Charotar

મોગરમાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ

આણંદના સામરખા ગામના શખ્સે પિયરમાં રહેલી પત્નીને સમજાવવા ગયો હતો

પતિના માતા બિમાર હોવાથી તેની સેવા માટે પિયર ગયેલી પત્નીને લેવા ગયો હતો

(પ્રતિનિધિ) આણંદ તા.5

આણંદના મોગર ગામમાં પિયરમાં રહેતી પત્નીને સમજાવવા તેનો પતિ આવ્યો હતો. જોકે, પત્નીએ જવા માટે આનાકાની કરી હતી. જેથી ઉશ્કેરાયલા પતિએ તેની સાથે ઝઘડો કરી તેની હત્યા કરી નાંખી હતી. આ કેસમાં કોર્ટે પતિને આજીવન કેદની સજા ફટકારી હતી.

આણંદના મોગર ગામના શનાપુરામાં રહેતા વિજય કાભઇભાઇ જાદવના બહેન ગીતાબહેન ઉર્ફે સુમિત્રા (ઉ.વ.42)ના બીજા લગ્ન રમેશ ચતુરભાઈ મકવાણા (રહે.સામરખા, આણંદ) સાથે થયાં હતાં. જોકે, આ લગ્ન બાદ ગીતાબહેન તથા રમેશ તેમના બે બાળકો સાથે મોગર જ રહેતાં હતાં અને વાર – તહેવારમાં સામરખા ગામમાં સાસરીમાં જતાં હતાં. દરમિયાનમાં ફેબ્રુઆરી-2022માં રમેશ મકવાણાના માતા બિમાર પડ્યાં હતાં. આથી, રમેશ સામરખા ગામમાં તેમના માતાની સેવા માટે જવાની તૈયારી કરી હતી. આથી, તેઓએ 1લી ફેબ્રુઆરી,2022ના રોજ ગીતાબહેનને જણાવ્યું હતું કે, મારી બા બિમાર છે. જેથી તું મારી સાથે સામરખા આવ. જોકે, ગીતાબહેને તે સમયે કાલે બપોરના જમીને જશું તેમ જણાવ્યું હતું. આથી બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં રાત્રે જમી પરવારીને સુઇ ગયાં હતાં અને બીજા દિવસે 2જી ફેબ્રુઆરી,2022ના રોજ સવારના આઠેક વાગે રમેશ મકવાણા સામરખા જવા બાબતે ફરી ઝઘડો કર્યો હતો. જેમાં રમેશ ઉશ્કેરાઇ પણ ગયો હતો. આ ઝઘડા બાદ ગીતાબહેન કપડાં ધોવા માટે કુવે જવા નિકળ્યાં હતાં. તેની પાછળ રમેશ પણ ગયો હતો. આ દરમિયાન રમેશ પણ કુવે પહોંચ્યો હતો. જ્યાં ફરી રમેશ અને ગીતાબહેન વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં રમેશે ગળુ દબાવી ગીતાબહેનની હત્યા કરી નાંખી હતી અને તેની લાશ દિવેલાના ખેતરમાં ફેંકી દીધી હતી. આ અંગે વાસદ પોલીસે રમેશ ચતુર મકવાણા (રહે.સામરખા) સામે ગુનો નોંધી તે જ દિવસે સાંજે તેની ધરપકડ કરી હતી.

વાસદ પોલીસે જરૂરી કાર્યવાહી બાદ ચાર્જશીટ આણંદ કોર્ટમાં રજુ કરી હતી. જ્યાં સરકારી વકિલ વી. બી. મહીડાની દલીલ, પુરાવા અને સાક્ષીની જુબાની ધ્યાને રાખી ન્યાયધિશે રમેશ ચતુર ઝાલા (મકવાણા)ને હત્યાનો આરોપી ઠેરવી આજીવન કેદની સજા તેમજ રૂ.પાંચ હજારનો દંડ અને દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો.

Most Popular

To Top