SURAT

ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા દિલ્હીમાં થયેલી આ જાહેરાતથી હીરા ઉદ્યોગકારો ચોંકયા

સુરત: નવી દિલ્હીમાં (New Delhi) વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે લેબગ્રોન ડાયમંડ (Diamond) મેન્યુફેક્ચર્સ સાથેની બેઠકમાં ભારતની નવી ઉભરતી ઇન્ડસ્ટ્રી તરીકે લેબગ્રોન ડાયમંડને ગણાવી લેબ ગ્રોન ડાયમંડ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત (Gujarat) સરકારની પ્રશંસા કરી હતી, ખાસ કરીને વીજળી કાયદાની જોગવાઈઓ હેઠળ 5 વર્ષ માટે ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી પર 100 ટકા મુક્તિ આપીને લૅબ ગ્રોન ડાયમંડ્સ (એલજીડી) ઉદ્યોગ માટે વીજળીના દર, ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય અને આચાર સંહિતા લાગુ પડે એ પેહલા પિયુષ ગોયલે દિલ્હીમાં જાહેરાત કરી હીરા ઉદ્યોગકારોને ચોંકાવ્યા છે.

ગોયલે ઉદ્યોગોને સહાય માટે 2022ની આત્મનિર્ભર ગુજરાત યોજનાઓ અંતર્ગત લેબગ્રોન ડાયમંડને એક થ્રસ્ટ સેક્ટર તરીકે માન્યતા આપવા બદલ ગુજરાત સરકારની પ્રશંસા કરી હતી. ગુજરાત સરકાર દ્વારા ‘ઔદ્યોગિક મશીનરી અને ઉપકરણો’ અને ‘ઇલેક્ટ્રિકલ મશીનરી અને ઇક્વિપમેન્ટ’ને પણ થ્રસ્ટ સેક્ટર્સ તરીકે ગણવામાં આવ્યા છે, જેનો લાભ કલ એલજીડી રિએક્ટર ઉત્પાદકો લઈ શકે છે.

લૅબ ગ્રોન ડાયમંડ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે પાવર કોસ્ટ, ઇન્ટરેસ્ટ કોસ્ટ અને ટેક્સમાં રાહતો, એલજીડી માટે સ્વદેશી ટેકનોલોજી વિકસાવવા માટે સંશોધન અને વિકાસને ટેકો, વર્તમાન કાર્યબળ માટે કૌશલ્ય અપગ્રેડેશનને પ્રોત્સાહન આપવા માટે કૌશલ્ય વિકાસને ટેકો આપવાનો સમાવેશ થાય છે.

વીજળીના દરને ઘટાડવા માટે રૂ. 5 લાખ સુધીની એલટી-એચટી સર્વિસ લાઇન માટે ડિસ્ટ્રિબ્યુશન લાઇસન્સ પર ચૂકવવામાં આવતા ચાર્જિસનાં 35 ટકા ઔદ્યોગિક એકમો પણ મેળવી શકશે. અન્ય એક પ્રોત્સાહન ઓફરમાં ઇપીએફના એમ્પ્લોયરનાં યોગદાનનું 100 ટકા મૂળ પગારના 12 ટકા સુધીનું અથવા 10 વર્ષના ગાળા માટે દર મહિને રૂ. 1800, બેમાંથી જે ઓછું હોય તે વળતરનો સમાવેશ થાય છે.

એમએસએમઇ, મોટા અને મેગા પ્લેયર્સને 100 ટકા સુધી વ્યાજ સબસિડી અને ચોખ્ખું એસજીએસટી વળતર પણ ઓફર કરવામાં આવે છે. મેગા એકમો 20 વર્ષમાં કેપિટલ ગુડ્સ પર કેપિટલ ઇનપુટ ટેક્સના 100 ટકા વળતર માટે ક્લેમ કરી શકે છે. ટેકનોલોજી એક્વિઝિશન માટે રૂ. 50 લાખ સુધી, કિંમતના 65 ટકા જેટલી પણ સહાય પૂરી પાડવામાં આવી રહી છે, જેમાં વિદેશી કંપની પાસેથી પેટન્ટ ટેકનોલોજી હસ્તગત કરવામાં આવી છે એનો સમાવેશ થાય છે. બજારના વિકાસ માટે એમએસએમઇને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં સામેલ થવા માટે સહાયતા પ્રદાન કરવામાં આવી રહી છે. 3 વર્ષ માટે દર વર્ષે રૂ. 1 લાખ સુધી 65 ટકા સુધીની ભાડાની સહાય પણ ઓફર કરવામાં આવી રહી છે. સરકાર ઔદ્યોગિક સંગઠનો તેમજ વ્યક્તિગત સાહસો અને નાણાકીય સહાય મારફતે કૌશલ્ય વિકાસ માટે સંશોધન અને વિકાસને ટેકો આપવામાં આવશે. આ બેઠકમાં જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ના સભ્યો,લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચર્સ એસોના આગેવાનો હાજર રહ્યાં હતાં.

Most Popular

To Top