World

ડૉલર સામે રૂપિયો નબળો પડતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી મોટો વધારો શક્ય, IMFના પૂર્વ અધિકારીની ચેતવણી

મિડલ ઈસ્ટમાં વધી રહેલા સૈન્ય તણાવ અને હોર્મુઝની ખાડીમાં ઉભી થયેલી અનિશ્ચિતતાની સીધી અસર હવે ભારતના અર્થતંત્ર પર દેખાવા લાગી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સંઘર્ષના કારણે વૈશ્વિક ઓઇલ માર્કેટમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF) ના પૂર્વ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર અને હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ગીતા ગોપીનાથે ભારત માટે ગંભીર ચેતવણી જાહેર કરી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જો મિડલ ઈસ્ટમાં હાલની સ્થિતિ વધુ ખરાબ બનશે, તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો વધારો, મોંઘવારીમાં તેજી અને રૂપિયાના વધુ ધોવાણ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ અને ગેસ મિડલ ઈસ્ટના દેશોમાંથી આયાત કરે છે. ખાસ કરીને હોર્મુઝની ખાડી ભારત માટે અત્યંત મહત્વનો દરિયાઈ માર્ગ માનવામાં આવે છે. વિશ્વના મોટા ભાગના તેલના જહાજો આ માર્ગથી પસાર થાય છે. આવી સ્થિતિમાં જો અહીં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય અથવા સપ્લાય ચેઇન ખોરવાય, તો ભારત પર તેની સીધી અસર પડશે.

ગીતા ગોપીનાથે કહ્યું છે કે હાલની પરિસ્થિતિ માત્ર ઓઇલના ભાવ વધારાની નથી, પરંતુ આગામી સમયમાં ઇંધણની અછત પણ ઉભી થઈ શકે છે. તેમણે ભારત માટે ત્રણ મોટી ચેતવણીઓ આપી છે, જેને હવે ગંભીરતાથી જોવામાં આવી રહી છે. સૌથી પહેલી અને મોટી ચેતવણી પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને છે. ગીતા ગોપીનાથના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 140 ડૉલર સુધી પહોંચી શકે છે. જો એવું બનશે, તો ભારત સહિત અનેક દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો થશે. ભારતમાં પહેલાથી જ છેલ્લા થોડા દિવસોમાં બે વખત ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 15 મેના રોજ લગભગ 3 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે 19 મેના રોજ ફરી 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

એનર્જી એક્સપર્ટ્સનું માનવું છે કે હાલ ભારત સરકારે ઇંધણના ભાવમાં મર્યાદિત વધારો કર્યો છે, પરંતુ ઓઇલ કંપનીઓને થઈ રહેલા નુકસાનને જોતા આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 7થી 9 રૂપિયા પ્રતિ લિટર સુધીનો વધારો થઈ શકે છે. આ વધારો એકસાથે નહીં પરંતુ તબક્કાવાર કરવામાં આવે તેવી શક્યતા છે. બીજી સૌથી મોટી ચેતવણી મોંઘવારીને લઈને છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા જ પરિવહન ખર્ચમાં વધારો થાય છે. ટ્રાન્સપોર્ટ મોંઘું થતાં શાકભાજી, દૂધ, અનાજ અને અન્ય રોજિંદી વસ્તુઓના ભાવ પણ વધે છે. એટલે કે ઇંધણના ભાવમાં વધારો સીધી રીતે સામાન્ય લોકોના ઘરખર્ચ પર અસર કરે છે. ગીતા ગોપીનાથે ચેતવણી આપી છે કે જો મિડલ ઈસ્ટ સંકટ લાંબો સમય ચાલશે, તો ભારતમાં મોંઘવારીનો નવો ઝટકો આવશે અને આર્થિક વૃદ્ધિ પર પણ તેની નકારાત્મક અસર પડશે. કંપનીઓ માટે ઉત્પાદન ખર્ચ વધશે અને લોકોની ખરીદ શક્તિ ઘટી શકે છે.

ત્રીજી અને સૌથી ગંભીર ચેતવણી ભારતીય રૂપિયાને લઈને આપવામાં આવી છે. ગીતા ગોપીનાથે જણાવ્યું કે આ વર્ષે ફેબ્રુઆરીમાં એક ડૉલર સામે રૂપિયો લગભગ 91ના સ્તરે હતો, જે હવે ઘટીને 97ની નજીક પહોંચી ગયો છે. જો વૈશ્વિક તણાવ વધશે અને ક્રૂડ વધુ મોંઘું થશે, તો રૂપિયો વધુ નબળો પડી શકે છે. રૂપિયો નબળો પડવાથી ભારત માટે વિદેશમાંથી આયાત કરાતી વસ્તુઓ વધુ મોંઘી બની જાય છે. ખાસ કરીને ઓઇલ, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય આયાતી વસ્તુઓના ભાવ વધી શકે છે. તેનો સીધો બોજ સામાન્ય ગ્રાહકો પર પડે છે. જોકે ગીતા ગોપીનાથે સાથે સાથે એ પણ કહ્યું કે ભારતીય રિઝર્વ બેંકે માત્ર રૂપિયાને 100ના આંકડા નીચે જાળવવા માટે બિનજરૂરી દબાણમાં આવવું જોઈએ નહીં. તેમના મતે આરબીઆઈએ રોજગાર, ઉત્પાદન અને અર્થતંત્રની સ્થિરતા પર વધુ ધ્યાન આપવું જોઈએ. હાલ સરકાર માટે પણ સ્થિતિ સરળ નથી. જો સરકાર લોકોને રાહત આપવા માટે ટેક્સમાં ઘટાડો કરે અથવા સબસિડી વધારે, તો રાજકોષીય ખાધમાં વધારો થઈ શકે છે. બીજી તરફ જો સરકાર ભાવ વધવા દે, તો સામાન્ય લોકો પર મોંઘવારીનો ભારે માર પડશે.

તેમ છતાં ગીતા ગોપીનાથે ભારતીય અર્થતંત્ર અંગે આશાવાદ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ભારતના આંતરિક આર્થિક ક્ષેત્રો હજુ મજબૂત સ્થિતિમાં છે અને દેશમાં ગંભીર મંદી આવવાની શક્યતા ઓછી છે. પરંતુ વૈશ્વિક સંકટ લાંબું ચાલે તો તેની અસરથી ભારત સંપૂર્ણપણે બચી શકશે નહીં. હાલ સમગ્ર દુનિયાની નજર મિડલ ઈસ્ટની સ્થિતિ પર ટકેલી છે. જો અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ વધી જશે, તો તેની સીધી અસર ભારતના સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. ખાસ કરીને પેટ્રોલ-ડીઝલ, ગેસ, ટ્રાન્સપોર્ટ અને રોજિંદા જીવન સાથે જોડાયેલી તમામ વસ્તુઓ મોંઘી બની શકે છે.

Most Popular

To Top