SURAT

સુરતમાં અચાનક બેભાન થઈ જતાં 5 વ્યક્તિઓના મોત, પુત્રી સાથે સાયકલ ચલાવવા નિકળેલા પિતા ઢળી પડ્યા

સુરત: (Surat) શહેરમાં અચાનક બેભાન થઈ જવાના બનાવો ધીરે-ધીરે ફરી વધવા લાગ્યા છે. ત્યારે હાલમાં શહેરમાં અચાનક બેભાન (Unconscious) થઈ જતાં 5 વ્યક્તિઓના મોત થયા હતા. જેમાં ભેંસાણ ખાતે પુત્રીને સાયકલ ચલાવવા માટે નીકળેલા પિતા અચાનક ઢળી પડતાં મોતને ભેટ્યા હતા. તો અન્ય બનાવોમાં ઉધનામાં મિલમાં તેમજ કાપોદ્રામાં કામ કરતી વખતે બેભાન થઈ જતાં બેના મોત થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઇચ્છાપોર પોલીસની હદમાં આવતા ભેંસાણ મહાદેવ મંદિરની સામે હિતેશ ચંદુભાઈ પટેલ (43 વર્ષ) બે સંતાન સહિતના પરિવાર સાથે રહેતા હતા. હિતેશ ટ્રાવેલ્સ એજન્સીમા ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. ગુરુવારે સાંજે 5:45 વાગ્યાના સુમારે હિતેશ તેની 14 વર્ષીય ત્રિશા નામની પુત્રીને સાયકલ ચલાવવા માટે મલગામા ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગયા હતા. જ્યાં પુત્રી સાયકલ ચલાવી રહી હતી. તે સમયે હિતેશ અચાનક ઢળી પડ્યો હતો. જેથી અન્ય લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

બીજા બનાવમાં, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ઉધના ભીમનગર ગરનાળા પાસે શિવશંકર ઉર્ફે દિપક વિજયપાલ શિંગ (36 વર્ષ) રહેતો હતો. શિવશંકર ઉધના રોડ નંબર 10 પર આવેલ કંપનીમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગુરુવારે રાત્રે 9 વાગ્યાના સુમારે શિવશંકર મિલમાં કામ કરીને દાદર ઉતરી રહ્યો હતો. ત્યારે ચક્કર આવતા તે ઢળી પડ્યો હતો. જેથી સારવાર માટે સ્થળે આવેલી 108ના કર્મીએ તેને મૃત જાહેર કર્યો હતો.

ત્રીજા બનાવમાં, મૂળ ભાવનગરના વતની દિનેશ જીવરાજ કાકડીયા (50 વર્ષ) હાલ મોટા વરાછા સુદામા ચોક પાસે મંત્ર હોમ્સમાં પરિવાર સાથે રહેતા હતા. દિનેશ કાપોદ્રા ગાયત્રી સોસાયટીમાં રત્નકલાકાર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગુરુવારે સાંજે 5:30 વાગ્યાના સુમારે દિનેશ કંપનીમાં કામ કરી રહ્યો હતો. ત્યારે અચાનક ઢળી પડ્યો હતો. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

ચોથા બનાવમાં, કતારગામ લલિતા ચોકડી પાસે આવેલ સંતોષી નગરમાં રાજેશ નાનજીભાઈ વાદી (45 વર્ષ) બે સંતાન સહિતના પરિવાર સાથે રહેતો હતો. રાજેશ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગુરુવારે રાત્રે રાજેશ જમીને સુઈ ગયો હતો. મધરાત્રે અચાનક તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

અન્ય બનાવમાં, નાના વરાછા હળપતિ કોલોનીમાં ભરત બલદેવ વ્યાસ (42 વર્ષ) એકલો રહેતો હતો. ભરત છૂટક મજૂરી કરીને પેટનું પાટિયું ભરતો હતો. બુધવારે રાત્રે ભરત જમીને સુઈ ગયો હતો. ગુરુવારે સવારે તે ઉઠ્યો નહિ હતો. જેથી પાડોશીઓ તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં લઈને ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કર્યો હતો. જેથી પાડોશીઓએ તેની અંતિમવિધિ કરી હતી.

Most Popular

To Top