Gujarat

ચૂંટણી: આચારસંહિતાનો કડક અમલ શરૂ, હોર્ડિંગ્સ, બેનરો અને બોર્ડ ઉતારી લેવાયા

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Election) તારીખો જાહેર થઈ ગઈ છે. આ સાથે જ રાજ્યમાં આચારસંહિતાનો અમલ પણ શરૂ થઈ ગયો છે. જેને પગલે વહીવટી તંત્ર દ્વારા રાજ્યભરમાં અનેક શહેરોમાં લાગેલા જુદી જુદી પાર્ટીઓના (Party) હોર્ડિંગ્સ, બેનરો અને બોર્ડ ઉતારી લેવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની સાથે જ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. જેથી વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર સહિતના મોટા શહેરોમાં મનપા દ્વારા તેમજ અન્ય શહેરોમાં જેતે વહીવટી સત્તાવાળાઓએ શહેરભરમાં જુદી જુદી રાજકીય પાર્ટીઓ દ્વારા લગાડવામાં આવેલા બેનર્સ તેમજ પક્ષના ચિન્હોને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસંહિતાના અમલ રૂપે એક માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે. જેનું ચુસ્તપણે પાલન થાય તે માટે વહીવટી તંત્રએ પ્રયાસો શરૂ કરી દીધા છે. આચારસંહિતાનો ચુસ્તપણે તમામ રાજકીય પાર્ટીઓ અમલ કરવાનો રહેશે.

ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થવાની સાથે જ હવે ગુજરાતમાં સરકાર દ્વારા કોઈ યોજના કે મોટી જાહેરાત કરી શકાશે નહીં, નવા કોઈપણ જાતના ભૂમિપૂજનો કે લોકાર્પણ કાર્યક્રમો કરી શકાશે નહીં, આ ઉપરાંત સરકારી ખર્ચે કોઈપણ રાજકીય કાર્યક્રમ કરી શકાશે નહીં. મંત્રીઓ, બોર્ડ નિગમના ચેરમેનો સહિત હોદ્દેદારોએ સરકારી વાહનો જમા કરાવવાના રહેશે, તેમ જ સરકારી બંગલાનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરી શકાશે નહીં, સહિતની અનેક આદર્શ આચારસહિતાઓની જોગવાઈ લાગુ કરાઈ છે.

Most Popular

To Top