National

બંગાળમાં મમતા બેનરજીની હાર પર કુમાર વિશ્વાસનો કટાક્ષ, કહ્યું- ‘અતિ સર્વત્ર વર્જયતે’ અર્થાત્ પ્રજા અતિનો જવાબ આપે છે

પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ રાજ્યના રાજકારણમાં ભારે હલચલ જોવા મળી રહી છે. 15 વર્ષ બાદ મમતા બેનરજીનું શાસન ખતમ થવા જઈ રહ્યું છે અને હવે ભાજપ રાજ્યમાં પહેલીવાર સરકાર બનાવવાની તૈયારીમાં છે. આ દરમિયાન જાણીતા કવિ અને રાજકીય ટિપ્પણીકાર કુમાર વિશ્વાસનું નિવેદન ભારે ચર્ચામાં આવ્યું છે. તેમણે ભાજપને સત્તા સંભાળતા પહેલા એક મહત્વની સલાહ આપી છે. કુમાર વિશ્વાસે કહ્યું કે બંગાળમાં મળેલી આ જીત સામાન્ય રાજકીય જીત નથી, પરંતુ હજારો કાર્યકરોના સંઘર્ષ, બલિદાન અને લાંબી લડતનું પરિણામ છે. તેથી સરકાર બનાવતી વખતે એવા લોકોને મહત્વ ન આપવું જોઈએ, જેઓ ફક્ત સત્તા માટે પક્ષ બદલતા રહે છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઘણા લોકો પહેલા ડાબેરી પક્ષોમાં હતા, ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા અને હવે ભાજપમાં આવવાની તૈયારીમાં છે. આવા તકવાદી લોકો જો ફરીથી સત્તાની નજીક આવી જશે તો બંગાળની જનતાની સમસ્યાઓ ક્યારેય સમાપ્ત નહીં થાય. તેમણે ભાજપને ચેતવણી આપતા કહ્યું કે સત્તા માટે રંગ અને વેશ બદલનારા લોકો સામે સાવધાન રહેવું પડશે. કુમાર વિશ્વાસે ભારપૂર્વક જણાવ્યું કે બંગાળમાં ભાજપના અસલી કાર્યકરો, જેઓ વર્ષોથી મેદાનમાં લડ્યા છે, તેમની અવગણના ન થવી જોઈએ. તેમના મતે, નવી સરકારમાં સંઘર્ષ કરનારા લોકોને યોગ્ય સ્થાન મળવું ખૂબ જ જરૂરી છે.

મમતા બેનરજીની હાર અંગે પણ કુમાર વિશ્વાસે તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે લોકશાહીમાં જે પક્ષ પાસે બહુમતી હોય તેને જ સત્તા મળવી જોઈએ અને રાજ્યપાલે પણ બંધારણીય પરંપરાનું પાલન કરવું જોઈએ. તેમણે મમતાને પરાજય બાદ આત્મમંથનની સલાહ આપતા કહ્યું કે શરૂઆતમાં તેમણે જે તત્વો સામે લડત શરૂ કરી હતી, સમય જતાં એ જ લોકો તેમની પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે જ્યારે કોઈ નેતા સતત સમાજની લાગણીઓને અવગણે છે અને સત્તામાં અતિ કરે છે ત્યારે જનતા એક દિવસ તેનો જવાબ જરૂર આપે છે. “અતિ સર્વત્ર વર્જયતે” નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે મમતાની હાર એ જ પ્રકારનો જનમતનો જવાબ છે. કુમાર વિશ્વાસે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે બે મહિના પહેલા બંગાળમાં તેમના પાંચ કાર્યક્રમો કોઈ સ્પષ્ટ કારણ વગર રદ કરવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસ દ્વારા ખાનગી સ્થળે પણ કાર્યક્રમ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. તેમના મતે, આ પ્રકારની કાર્યવાહી લોકશાહી માટે યોગ્ય નથી.

હવે ભાજપ 9 મેના રોજ બંગાળમાં નવી સરકારના શપથ ગ્રહણની તૈયારીમાં છે. 207 બેઠકો સાથે મળેલી આ પ્રચંડ જીત ભાજપ માટે ઐતિહાસિક માનવામાં આવી રહી છે. રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના અનેક ટોચના નેતાઓ હાજર રહી શકે છે. રાજ્યમાં સુરક્ષાની કડક વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસમાં હાર બાદ આંતરિક મથામણ શરૂ થઈ ગઈ છે. કુમાર વિશ્વાસની આ ટિપ્પણીઓ હવે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. ખાસ કરીને તકવાદી નેતાઓથી સાવધાન રહેવાની તેમની સલાહને ભાજપ કેવી રીતે લે છે, તેના પર સૌની નજર છે.

Most Popular

To Top