Top News

More Posts

   The Latest

Most Popular

એન્જોયમેન્ટ દરેકને ગમે છે અને હાલમાં જ આપણે સૌએ દિવાળીની ઉજવણી કરી. આજના બદલાતા જમાનામાં એ વાત ઉડીને આંખે વળગે એવી જોવામાં આવી છે કે, આજકાલના યંગસ્ટર્સ તો ઠીક પણ ટીનએજર પણ એટલા જ ફ્રેંડ્સ ઘેલા બન્યા છે. જો કે એટલું સારું છે કે, હજુ પણ વડીલોનું માન રાખવા માટે તેઓ પરંપરાગત રીતે ઉજવણી કરી લે છે. પણ 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીની ઉજવણી તેમને એટ્રેક્ટિવ કરે જ છે અને એનું ચલણ પણ આજે વધી રહ્યું છે. ત્યારે આજે આપણે કેટલાક યંગ સ્ટર્સ સાથે વાત કરીને એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે તેમને કેવા પ્રકારની ઉજવણીમાં વધુ મજા આવે છે.

1 દિવસની મજા ને 5 દિવસની ઉજવણીમાં ફર્ક છે : કેશા દેસાઇ
કેશા દેસાઇ એક કંપનીમાં જોબ કરવાની સાથે જ નાટ્યક્ષેત્ર સાથે પણ સંકળાયેલી છે જેથી દરેક ફેસ્ટિવલને નજીકથી માણવાની એને વધુ મજા આવે છે. કેશા કહે છે કે, 1 જાન્યુયારીએ કરવામાં આવતી 1 દિવસની મજા અને દિવાળીની 5 દિવસની મજામાં ફર્ક છે. અમે તો છેલ્લા 6-7 વર્ષોથી કોલેજનું 25 થી 30 વ્યક્તિઓનું ગ્રૂપ મળીને એક ફ્રેન્ડના ઘરે જ દિવાળી પાર્ટી કરીએ છીએ. જેમાં અમે તમામ મિત્રો ટ્રેડિશનલ ડ્રેસિંગ કરીએ છીએ તથા ત્યાં ઢોલીને બોલાવીને ડાન્સ કરવાની સાથે જ પરંપરાગત નાસ્તા અને ફટાકડા ફોડવાની મજા લઈએ છીએ. 1 જાન્યુઆરીની વાત કરતાં કેશા કહે છે કે એ એક દિવસની ઉજવણી મને આ 5 દિવસની ઉજવણી સામે ફિકિ લાગે છે પણ તેમ છ્તા એ દિવસે અમે બધા ભેગા થઈને ડિનરનો પ્રોગ્રામ તો બનાવીએ જ છીએ. કારણ કે સુરતીઓને તો ઉજવણી કરવાનું બહાનું જ જોઈતું હોય છે. જો કે આજે પણ મને દિવાળીની બોણીમાં મળતા પૈસાની ઇંતેજારી નાના બાળકની જેમ જ રહે છે કારણ કે એ મને બાળપણમાં મારા વડીલો તરફથી મળતા આશીર્વાદની યાદ અપાવે છે.’

ન્યુ યર એન્જોય કરવું હોય તો મિત્રો સાથે: ધ્રુવમ જોષી
બાલાજી રોડ ખાતે રહેતા ધ્રુવમ જોષી સાથે વાત કરતાં તેણે જણાવ્યુ કે ‘અમારા જેવા યંગ સ્ટર્સને ઉજવણીની ખરી મજા તો મિત્રો સાથે જ આવે છે જેથી હું તો દિવાળીની ઉજવણી ફૅમિલી સાથે કરી લઉં પણ ન્યુ યર સેલિબ્રેશન માટે 1 જાન્યુઆરીના રોજ મિત્રો સાથે પ્લાનિંગ તો હોય, કારણ કે મિત્રો સામે તમારે કોઈપણ ફોર્મલિટીની જરૂર નથી પડતી. અમે 1 જાન્યુઆરીના રોજ બધા ભેગા થઈને ન્યૂ યર સેલિબ્રેટ કરીએ છીએ જેમાં અમે બધા સ્કૂલથી લઈને કોલેજ સુધીના મિત્રો ભેગા મળીને ધમાલ તો કરીએ જ, સાથે ડાન્સ અને જમવાનું તો હોય જ. હું એવું માનું છુ કે ફેમિલી લાઈફ માટે પરંપરા જાણવી જરૂરી છે અને એને માન પણ આપું છુ પણ જ્યારે જવાબદારીમાં બંધાઈ જઈશું ત્યારે ઇંજોયમેંટની આવી મજા નહીં આવે.’

