National

જેલની બહાર આવ્યા કેજરીવાલ, કોર્ટની આ શરતોનું પાલન કરવું પડશે, CM ઓફિસ નહીં જઈ શકે

નવી દિલ્હી: (New Delhi) સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપવાનો ચુકાદો આપ્યો છે. આ દરમિયાન કોર્ટે તેમને ઘણી શરતો સાથે જામીન આપ્યા છે. અદાલતે ચૂંટણી પ્રચાર માટે તેમના પર કોઈ નિયંત્રણો લાદ્યા નથી પરંતુ કેટલીક શરતો છે જેનું જામીન સમયગાળા દરમિયાન પાલન કરવું જરૂરી છે. દરમિયાન શુક્રવારે સાંજે કેજરીવાલ તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. તેઓ તિહારથી સીધા પોતાના ઘરે ગયા હતા. તેમના સ્વાગત માટે તેમની પત્ની સુનીતા કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ પહેલા સુપ્રીમ કોર્ટમાંથી કેજરીવાલના જામીનની ઓર્ડર કોપી તિહાર પહોંચી હતી.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આખરે 50 દિવસ બાદ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે સીએમ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. તેઓએ 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ અરવિંદ કેજરીવાલ લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરી શકશે. સીએમ કેજરીવાલ માત્ર 21 દિવસ માટે પ્રચાર કરી શકે છે કારણ કે તેમને 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે.

  • સુપ્રીમ દ્વારા આ શરતો લાદવામાં આવી
  • સીએમ કેજરીવાલ દિલ્હી સચિવાલય નહીં જઈ શકે
  • કેજરીવાલ આ કેસમાં કોઈ સાક્ષીને મળશે નહીં
  • કેજરીવાલ સીએમ ઓફિસ પણ નહીં જઈ શકે
  • કેજરીવાલ કોઈ ફાઇલ પર સહી નહીં કરી શકે
  • તે આ કેસમાં તેમની ભૂમિકા અંગે કોઈ નિવેદન નહીં આપી શકે

50 હજારના બોન્ડ ભરવાના રહેશે
કેજરીવાલે જામીન પર બહાર આવવા માટે 50,000 રૂપિયાના જામીન બોન્ડ ચૂકવવા પડશે. આ સમયગાળા દરમિયાન તેઓ તેમની સરકારી કચેરીઓની મુલાકાત લેશે નહીં. જ્યાં સુધી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી મેળવવી જરૂરી ન હોય ત્યાં સુધી તે સત્તાવાર ફાઇલો પર સહી કરશે નહીં.

સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી

  1. અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલ વચગાળાના જામીનને તેમની સામેના કેસની યોગ્યતા પર આપવામાં આવેલ અભિપ્રાય તરીકે ગણવામાં આવવો જોઈએ નહીં.
  2. કેજરીવાલ પર ગંભીર આરોપો છે, પરંતુ તેમને હજુ સુધી દોષિત ઠેરવવામાં આવ્યા નથી.
  3. તેમનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી, ન તો તે સમાજ માટે ખતરો છે.
  4. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સર્વગ્રાહી અને ઉદાર અભિગમ યોગ્ય છે.
  5. કેજરીવાલ દોઢ વર્ષ માટે બહાર હતા. તેમની ધરપકડ (ED દ્વારા) વહેલા કે પછી થઈ શકી હોત, પરંતુ એવું થયું નહીં.

બીજી તરફ કેજરીવાલને જામીન મળવાને કારણે આમ આદમી પાર્ટીમાં જશ્નનો માહોલ છે. સીએમને જામીન મળ્યા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે. પાર્ટી તેને સત્યની જીત ગણાવી રહી છે. ઉપરાંત શુક્રવારે અરવિંદ કેજરીવાલને તેમની પત્ની સુનીતા કેજરીવાલ અને કેજરીવાલના નજીકના મિત્ર બિભવ મળ્યા હતા. મિટિંગનો સમય પહેલાથી જ બપોરે 2 વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો હતો. જ્યારે કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા ત્યારે તેઓ તેમની પત્ની સુનીતા કેજરીવાલ અને બિભવને મળવામાં વ્યસ્ત હતા.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ કેજરીવાલનું સ્વાગત કરવા તિહાર જેલની બહાર પહોંચ્યા હતા. AAP નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે માત્ર કાર્યકર્તાઓ જ નહીં પરંતુ દેશના કરોડો લોકો આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. અરવિંદ કેજરીવાલની મુક્તિ સમગ્ર ઇંડિ ગઠબંધન માટે ગેમ ચેન્જર સાબિત થશે. બીજેપી સમજી ગઈ છે કે અરવિંદ કેજરીવાલના છૂટવાથી તે રાજ્યોમાં પણ મોટું નુકસાન થવાનું છે જ્યાં AAP પણ લડી રહી નથી.

Most Popular

To Top