Charotar

વિરસદમાં સગીર પુત્રને ટેમ્પી ચલાવવા આપતા પિતા સામે કાર્યવાહી

વિરસદથી દાદપુરા જવાના રોડ પરના વળાંકમાં ટેમ્પી પલ્ટી જતાં ચાલકના સગીર મિત્રનું મોત નિપજ્યું હતું

(પ્રતિનિધિ) વિરસદ તા.10

વિરસદમાં રહેતા ટેમ્પી માલીકે તેના સગીર પુત્રને ટેમ્પી ચલાવવા આપી હતી. આ સગીર ટેમ્પી લઇ જતાં દાદપુરા જવાના રસ્તા પર વળાંકમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં તેના સગીરવયના મિત્રનું મોત નિપજ્યું હતું. આ અંગે વિરસદ પોલીસે તેના પિતા સામે પણ ગુનો નોંધ્યો હતો.

વિરસદની ઇન્દીરા કોલોની પાછળ રહેતા રમેશ ભયજીભાઈ તળપદાનો પુત્ર રણજીત (ઉ.વ.14) હતો. જે નજીકમાં રહેતા સગીરનો મિત્ર હતો. આ બન્ને મિત્ર 25મી એપ્રિલના રોજ સાંજના ટેમ્પી લઇને વિરસદથી દાદપુરા જવા નિકળ્યાં હતાં. દરમિયાનમાં ટેમ્પી પલ્ટી જતાં રણજીતનું મોત નિપજ્યું હતું. આ અંગે વિરસદ પોલીસે તપાસ હાથ ધરી હતી.

વિરસદ પોલીસની પ્રાથમિક તપાસમાં ટેમ્પી ચાલક સગીર વયનો છે અને તેણે ગફલતભરી રીતે ટેમ્પી ચલાવતા અકસ્માતમાં રણજીતનું મોત નિપજ્યું હતું. આથી, ચાલકને જુવેનાઇલ રૂમમાં પુછપરછ કરતાં તેણે રણજીત તેનો મિત્ર હતો અને પિતાની જાણ બહાર ટેમ્પી ચલાવવા લીધી હોવાની કબુલાત આપી હતી. આ અંગે કિશોરના પિતાની હાજરીમાં લાયસન્સ માંગ્યું હતુ. પરંતુ તેની પાસે ન હોવાનું જણાવ્યું હતું. આમ, કિશોરના પિતા કાંતિ કેશવ તળપદાએ ટેમ્પી પોતાના સગીર દિકરા પાસે લાયસન્સ ન હોવા છતાં ચલાવવા આપી હતી. આ અંગે કાંતિ કેશવ તળપદા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top