સનાતન ધર્મમાં જ માનું છુ: અંકિત ઝા
ગોપીપુરામાં રહેતા અને MR તરીકે જોબ કરતાં અંકિત ઝા કહે છે કે, હું તો આપણાં હિન્દુ સનાતન ધર્મમાં માનું છુ જેથી હું તો દિવાળીના તમામ દિવસોમાં પરિવાર સાથે જ ઉજવણી કરું છુ. દિવાળીમાં મારા ઘરે દરેક દિવસો મુજબ પુજા અર્ચના થતી હોય છે જેમાં શ્રધ્ધાપૂર્વક ભાગ લઉં છુ.1 જાન્યુઆરીની ઉજવણી અંગે અંકિત કહે છે કે આપણાં હિંદુઓનું નવું વર્ષ ગુજરાતી માસ પ્રમાણે જ શરૂ થતું હોય છે જેમાં ધાર્મિક પરંપરા જોડાયેલી હોય છે, જ્યારે 1 જાન્યુઆરી એ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે શરૂ થતું નવું વર્ષ છે જેની સાથે આપની કોઈ પરંપરા જોડાયેલી હોતી નથી જેથી 1 જાન્યુઆરીની ઉજવણીથી હું તો દૂર જ રહું છુ અને મારા મિત્રોને પણ કારતક સુદ એકમના રોજ જ નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છુ.’

ફેમિલી અને ફ્રેંડ્સ સાથે બેલેન્સિગ રાખું છુ: વિશ્વા ચાવડા
જહાંગીરબાદ વિસ્તારમાં રહેતી વિશ્વા ચાવડા કહે છે કે મને તો દિવાળી પહેલા જે ઘરમાં તૈયારીઓ થાય એમાં વધારે મઝા આવે છે. ઘરની સાફ સફાઈ, નાસ્તા, શોપિંગ અને ફરવા જવાના પ્લાનિંગથી એક્સાઈટેડ થઈ જાઉં છુ. પછી નવા વર્ષે અમે મિત્રો એકબીજાને સોશ્યલ મીડિયાના માધ્યમથી જ એકબીજાને વિશ કરી દઈએ છીએ કારણ કે ત્યારે દરેક મિત્રો ફેમિલી સાથે બીઝી હોય છે, પણ પછી મિત્રો સાથે ન્યુ યર એંજોયમેંટની કસર અમે 1 જાન્યુઆરીએ પૂરી કરી લઈએ છીએ. કારણ કે ફેમિલી સાથે પરંપરા તો નિભાવવી જ પડે અને જેની સાથે આપણે ખૂલીને હળીમળી શકીએ એવા મિત્રો સાથેની મજા જ કઈક અલગ જ હોય છે જેથી પરિવાર સાથે હિન્દુ નવું વર્ષ ઉજવ્યા બાદ અમે બધા મિત્રો મળીને 1 જાન્યુઆરીમાં શું કરવું અને ક્યાં જવું એ નક્કી કરવામાં લાગી જઈએ છીએ. ઘણીવાર અમે સુરતની નજીકની જ કોઈક જગ્યા પસંદ કરીએ છીએ જ્યારે કેટલીકવાર સુરતમાં જ ડુમસ કે પછી કોઈ સારી રેસ્ટોરાંમાં કરવામાં આવેલા પ્રોફેશનલ આયોજનમાં ભેગા થઈને સેલિબ્રેટ કરીએ છીએ.

To Top