Charotar

બોરસદ કોર્ટમાં ન્યાયધિશ પર હુમલો

બપોરે રીસેસના સમયે બે અજાણ્યા શખ્સો ચેમ્બરમાં ઘુસી ગયાં

બોરસદ કોર્ટમાં શુક્રવારના રોજ બપોરના સુમારે ન્યાયધિશ પર બે શખ્સે હુમલો કર્યાના બનાવથી ચકચાર મચી ગઈ હતી. રિસેસ સમયે ચેમ્બરમાં ઘુસી આવેલા બે શખ્સે ટીપોઇ ફેંકી હતી. આ ઘટનાની ગંભીરતાના પગલે પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરા આધારે તપાસ હાથ ધરી છે.

બોરસદ કોર્ટમાં એડીશ્નલ ચીફ જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ એમ.ડી. નંદાણી શુક્રવારના રોજ બપોરના રીસેસ સમયે પોતાની ચેમ્બરમાં બેઠાં હતાં. તેમનો પ્યુન ચા લેવા ગયો હતો. તે સમયે અચાનક બે અજાણ્યા યુવક ન્યાયધીશ એમ.ડી. નંદાણીની ચેમ્બરમાં ઘુસી આવ્યાં હતાં. હજુ ન્યાયધીશ કંઇ પુછે તે પહેલા આ બન્ને શખ્સોએ અપશબ્દ બોલી માથામાં હાથ વડે મુક્કા મારી શર્ટના બટન તોડી નાંખ્યાં હતાં. બાદમાં ટીપોય ફેંકવા જતાં તોડી નાંખી હતી. આ ઉપરાંત મારી નાંખવાની ધમકી આપી હતી. બાદમાં બન્ને યુવક ભાગી ગયાં હતાં. આ અંગે કોર્ટના રજીસ્ટ્રાર એલ.એ. પંચોલીએ બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં દોડધામ મચી ગઈ હતી.

આ બનાવ સંદર્ભે ઉચ્ચ કક્ષાએ જાણ કરતાં એલસીબી, એસઓજી તથા સ્થાનિક ડી સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી હુમલાખોરોની ઓળખ માટે ચક્રોગતિમાન કર્યાં હતાં. આ બનાવના સમગ્ર કોર્ટ પરિસરમાં ઘેરા પડઘા પડ્યાં હતાં.

Most Popular

To Top