Charotar

બોરસદ પાલિકાએ વેરા વસુલાત માટે 600 બાકીદારોને નોટિસ ફટકારી, 30 મિલકત સીલ 

બોરસદના મિલકતધારકો પાસેથી વેરા વસુલાતના રૂા. 6.99 કરોડના માગણા સામે રૂા. 3.63 કરોડની વસૂલાત કરાઇ

(પ્રતિનિધિ) બોરસદ તા 5

બોરસદ નગરપાલિકામાં આવેલા મિલ્કત ધારકોને વેરા વસૂલાત માટે નોટીસો ફટકારવામાં આવી છે. તેમજ પાલિકાએ કડકાઈથી કામગીરી કરતાં 30 કરતાં વધુ મિલ્કત સીલ કરવામાં આવી છે. પાલિકાની કડકાઈપૂર્વકની વસુલાત કામગીરી પગલે સમગ્ર શહેરમાં બોરસદના બાકીદારો માં ફફડાટ વ્યાપી ગયો છે. 

 બોરસદ પાલિકા સુપરસીડ થયા બાદ ઘણા સમયથી વહીવટદારનુ શાસન છે. હાલ પ્રાંત અધિકારી બોરસદને વહીવટદાર તરીકેનો ચાર્જ સોંપવામાં આવેલ છે. વર્તમાન વહીવટદાર અને ચીફ ઓફિસર સહિત પાલિકા ટીમ દ્વારા વેરા વસુલાતની નોંધપાત્ર કામગીરી કરવામાં રહી છે. બોરસદ નગરપાલિકા વર્ષ 2023-24 નું કુલ માંગણું 6.99 કરોડ છે. ચાલુ સાલે પાલિકા દ્વારા 3.63 કરોડની વસૂલાત કરી 77.25 ટકાની વેરા વસુલાત કરવામાં આવેલ છે.

બોરસદમા કડકપણે વેરા વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે . શહેરમાં 600થી વધુ બાકીદારોને નોટિસો આપ્યા બાદ મિલકતોને સીલ કરવાની કાર્યવાહી આરંભમાં આવી હતી. જેમાં 30થી વધુ મિલકતોને સીલ મારવામાં આવી હતી. જોકે પાલિકાની કડકાઈપૂર્વકની વસુલાત કામગીરી પગલે બાકીદારો પાસેથી તાત્કાલિક સ્થળ ઉપરથી જ 3.50 લાખની વસૂલાત આવી હતી. મિલકતો સીલ મારવામાં આવી છે તે મિલકતદારોને તેમની મિલકતમાં બોજો પાડ્યા બાદ પણ વેરો ના ભરે તો કાર્યવાહી કરી મિલકતની જાહેર હરાજી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

બોરસદ પાલિકા દ્વારા 10 હજારથી વધુ રકમનો વેરો બાકી હોય તેવા 600 થી વધુ બાકીદારોને વાંરવાર નોટિસ આપવા છતાં વેરો ભરપાઈ કરવામાં ઉદાસીનતા દાખવતા હતા. ત્યારે આ તમામ બાકીદારોને છેલ્લી નોટિસ આપી વેરા વસુલાતની કડક ઝુબેશ શરૂ કરવામાં આવી હતી. પાલિકાની ટીમ દ્વારા બાકીદારોની મિલ્કત સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 30 જેટલી મિલકતોને પાલિકા દ્વારા વારાફરતી સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા જ તાત્કાલિક 7 બાકીદારોએ 3.50 લાખ સ્થળ પર જ ભરી દેતા પાલિકાએ વસૂલ કર્યા હતા.

Most Popular

To Top