SURAT

સુરત મેં ઇતની સાફ સફાઈ હો રહી હૈ બોલો કોન આ રહા હૈ? પીએમના સુરત પ્રવાસ પહેલાં મેગા ક્લીનલિનેસ ડ્રાઇવ

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ શુક્રવારે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમનને લઈને સમગ્ર શહેરમાં તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વિશેષ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનું નેતૃત્વ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ કરી રહ્યા છે. વડાપ્રધાનના પ્રવાસ પહેલાં શહેરમાં વ્યાપક સફાઈ કરવામાં આવી રહી છે. સી.આર. પાટીલ આજે સવારે ભટાર ઉમરાઉ નગર વિસ્તારમાં પહોંચ્યા હતા અને તેમણે પોતે સફાઈ કરીને શ્રમદાન કર્યું હતું. તેમની સાથે ભાજપના કાર્યકરો, સ્થાનિક આગેવાનો અને તંત્રના અધિકારીઓ પણ જોડાયા હતા.

સી.આર. પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં દેશની કમાન સંભાળ્યા બાદ સ્વચ્છતાને સૌથી વધુ પ્રાથમિકતા આપી હતી. તેમના નેતૃત્વમાં સ્વચ્છ ભારત અભિયાન શરૂ થયું, જેના કારણે દેશભરમાં સ્વચ્છતા અંગે મોટી જાગૃતિ આવી છે. તેમણે જણાવ્યું કે દેશમાં 12 કરોડથી વધુ શૌચાલયો બનાવવામાં આવ્યા છે, જેના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓને મોટી સુવિધા મળી છે. પાટીલે કહ્યું કે વડાપ્રધાન જ્યારે પણ કોઈ શહેરની મુલાકાત લેવાના હોય ત્યારે તેઓ ત્યાં એક અઠવાડિયા પહેલાં વિશેષ સફાઈ અભિયાન ચલાવવાનો આગ્રહ રાખે છે. આ માત્ર શહેરને સ્વચ્છ બનાવવા માટે નહીં, પરંતુ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે પણ મહત્વપૂર્ણ છે.

સુરતમાં વડાપ્રધાનના આગમન પહેલાં અંદાજે 26 કિલોમીટર લાંબા રૂટ પર વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના 800 જેટલા સ્થળોએ સફાઈ, કચરો ઉઠાવવાની કામગીરી અને જાહેર સ્થળોને સ્વચ્છ બનાવવા માટે ટીમો કાર્યરત છે. કોર્પોરેટરો, ધારાસભ્યો, ભાજપના પદાધિકારીઓ, સફાઈ કર્મચારીઓ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આ અભિયાનમાં સક્રિય રીતે જોડાયા છે. પાટીલે જણાવ્યું કે સુરત આજે દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સ્થાન ધરાવે છે. આ ગૌરવ મેળવવામાં સફાઈ કામદારો, અધિકારીઓ અને સામાન્ય નાગરિકોનો મોટો ફાળો રહ્યો છે. તેમણે સુરતવાસીઓને અપીલ કરી કે શહેરને મળેલું સ્વચ્છતાનું ગૌરવ સતત જાળવી રાખવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે દેશને આઝાદી મળ્યા પછી ઘણા વર્ષો સુધી સ્વચ્છતા પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નહોતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાને જનઆંદોલન બનાવી દેશનું ચિત્ર બદલવાનો પ્રયાસ કર્યો છે. આજે સ્વચ્છતા માત્ર સરકારી યોજના નહીં, પરંતુ લોકોની જીવનશૈલીનો ભાગ બની રહી છે.

વડાપ્રધાન મોદી પોતાના સુરત પ્રવાસ દરમિયાન શહેર અને દક્ષિણ ગુજરાત માટે આશરે રૂ. 18,000 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કારણે પણ સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા માર્ગો, જાહેર સ્થળો અને કાર્યક્રમ સ્થળોની ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચોમાસાની ઋતુ નજીક હોવાથી સુરત મહાનગરપાલિકા આરોગ્ય સંબંધિત પગલાં પણ લઈ રહી છે. શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય અને મચ્છરજન્ય રોગો ફેલાય નહીં તે માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય ચોમાસુજન્ય રોગોથી બચવા માટે સમગ્ર શહેરમાં 900 જેટલા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સી.આર. પાટીલે આ પહેલને ખૂબ મહત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે કહ્યું કે સ્વચ્છતા અને આરોગ્ય એકબીજા સાથે સીધા જોડાયેલા છે. શહેર સ્વચ્છ રહેશે તો લોકોનું આરોગ્ય પણ સારું રહેશે.

તેમણે નાગરિકોને અપીલ કરી કે સ્વચ્છતાને માત્ર પોતાના ઘર સુધી મર્યાદિત ન રાખે, પરંતુ પોતાના વિસ્તાર, સોસાયટી, શહેર અને દેશને પણ સ્વચ્છ રાખવામાં યોગદાન આપે. તેમણે જણાવ્યું કે આજે નાના બાળકો પણ ચોકલેટ કે અન્ય વસ્તુઓના રેપર રસ્તા પર ફેંકવાને બદલે ડસ્ટબિન શોધે છે. આ બદલાવ સ્વચ્છ ભારત અભિયાનની સફળતાનું સૌથી મોટું ઉદાહરણ છે. PM મોદીના પ્રવાસ પહેલાં શરૂ થયેલું આ સ્વચ્છતા અભિયાન માત્ર એક સરકારી કાર્યક્રમ નહીં, પરંતુ શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાનો સંકલ્પ બની રહ્યું છે.

Most Popular

To Top