફરોને લઈ સુરતથી જૂનાગઢ જતી આ ટ્રાવેલ્સની સ્લીપર લક્ઝરી બસ ભરૂચ પાસે ભડકે બળી

ભરૂચ: (Bharuch) સુરતથી (Surat) ૩૨ જેટલા મુસાફરોને લઇ જૂનાગઢ જતી દર્શન ટ્રાવેલ્સની સ્લીપર લક્ઝરી બસ (Luxury Bus) ભરૂચના મુલદ ટોલ પ્લાઝાથી માંડ ૫૦૦ મીટર દૂર એકાએક ભડકે બળવા (Fire) લાગી હતી. ડ્રાઇવરે બસ થોભાવી દેતાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જો કે, બસ બળીને સંપૂર્ણ ખાખ થઈ ગઇ હતી.

  • સુરતથી જૂનાગઢ જતી દર્શન ટ્રાવેલ્સની સ્લીપર લક્ઝરી બસ ભડકે બળી, ૩૨ મુસાફરનો બચાવ
  • ભરૂચના મુલદ ટોલ પ્લાઝાથી ૫૦૦ મીટર દૂર જ લક્ઝરી ભડકે બળી, હાઇવે પર ટ્રાફિકજામ થઈ ગયો

સુરતના દર્શન ટ્રાવેલ્સની બસ મંગળવારે રાતે ૩૨ જેટલા મુસાફરને લઇ જૂનાગઢ માટે નીકળી હતી. સ્લીપર બસ અંકલેશ્વર અને ભરૂચ વચ્ચેથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહી ત્યાં જ ટાયરમાં આકસ્મિક આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં ભડકે બળતાં ટાયર સમગ્ર બસને ચપેટમાં લેવાનું શરૂ કરતાં મુલદ ટોલ પ્લાઝાથી માંડ ૫૦૦ મીટર દૂર બર્નિંગ બસને થોભાવી દેવાઇ હતી. બુમરાણ અને ચિચિયારીઓ કરતા મુસાફરો સળગતી બસમાંથી બહાર નીકળી આવતાં તમામનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાને પગલે અંકલેશ્વરથી ભરૂચ તરફની હાઈવેની લેન ઉપર વાહનોનો ચક્કાજામ સર્જાઇ ગયો હતો. ફાયરનો કોલ અંકલેશ્વર DPMC અને ભરૂચ પાલિકાને કરતાં 3 ફાયર ટેન્ડર હાઇવે પર ઘટના સ્થળે દોડી ગયા હતા.

ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ પણ દોડી આવી હતી. બસમાં ટાયરમાં આગ લાગતાં સમગ્ર બસ જોતજોતામાં હાડપિંજર બની ગઇ હતી. ભરૂચના ફાયર બ્રિગેડના ભૂપેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, રાત્રે ફોન આવતા કેબલ બ્રિજ પર લક્ઝરી બસ શોર્ટસર્કિટથી આગ લાગી હતી. ફાયરની ટીમ આવીને મહામહેનતે આગ પર કાબૂ કરી લીધો હતો. જો કે, દિવાળી ટાણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ૧૩ વર્ષ પહેલાં ભરૂચની નર્મદા ચોકડી નજીક મળસકે પટેલ ટ્રાવેલ્સની મુંબઈથી અમદાવાદ જતી વોલ્વો બસમાં લાગેલી આગે ૧૬ જેટલા મુસાફરને ભડથું કરી દીધા હતા. આજની આ ઘટનાએ જૂની દર્દનાક યાદો તાજી કરી હતી.

Most Popular

To Top