SURAT

દેસાઈ વૉચ પેઢી 95 વર્ષથી સુરતીઓને વિશ્વાસનો સમય બતાવી રહી છે

આજે મોબાઈલ ફોનનો જમાનો છે દરેક સસ્તાથી લઈને કિંમતી મોબાઈલ ફોનની અંદર જ ટાઈમ પણ જોઇ શકાય છે. લોકો પાસે કિંમતી મોબાઈલ હોવા છતાં પણ રિસ્ટ વૉચ (કાંડા ઘડિયાળ) ભૂતકાળનો સમય નથી બની. લગભગ દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ ફોન અને હાથના કાંડા પર ઘડિયાળ બાંધેલી અવશ્ય જોવા મળશે. એક સમય હતો જ્યારે જે વ્યક્તિ પાસે પેન, ઘડિયાળ અને ચશ્માં હોય તેને સમૃદ્ધ વ્યક્તિ માનવામાં આવતી. તે સમયે ઘડિયાળ જરૂરીયાતની વસ્તુ ગણાતી. એ જમનામાં આ જરૂરિયાતની વસ્તુ એટલે ઘડિયાળ સુરતીઓને સુરતમાં જ મળી રહે તે માટે 1927માં ભાગળ વિસ્તારમાં નાથુભાઈ મકનજી દેસાઈએ દેસાઈ વાૅચ પેઢીની સ્થાપના કરી હતી.

એ સમયે ઘડિયાળ બહુ મોંઘી મળતી હોવાથી તેને લેનારો વર્ગ ખૂબ નાનો હતો. આ પેઢીની સ્થાપના થઇ ત્યાર પહેલાંથી લાલગેટ વિસ્તારમાં ચશ્મા અને ઘડિયાળની એક દુકાન હતી જોકે હવે તે દુકાનનું અસ્તિત્વ રહ્યું નથી. આજે તો સુરતમાં રિસ્ટ વોચ અને વોલ કલોકનું વેચાણ કરતી અનેક દુકાનો હોવા છતાં સુરતીઓ વર્ષોના વ્હાણા વીત્યા બાદ પણ શા માટે આ જ પેઢીની ઘડિયાળોના સમય પર આંખ મીંચીને વિશ્વાસ કરે છે તે આપણે આ દુકાનના ત્રીજી પેઢીના સંચાલક પાસેથી જાણીએ.

મુંબઈથી ઘડિયાળ લાવીને વેચતા: નિલેશભાઈ દેસાઈ
આ દુકાનના ત્રીજી પેઢીનાં સંચાલક નીલેશભાઈ દેસાઈએ જણાવ્યું કે પહેલાં ભારતમાં ઘડિયાળનું ઉત્પાદન નહીં થતું હતું. તેમના દાદા નાથુભાઈ દેસાઈ ઘડિયાળો લેવા મુંબઈ ટ્રેનમાં જતા હતાં. મુંબઈમાં ઘડિયાળો જાપાન, જર્મની અને સ્વિત્ઝરલેન્ડથી આવતી હતી. આ પેઢીમાંથી ઘડિયાળો લેવાં ગ્રાહક ભરૂચ, અંકલેશ્વર, નવસારી, બારડોલી અને સુરતના આજુબાજુના ગામોથી આવે છે. આ ગ્રહકોને 1952-53માં સુરતની વસ્તી 8 લાખથી પણ ઓછી હતી. મોરબીથી વોલ કલૉક આવતી. પછીથી રિસ્ટ વૉચ અમદાવાદથી આવતી હતી.

U.S.A., U.K.થી લોકો ઘડિયાળ રીપેરીંગ માટે આવે છે: જીમીત દેસાઈ
નિલેશભાઈના પુત્ર જીમીતભાઈ દેસાઈએ જણાવ્યું કે અહીં થી ગ્રાહકો ઘડિયાળ U.S.A., U.K. થી આવે છે. N.R.I. ડિસેમ્બરમાં સુરત આવે ત્યારે એક સામટી ઘણીબધી ઘડિયાળ રીપેરીંગ માટે લઈને આવે છે કેમકે વિદેશમાં રીપેરીંગ મોંઘુ પડે છે. બેટરી બદલવા પણ આવે છે કોસ્ટલી ઘડિયાળનું રીપેરીંગ કરાવે છે. આ ઘડિયાળો એક હજાર રૂપિયાથી લઈને 40થી 50 હજાર રૂપિયાની કિંમત સુધીની હોય છે. એમને અહીં રીપેરીંગ કરાવવાનું અને બેટરી બદલવાનું સસ્તું પડે છે. લોકો ગિફ્ટ આપવા માટે પણ વૉચીઝ લઈ જાય છે.

