Dakshin Gujarat

અંબાચ ગામે ખેતર ખેડતા ટ્રેકટર ઊંધું વળી જતા ટ્રેકટર ચાલકનું મોત

ધેજ: ચીખલી તાલુકાના કાકડવેલ વડ ફળીયા ખાતે રહેતા મહેશ અમ્રતભાઈ પટેલ પોતાના કબ્જાનું ટ્રેકટર (Tractor) લઈ અંબાચ ગામે રહેતા સવિતાબેન પટેલનું ખેતર ખેડવા માટે ગયા હતા.અને ખેતરની એક ક્યારી ખેડી બીજી ક્યારી ખેડવા જતા હતા. દરમ્યાન પોતાના કબ્જાનું ટ્રેકટર બેફિકરાઈથી ચલાવી લાવી ટ્રેકટર ઊંધું વળી જતા ચાલક મહેશ પટેલ ટ્રેકટર નીચે દબાઈ જતા જમણા પગના ભાગે તેમજ છાતીના ભાગે ગુપ્ત માર વાગતા રૂમલા સીએચસી ખાતે લઈ જઈ પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે વલસાડ(Valsad) સિવિલ હોસ્પિટલમાં (Hospital) લઈ જતા બુધવારની રાત્રીના સમયે તબીબે મૃત જાહેર કરતા બનાવની ફરિયાદ મિલન મહેશભાઈ પટેલ એ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. જો કે, ખેતરમાં ટ્રેક્ટર ચલાવતી વખતે સલામતિનું ધ્યાન રાખવું જરૂરી છે.

પારડીના નેવરી ગામે ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત
પારડી : પારડી તાલુકાના નેવરી ગામે ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નેવરી ગામે મંદિર પાસે ટેમ્પો અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જોકે મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મોટરસાયકલ ચાલક બાબરખડક ગામના વાડી ફળિયાનો રહેવાસી હતો. જ્યારે ટેમ્પો ડહેલી ગામનો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. અકસ્માત અંગે પોલીસ મથકે જાણ કરવામાં આવતા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

એસીડીટીની દવા લેવા નીકળેલા ગણદેવીના યુવકનું મોત
ગણદેવી : ગણદેવીના જલારામ મંદિર સામે સુગર ફેક્ટરી ચાર રસ્તા ઉપર બુધવાર મોડી સાંજે ટાટા ટેન્કર ચાલકે ટક્કર મારતા મોપેડ સવાર યુવાનનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નિપજ્યું હતું. જેને કારણે સર્કલ ઉપર બમ્પર મૂકવાની માંગ ઉઠી હતી.ગણદેવી નાની તાઈવાડમાં રહેતો ચોત્રીસ વર્ષીય રિયાઝ અહમદ બુધવારે સાંજે એસીડીટીની દવા લેવા નીકળ્યો હતો. અને દવા લઈ સવા આઠેક કલાકના અરસામાં ઘરે પરત ફરતો હતો.

મોપેડ સવાર યુવાનનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત
તે દરમિયાન જલારામ મંદિર સામે ટાટા ટેન્કર નં.જીજે 21 વાય 0439 ના ચાલકે આ યુવાનના મોપડે નં.જીજે 15 ડી 1056 ને ટક્કર મારી હતી. તે દરમિયાન ટેન્કરનું તોતિંગ પૈડુ મોપેડ ચાલક રિયાઝ અહમદ મુલ્લાના માથા ઉપરથી ફરી વળ્યું હતું. લોહીલુહાણ હાલતમાં તે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ કરુણ મોત થયું હતું. બીજી તરફ અકસ્માત સર્જી ટેન્કર ચાલક ફરાર થયો હતો. સમગ્ર મામલે મૃતકના પિતા અબ્દુલ મુનાફ અબ્દુલ હમીદ મુલ્લાએ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top