Top News

More Posts

   The Latest

Most Popular

ગુજરાત વિદ્યાપીઠમાં શૈક્ષણિક વર્ષ 2026 માટે યુજી અને પીજી કોર્સમાં પ્રવેશ માટે ફરી એકવાર તક આપવામાં આવી રહી છે. પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અનેક કોર્સમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહી જતાં વિદ્યાપીઠે હવે બીજા તબક્કાની પ્રવેશ પરીક્ષા યોજવાનો નિર્ણય લીધો છે. આ પરીક્ષા 23 મેના રોજ યોજાશે અને તેના આધારે જ બાકી રહેલી બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. વિદ્યાપીઠ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પ્રથમ રાઉન્ડ બાદ કુલ 369 બેઠકો ખાલી રહી ગઈ હતી. આ બેઠકો ભરવા માટે હવે બીજા તબક્કાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પરીક્ષા ખાસ કરીને બીએ, બીકોમ, બીએસસી, એમએ, એમકોમ અને એમએસસી સહિતના વિવિધ કોર્સ માટે યોજાશે.

આ બીજા તબક્કામાં અમદાવાદ કેન્દ્ર પરથી આશરે 250થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાપીઠનું માનવું છે કે ખાલી બેઠકો ઝડપથી ભરાઈ જાય અને નવા શૈક્ષણિક સત્રમાં કોઈ વિલંબ ન થાય તે માટે આ પ્રક્રિયા જરૂરી બની છે. જોકે, વિદ્યાપીઠના અંદાજ પ્રમાણે બીજા રાઉન્ડ પછી પણ કેટલીક બેઠકો ખાલી રહી શકે છે. પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયામાં કુલ 1246 બેઠકો માટે જાહેરાત કરવામાં આવી હતી. આ માટે ગુજરાત વિદ્યાપીઠ એલિજિબિલિટી એન્ડ એડમિશન ટેસ્ટ લેવામાં આવી હતી. રાજ્યભરમાંથી 900થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા બાદ 875 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો, પરંતુ અંતિમ તબક્કે માત્ર 628 વિદ્યાર્થીઓએ જ ફી ભરીને પોતાનો પ્રવેશ કન્ફર્મ કર્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા ફી ન ભરાતા અને પ્રવેશ કન્ફર્મ ન કરાતા અનેક કોર્સમાં બેઠકો ખાલી રહી ગઈ હતી. પરિણામે વિદ્યાપીઠને ફરીથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવી પડી છે. વિદ્યાપીઠના અધિકારીઓના જણાવ્યા મુજબ, ખાલી બેઠકોને કારણે શૈક્ષણિક આયોજન અને કોર્સ ક્ષમતા પર સીધી અસર પડે છે. તેથી યોગ્ય અને લાયક વિદ્યાર્થીઓને ફરી તક આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત વિદ્યાપીઠમાં આ વર્ષે કુલ 48 જેટલા શૈક્ષણિક કાર્યક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તેમાં ગ્રેજ્યુએશન લેવલના 8 કોર્સ માટે 270 બેઠકો, પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલના 20 કોર્સ માટે 690 બેઠકો, એક પીજી ડિપ્લોમા કોર્સ માટે 20 બેઠકો અને પીએચડીના 16 વિષયો માટે 66 બેઠકોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કાની પ્રવેશ પરીક્ષા 10 મેના રોજ રાજ્યભરના 28 કેન્દ્રો પર યોજાઈ હતી. ત્યારબાદ મેરિટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યા હતા. હવે બીજા તબક્કાની પરીક્ષા ખાસ કરીને ખાલી બેઠકો ભરવા માટે યોજાઈ રહી છે. વિદ્યાપીઠના સૂત્રોના જણાવ્યા મુજબ, આ બીજી તક એવા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ બની શકે છે જેમને પહેલા રાઉન્ડમાં પ્રવેશ મળ્યો ન હતો અથવા અરજી કરવાની તક ચૂકી ગયા હતા. નવા રાઉન્ડ દ્વારા વિદ્યાપીઠ વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. શૈક્ષણિક ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે હાલના સમયમાં વિદ્યાર્થીઓ કોર્સ અને કોલેજ પસંદ કરતી વખતે વધુ વિકલ્પો તપાસે છે, જેના કારણે ઘણી વખત પ્રથમ રાઉન્ડ બાદ બેઠકો ખાલી રહી જતી હોય છે. આવી સ્થિતિમાં બીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા સંસ્થાઓ માટે મહત્વપૂર્ણ બની જાય છે.

To Top