1927માં આ પેઢીનો પાયો નાથુભાઈ દેસાઈએ નાંખ્યો હતો
નાથુભાઈ મકનજી દેસાઈએ આ પેઢીનો પાયો 95 વર્ષ પહેલાં 1927માં નાંખ્યો હતો. તેઓ પહેલાં વેસ્મામાં રહેતા હતાં અને ત્યાં ખેતી કરતાં હતાં. તેમણે સુરતમાં આવીને થોડો સમય નોકરી કરી હતી તેઓ સુરતમાં શરૂઆતમાં ઘડિયાળ રિપેરીંગનું કામ કરતાં હતાં. તેઓ પહેલાં બાલાજી રોડ પર રહેતાં હતાં બાદમાં વાડી ફળિયામાં રહેતાં હતાં. નૌકરી છોડયા બાદ તેઓએ પોતાની દુકાન શરૂ કરી અને દુકાનમાં ઘડિયાળ અને ચશ્માં વેચતા હતાં.

પહેલાં પેઢીનું નામ નાથુભાઈ મકનજી એન્ડ કં. હતું
જ્યારે આ પેઢીની સ્થાપના થઇ ત્યારે પેઢીનું નામ નાથુભાઈ મકનજી એન્ડ કં. હતું. પણ તે જુનવાણી લાગતાં 1985માં પેઢીનું નામ બદલીને દેસાઈ વૉચ કરવામાં આવ્યું હતું. 1952-53માં નાથુભાઈ દેસાઈના બે દીકરા રમેશભાઈ અને વસંતભાઈએ પેઢીમાં બેસવાનું શરૂ કર્યું હતું. 1980 સુધી રિસ્ટ વૉચ મુંબઈથી લાવવામાં આવતી. મોરબીથી સાયન્ટિફિક વોલ કલૉક અને અજંટા વોલ કલૉક લવાતી. મુંબઈથી ટાઈમ સ્ટાર અને H.M.T. ઘડિયાળ લવાતી. વસંતભાઈ 80 વર્ષની ઉંમરે પણ દુકાનમાં બેસતા હતાં.

મોબાઈલ ફોનના જમાનામાં રિસ્ટ વૉચનું વેચાણ ઊલટું વધ્યું
પહેલાંના જમાનામાં વૉચ નેસેસિટીઝ હતી જ્યારે આજે મોબાઈલ ફોનના જમાનામાં ફેશનને કારણે રિસ્ટ વૉચ એસેસિરીઝ બની છે. મોબાઈલ ફોનમાં ટાઈમ પણ જોવા મળે છે છતાં રિસ્ટ વૉચ ફેશન બની હોવાથી તેનું વેચાણ મોબાઈલ ફોનના જમાનામાં ઉલ્ટું વધ્યું છે. અત્યારે ઘડિયાળ 300-400 રૂપિયાની કિંમતે પણ મળે છે. એટલે પણ ઘડિયાળ ખરીદનારો વર્ગ મોટો છે. 300થી માંડીને 30 હજાર રૂપિયા સુધીની કિંમતની ઘડિયાળ વેચાય છે. જોકે મોબાઈલ ફોનને કારણે એલાર્મ ઘડિયાળનું વેચાણ ઓછું થયું છે કેમકે મોબાઈલ ફોનમાં જ લોકો એલાર્મ લગાવે છે.

એક ગ્રાહક માટે 5-6 વર્ષ પહેલાં રવિવારે દુકાન ખોલી હતી
5-6 વર્ષ પહેલાં દર રવિવારે આ દુકાન બંધ રાખવામાં આવતી હતી પણ એક વખત રક્ષાબંધનના બે-ત્રણ દિવસ પહેલાં રવિવારે એક ભાઈએ ફોન કરી રક્ષાબંધનને લઈને 7થી 8 રિસ્ટ વૉચ ગિફ્ટ માટે લેવાની હોવાનું કહ્યું હતું. એટલે તે ગ્રાહક માટે રવિવારનો દિવસ હોવા છતાં દુકાન ખોલવામાં આવી હતી. અને તે ભાઈએ 8-10 ઘડિયાળ લીધી હતી. જોકે, હવે તો દર રવિવારે પણ દુકાન ખુલ્લી રાખવામાં આવે છે.

