Columns

ગ્રોથ કરવો હોય તો તમારી બ્રાન્ડને લોકો સાથે સાંકળો

પણે ઘણી વાર જોઈએ છીએ કે દિવસભરમાં આપણે કેટલી બધી વસ્તુઓ વાપરીએ છીએ. જેમાંથી ઘણી પ્રોડક્ટ્સનાં નામ આપણને મોઢે ચડી જાય છે. જ્યારે મોટા ભાગની પ્રોડક્ટ્સ એક-બે વખત વાપરીને ભૂલી જઈએ છીએ. માર્કેટિંગનો એક મૂળભૂત મંત્ર છે કે જો તમારામાં તમારી બ્રાન્ડને વેચવાની તાકાત હોય તો લોકોને જરૂર હોય કે ન હોય પરંતુ તમારી ‘ઇફેક્ટિવ બ્રાન્ડ અવેરનેસ’ને લીધે સામાન્ય જનતા તમારી પ્રોડક્ટ્સ લેવા માટે જરૂર પ્રેરાય.
હાલ જ્યારે વિશ્વમાં હરીફાઈનો જમાનો છે, જ્યારે તમે તમારી પ્રોડક્ટને બીજાથી અલગ તારવો, તો જ તમે નંબર-1 બ્રાન્ડ બની શકો. તમારે નં. 1 બ્રાન્ડ બનાવવી પડે. જો તમે આ કરી શકતા હો તો મને નથી લાગતું કે તમને શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ બનાવવાથી કોઈ અટકાવી શકે. એક સુંદર ઉદાહરણ આપું.
કેડબરી બ્રાન્ડે પોતાનું ધ્યાન યુવાવર્ગ ઉપર કેન્દ્રિત કર્યું છે અને તેનાથી તેની લોકપ્રિયતા વધી છે. જાહેરાતમાં યુવાવર્ગને સીધી રીતે સાંકળી લેવાથી ડેરી મિલ્ક યુવાન વર્ગની બ્રાન્ડ થઈ ગઈ છે. ઉત્સવનો કોઈ પણ અવસર હોય તો ડેરી મિલ્ક ખાઓ. પરીક્ષામાં પાસ થઈ ગયા હો તો ડેરી મિલ્ક ખાઓ. ક્રિકેટ મૅચમાં કોઈ પણ જીતે, ડેરી મિલ્ક ખાઓ. દરેક સફળતા સાથે ડેરી મિલ્કને જોડવાથી બ્રાન્ડ સફળ થઈ ગઈ છે. ‘કુછ મીઠા હો જાએ’ એ જાહેરાતથી ડેરી મિલ્કને મીઠાઈના સ્વરૂપે પણ રજૂ કરવામાં આવી છે. જો પત્ની પ્રત્યે પ્રેમ હોય તો તેને રોજ ડેરી મિલ્ક ખવડાવો.
ડેરી મિલ્કની સફળતાની વાત કરીએ તો આજે ડેરી મિલ્ક વિશ્વમાં નંબર વન ચૉકલેટ બ્રાન્ડ છે. ભારતમાં પણ તે નંબર વન છે પરંતુ તમે એ જાણો છો કે આજે વિશ્વના 60થી વધારે દેશોમાં પહોંચી ગયેલી કેડબરી કંપની 1824માં બર્મિંગહામની એક નાની એવી દુકાનથી શરૂ થઈ હતી. તેના સંસ્થાપક એક સમયે કાઉન્ટર પર બેસી ડ્રિન્ક, ચૉકલેટ અને ચા-કૉફી વેચતા હતા. તેના સંસ્થાપક ‘જોન કેડબરી’ની સફળતા બતાવે છે કે દરેક મોટા વૃક્ષની શરૂઆત નાના બીજથી થાય છે.
મિલ્ક ચૉકલેટ બનાવવાનો વિચાર જોન કેડબરીના દીકરા જોર્જ કેડબરીના મનમાં આવ્યો. એ જમાનામાં સ્વિત્ઝર્લેન્ડમાં બનતી મિલ્ક ચૉકલેટ ઇંગ્લૅન્ડમાં પણ સારી એવી લોકપ્રિય હતી. જોર્જ કેડબરી નિષ્ણાતોની ટીમ સાથે મિલ્ક ચૉકલેટની ફૉર્મ્યુલા શોધવામાં લાગી ગયા. કેટલાંક વર્ષોની મહેનત પછી 1905માં ડેરી મિલ્ક તૈયાર થઈ. તમને નવાઈ લાગશે પરંતુ 1913 સુધી ડેરી મિલ્ક કંપનીની બેસ્ટ સેલિંગ બ્રાન્ડ બની ગઈ અને આજે લગભગ 100 વર્ષ પછી પણ તે નંબર 1 બ્રાન્ડ છે. 100 વર્ષના ગાળામાં ફૅશન બદલાઈ ગઈ, મશીનો બદલાયાં, દુનિયા બદલાઈ ગઈ પરંતુ કેડબરીએ ડેરી મિલ્કની રેસિપી ન બદલી.
શરૂઆતથી જ આ બ્રાન્ડે લોકોને પોતાની સાથે સાંકળી લીધા છે. ભારતમાં ચૉકલેટનું બજાર 16 અબજ રૂપિયાનું છે, જેમાં એકલી ડેરી મિલ્ક બ્રાન્ડનો ભાગ 30%થી ઉપર છે. ડેરી મિલ્કની 100 વર્ષની સફળતાનું મુખ્ય રહસ્ય તેની એકસરખી ક્વૉલિટી, તેનું નેટવર્ક અને ગ્રાહકોની પોતાની સાથે જકડી રાખવાની વ્યૂહરચનાને આભારી છે. આજે કેડબરીનું સામ્રાજ્ય 60થી વધારે દેશોમાં ફેલાયેલું છે. કહેવાનું તાત્પર્ય છે કે જો તમે લોકોને ઉત્તમ ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ આપો અને તમે જો જાણતાં હો કે તમારી પ્રોડક્ટ્સને લોકો સાથે કેવી રીતે સાંકળી રાખવી તો તમને નંબર વન બ્રાન્ડ બનતાં કોઈ નહીં રોકી શકે.
ubhavesh@hotmail.com

Most Popular

To Top