Dakshin Gujarat

દેશના 12 શહેરમાં અંકલેશ્વરમાં સૌથી વધુ પ્રદૂષણ, આંક 267 પર પહોંચ્યો

અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વારંવાર વાયુ પ્રદૂષણની (Pollution) બૂમ ઊઠી રહી છે. ત્યારે ફરી એકવાર વાયુ પ્રદૂષણ જોખમી આંકની પાસે પહોંચતાં સરકારી તેમજ સ્વૈચ્છિક પર્યાવરણીય સંસ્થાઓમાં ચિંતાનાં વાદળો ઘેરાયાં છે. રાષ્ટ્રીય એર ક્વોલિટી (Air Quality) ઇન્ડિયાના છેલ્લા આંકડા મુજબ દેશનાં 12 શહેરમાં સૌથી વધુ પ્રદૂષણ અંકલેશ્વરની હવામાં જોવા મળ્યું છે. જે ગુરુવારે 267 પર પહોંચ્યું છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પ્રદૂષણની માત્રામાં ઘટાડો જોવા નથી મળ્યો એ ખરેખર ગંભીર બાબત છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા છેલ્લા સત્તાવાર આંકડા મુજબ અંકલેશ્વર ઔધોગિક વસાહત તેમજ શહેરી વિસ્તારમાં વાયુ પ્રદૂષણમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાજેતરમાં જ અંકલેશ્વરની પ્રાથમિક પ્રાદેશિક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી તરફ્થી જાહેર કરાયેલા એક્ચ્યુલી એર ક્વોલિટીના આંકડા ટાંકીને માહિતી આપવામાં આવી છે કે, અંકલેશ્વરની હવામાન નિયત માત્રા કરતાં વધુ માત્રામાં પ્રદૂષણ જોવા મળ્યું છે.

એર ક્વોલિટી ઇન્ડેક્સના જણાવ્યા મુજબ પ્રદૂષણની લઘુત્તમ તેમજ મહત્તમ જે સીમા આંકવામાં આવી છે, એ હાલ અંકલેશ્વરના વાતાવરણમાં મહત્તમની ધીમે ધીમે નજીક પહોંચવાની તૈયારીમાં હોય એવું આંકડા પરથી લાગી રહ્યું છે. પ્રદૂષણની માત્રાનાં ધારાધોરણ અનુસાર હવામાન એની લઘુત્તમ માત્રા ૧૮૯ તેમજ મહત્તમ માત્રા ૩૨૮ નિયત કરવામાં આવી છે. તા.૨૧મી નવેમ્બરે જાહેર થયેલા સત્તાવાર આંકડા મુજબ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પ્રદૂષકોની માત્રા 14 ઓક્ટોબરે 267 પર પહોંચી છે.

લોકોને શ્વાસ લેવામાં તકલીફ તેમજ ગળાની બીમારી પણ સર્જાવાની ભીતિ
રિપોર્ટમાં વાયુ પ્રદૂષણની માત્રા વધતાં લાંબા સમય સુધી આવા વાતાવરણમાં રહેનારા લોકોને શ્વાસ લેવામાં તકલીફ તેમજ ગળાની બીમારી પણ સર્જાવાની સ્પષ્ટ ભીતિ દર્શાવવામાં આવી છે. સાથે જ આ હવામાનમાં લાંબા સમય સુધી રહેવાથી ત્વચાની બીમારી જેમ કે કેન્સર પણ થઈ શકે છે એવી પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે.

મોનિટરિંગ સિસ્ટમ અને મોનિટરિંગ ટીમની કામગીરી પર સવાલ
અંકલેશ્વરમાં વાયુ પ્રદૂષણની માત્રા વધતા ખાસ કરીને જનઆરોગ્ય પર તેની ગંભીર અસરો સર્જાય એવી પણ શક્યતા જોતાં ઉદ્યોગકારો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ તથા અંકલેશ્વર ઉદ્યોગ મંડળે તાત્કાલિક આ અંગે ગંભીર પગલાં લેવાનો વખત આવી ગયો છે. અંકલેશ્વરના વાતાવરણમાં પ્રદૂષણની માત્રા વધતાં અંકલેશ્વર ઉદ્યોગમંડળ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાનિક કચેરી દ્વારા મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે તેમજ ટીમ તેનાત કરીને રોજેરોજ કોઈ ઉદ્યોગકારદ્વારા પ્રદૂષિત વાયુ છોડવામાં નથી આવતો ને એની પણ તકેદારી લેવાઈ રહી છે. પરંતુ આ આંકડા જોતાં આ મોનિટરિંગ સિસ્ટમ અને મોનિટરિંગ ટીમની કામગીરી પર સવાલો ઊભા થઇ રહ્યા છે.

Most Popular

To Top