મેરેજ સિઝનમાં કપલ વૉચનું વેચાણ વધી જાય છે
નીલેશભાઈ દેસાઈએ જણાવ્યું કે, છેલ્લાં 20 વર્ષથી મેરેજ સિઝનમાં કપલ વૉચનું વેચાણ વધ્યું છે. ગિફ્ટ આપવા માટે કપલ વૉચ ખરીદવામાં આવે છે. એટલુંજ નહીં દિવાળીના બોનસની સાથે કંપની પોતાના કર્મચારીઓને આપવા પણ વોલ કલૉક ખરીદતાં હોય છે. સ્પેશ્યલ કસ્ટમાઇઝડ બનાવે છે તેમાં કંપનીનો લોગો આવી જાય છે. વોલ કલૉક 200 રૂપિયાથી માંડીને 15 હજાર રૂપિયાની કિંમતમાં મળે છે ખાસ કરીને નવા ઇન્ટિરિયર વખતે વોલ કલૉક ખરીદાય છે.

2006ની રેલમાં 50થી 60 હજારની કિંમતના માલને નુકસાન થયું હતું
2006માં સુરતમાં આવેલા ભયાવહ પુરને કોઈ ભૂલી નહીં શકે આ પુરમાં સુરતના ઘણા લોકોની માલ-મિલકતને નુકસાન થયું હતું. આ દુકાનમાં પણ 4 ફૂટ જેટલું પાણી ભરાયું હતું દુકાન 4-5 દિવસ બંધ રહી હતી. દુકાનમાં ભરાયેલા પાણીને કારણે 50-60 હજાર રૂપિયાના માલને નુકસાન થયું હતું. દુકાન ખુલ્યા બાદ કીચડ ખાસ્સું થયું હતું.

વેકઅપ ચાવીવાળી એલાર્મ ઘડિયાળનું ઉત્પાદન અને વેચાણ
નિલેશભાઈ દેસાઈએ જણાવ્યું કે, મારા દાદા નાથુભાઈએ મુંબઈના પાર્ટનર સાથે ઉધના સ્ટેશનની સામે વેકઅપ ચાવીવાળી એલાર્મ ઘડિયાળનું મેન્યુફેક્ચરિંગ માટે ફેકટરી શરૂ કરી હતી. 1992 સુધી વેકઅપનું વેચાણ થયું હતુ મારા દાદા આ ફેકટરી પર ઘોડાગાડીમાં જતાં. પછી ત્યાં જ દાદાએ બંગ્લો બનાવ્યો હતો. 94-95માં આ ફેકટરી બંધ થઈ હતી. ટાઈમ અને લાઈફ લાઇન અને એક્યુરસી માટે વેકઅપને લોકો આજે પણ યાદ કરે છે. કેટલાંક ઘરોમાં આજે પણ વેકઅપ ઘડિયાળ જોવા મળે છે. તેના રીપેરીંગ માટે પણ આ ઘડિયાળ લઈને લોકો આવે છે. મમ્મી-પપ્પાની આંગળી પકડીને જે આ દુકાને આવતા તે ગ્રાહકો હવે તેમના બાળકોની આંગળી પકડીને ઘડિયાળ લેવા આવે છે. આજ પેઢી પરનો લોકોનો વિશ્વાસ છે.

બે છોકરીઓએ દુકાનમાંથી ઘડિયાળની ઉઠાંતરી કરી હતી
નીલેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે બે છોકરીઓ દુકાને ઘડિયાળ લેવા આવી હતી તેમને ઘડિયાળો બતાવવામાં આવી રહી હતી તે દરમિયાન તેમણે અમારી નજર ચુકાવી 2 ઘડિયાળની ઉઠાંતરી કરી હતી. આ ઘટના CCTV જોતા ધ્યાનમાં આવી હતી. દુકાનની સેલ્સ ગર્લ જે બહારથી દુકાનમાં આવી હતી તેણે કહ્યું હતું કે આ 2 લેડીઝને તેણે ચૌટામાં હાલમાં જ જોઈ હતી તત્કાળ દુકાનના માણસો ચૌટામાંથી આ બે છોકરીઓને દુકાને લઈ આવ્યા હતાં પહેલાં તો તે છોકરીઓએ ચોરી નહીં કરી હોવાનું કહ્યું હતું પણ પછી કબુલ્યું હતું કે તેમણે ઘડિયાળની ઉઠાંતરી કરી હતી.

Most Popular

To Top